સાત મહિના બાદ આજે ગુજરાત આવશે અમિત શાહ, અચાનક બદલી તારીખ
અમિત શાહના ગુજરાત પ્રવાસથી ભાજપના સ્થાનિક મુદ્દાઓનો ઉકેલ આવી શકે છે. તેમજ જિલ્લા પ્રમુખોની પણ નવરાત્રિ દરમિયાન જાહેરાત થઈ શકે છે તેવું સૂત્રોનું કહેવું છે
બ્રિજેશ દોશી/અમદાવાદ :કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો નવરાત્રિ સાથે અનેરો નાતો રહ્યો છે. તેઓ નવરાત્રિના તહેવાર પર ગુજરાતની મુલાકાત કરતા હોય છે. ત્યારે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (amit shah) ગુજરાત આવી પહોંચશે. લોકડાઉન (lockdown) ના 7 મહિના બાદ આજે બપોર બાદ તેઓ ગુજરાત આવી રહ્યા છે. નવરાત્રિ દરમિયાન અમિત શાહ હંમેશા ગુજરાત આવે છે.
આવવાની તારીખ બદલવા પાછળનુ રહસ્ય
અમિત શાહ અગાઉ 17 ઓક્ટોબરના રોજ ગુજરાત પ્રવાસે આવનાર હતા. પરંતુ અચાનક તેમની તારીખોમાં ફેરબદલ કરવામાં આવ્યો છે. 17 ઓક્ટોબરને બદલે તેઓ આજે 13 ઓક્ટોબરે ગુજરાતમાં આવવાના છે. જોકે, નવરાત્રિ 17 ઓક્ટોબરના રોજથી શરૂ થઈ રહી છે, તેથી તેઓ 17 ઓક્ટોબર સુધી ગુજરાતમાં રહેશે. અમિત શાહના ગુજરાત પ્રવાસથી ભાજપના સ્થાનિક મુદ્દાઓનો ઉકેલ આવી શકે છે. તેમજ જિલ્લા પ્રમુખોની પણ નવરાત્રિ દરમિયાન જાહેરાત થઈ શકે છે તેવું સૂત્રોનું કહેવું છે.
આ પણ વાંચો : લીંબડી બેઠક માટે ભાજપ-કોંગ્રેસમાં ‘પહેલે આપ, પહેલે આપ’ જેવી સ્થિતિ, હજી કોકડું ગૂંચવાયેલું
માણસામાં કુળદેવીના દર્શન કરશે
નવરાત્રિના તહેવારમાં પોતાના પૈતૃક ગામ માણસામાં કુળદેવીના આર્શીવાદ લેવાનો ક્રમ અમિત શાહે હંમેશા જાળવ્યો છે. ત્યારે આ વખતે પણ તેઓ માણસા ખાતે તેમના કુળદેવી બહુચર માતાના આર્શીવાદ લેશે અને માતાજીની આરતી કરશે. જોકે, સત્તાવાર રીતે ભાજપ પક્ષ અમિત શાહની આ મુલાકાતને પારિવારિક પ્રોગ્રામ ગણાવી રહ્યું છે. પરંતુ રાજકીય રીતે તેમની ગુજરાત મુલાકાત ક્યારેય પારિવારિક હોતી નથી. ગુજરાત પ્રવાસમાં તેઓ સ્થાનિક ચૂંટણી વિશે ચર્ચા, પક્ષના નાનામોટા પ્રશ્નોની ચર્ચાઓનો ઉકેલ લાવતા હોય છે. તો ભાજપના નેતાઓને મળતા હોય છે.
આ પણ વાંચો : કરીના-અનુષ્કા બાદ હવે આ એક્ટ્રેસ પણ છે પ્રેગનેન્ટ, આપ્યા Good News!
ત્યારે આજની મુલાકાત દરમિયાન તેઓ 8 બેઠકોની પેટાચૂંટણીનો પ્રચાર અને જીતની રણનીતિ પર પણ ચર્ચા કરે તેવી શક્યતા છે. રિપોર્ટ અનુસાર, ભાજપ ચાર બેઠકો પર હારતુ દેખાઈ રહ્યું છે, ત્યારે આ ચાર બેઠકો પર જીત કેવી રીતે મેળવવી તેના પર અમિત શાહ ચર્ચા કરી શકે છે. આ મુલાકાતમાં તેઓ પ્રદેશના નેતાઓ સાથે મુલાકાત કરશે.