ખાયા, પીયા કુછ નહીં -ગ્લાસ તોડા...! જેવો ઘાટ અમરેલીના યુવક સાથે થયો, `લૂંટેરી દુલ્હન`ને લગાવ્યો લાખોનો ચુનો!
લૂંટેરી દુલ્હનો મહાનગરોમાંથી હાલ નાના શહેરોમાં પણ સામે આવતી જોવા મળી રહી છે, ત્યારે દેશમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ અસામતોલ થતા સામાજિક લગ્ન વ્યવસ્થા પર ખુબ મોટી અસર સર્જાઈ છે.
કેતન બગડા/અમરેલી: આધુનિક યુગમાં મોબાઈલના સદુપયોગ સાથે દુરુપયોગ વધતા ગયા છે ને મોબાઈલથી સંપર્કમાં આવેલી યુવતી લગ્નની લાલચ આપીને યુવકનો સોનાનો ચેઈન પડાવી લઈને લૂંટ કરતી લુટેરી દુલ્હન સહિતના 4 મળતિયા સામે પોલીસ ફરિયાદ થતા પોલીસે લુંટેરી દુલ્હનને પકડી પાડી હતી. અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના અનિડા ગામના યુવાનને નાણાં પડાવવા ફસાવ્યો હતો અને સોનાનો ચેન પડાવી હતી. લગ્નની લાલચ આપીને મળવા બોલાવીને યુવકને સોનાની ચેઇન પડાવીને અઢી લાખની માંગણી કરતી ગેંગનો પર્દાફાશ વડીયા પોલીસે કરીને ગણતરીની કલાકોમાં ચાર યુવક સાથે લૂંટેરી દુલ્હનને ઝડપી પાડી હતી.
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, નાના શહેરોમાં પણ બંટી બબલીની જોડીઓએ જાળ બિછાવવાનુ શરૂ કર્યું હોય તેમ અમરેલી જિલ્લાના વડિયા કુંકાવાવ તાલુકાના અનિડા ગામના ખેડૂત પુત્ર રોહિત રમેશભાઈ પરવાડીયા સોશ્યલ મીડિયાના માધ્યમથી ગોંડલની નિધિ નામની યુવતીના સંપર્કમાં આવ્યા હતા. ત્યારબાદ તેમણે 7990960060 નંબર પરથી call કરી લગ્ન બાબતે વાતચીત કરી હતી અને ગોંડલની ગુંદાળા ચોકડી નજીક રૂબરૂ મળવા બોલાવ્યા હતા.
આ યુવાન લગ્નની લાલચે ગોંડલ પ્રાઇવેટ સ્વીફ્ટ કાર મારફતે પહોંચ્યો હતો. જ્યાં લૂટેરી દુલ્હને આપેલા સરનામાં સ્થળ પર યુવતી હાજર હોવાથી તેથી તે યુવકની કારમાં બેસતા થોડે આગળ કાર ચલાવતા તેના ગોઠવાયેલ નેટવર્ક મુજબ બે શખ્સો દ્વારા કાર રોકવી મારી બહેનને ક્યાં લઈ જાવ છો? શું કામ લઈ જાવ છો? આવડો મોટો ચેઇન પહેરી છે તો તૂ દાદો છે? તેવું કહી ધમકાવવા લાગ્યા હતા.
એટલું જ નહીં, તેમણે જણાવ્યું કે, તું મારી બેનને ઉપાડવા આવ્યો છે. તારી ગાડી અને ચેઇન આપી દે અને અહીંથી ચાલ્યો જા, તે સમયે એક ત્રીજો બાપુ નામનો શખ્સ આવ્યો તે પણ એવુ કહેવા લાગ્યો કે આ મેટર અહિ જ પતાવી દે અને વહીવટ કરી સમાધાન કરી લે. તે સમયે ચોથો શખ્સ ધવલ રતિભાઈ ઠક્કર નામનો યુવાન જે ભોગ બનનાર યુવાનના ગામનો છે તે ત્યાં આવતા તેને વચ્ચે રહી સોનાનો ચેઇન મૂકીને અઢી લાખ રૂપિયા આપવાનું નક્કી કર્યું હતું, અને કોઈને જણ કરીશ તો સારાવટ નહિ રહે તેવી ધાક ધમકી આપી હતી.
નિધિ નામની યુવતી અને અન્ય ચાર શખ્સોની મદદથી ફસાવીને ભોગ બનનારનો 1 લાખ 27 હજાર રૂપિયા પડાવીને ધાક ધમકી આપી છેતરપિંડી કરી હતી. ત્યારબાદ યુવકે ફસાયા હોવાની ફરિયાદ વડિયા પોલીસ મથકમાં નોંધાવતા આઈપીસી કલમ 384,120બી,114 મુજબ ગુનો નોંધી પીએસઆઈ ઓડેદરા અને તેમની ટીમ દ્વારા તુરંત એક્શનમાં આવી લૂંટેરી દુલ્હન નિધિ અને તેની સાથે સંકળાયેલા લોકોને ગણતરીની કલાકોમાં જ પકડીને તેને નામદાર કોર્ટમાં રજુ કરતા કોર્ટે તેમના બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.
હવે રિમાન્ડમાં વધુ કેટલા લોકોનો શિકાર કર્યો તે પણ ખુલી શકે છે. ત્યારે હાલ આવી લૂંટેરી દુલ્હનો મહાનગરોમાંથી હાલ નાના શહેરોમાં પણ સામે આવતી જોવા મળી રહી છે, ત્યારે દેશમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ અસામતોલ થતા સામાજિક લગ્ન વ્યવસ્થા પર ખુબ મોટી અસર સર્જાઈ છે. તેના કારણે લગ્ન સબંધ માટે આજે અનેક યુવાનો આવી લાલચમાં આવી ફસાતા જોવા મળે છે. આવી લેભાગુ લુંટેરી દુલ્હન અને તેની સાથે સંકળાયેલી ટોળકીને કાયદાનું ભાન વડીયા પોલીસે કરાવ્યું હતું.