કેતન બગડા/અમરેલી : જેને કારણે લોકોને બે ટંકનું ખાવાનું નસીબ થાય છે, તેવા ખેડૂતોને હવે આપઘાત કરવાનો વારો આવી રહ્યો છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બાદ હવે ગુજરાતમાં પણ ખેડૂતોના આત્મહત્યાની સંખ્યા ધીરે ધીરે વધી રહી છે. ત્યારે હવે દેવામાં ડૂબેલા વધુ એક અમરેલીના ખેડૂતે મોતને વ્હાલુ કર્યુ હતું. અમરેલીમાં એક ખેડૂતે 2.75 લાખનું દેવુ વધી જતા ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમરેલીના વધુ એક ખેડૂતનાં આપઘાતની ઘટના સામે આવી છે. અમરેલીનાં દામનગરનાં સુવાગઢ સીમમાં ખેડૂતે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ખેડૂતે મંડળીમાંથી 2.75 લાખનું ધિરાણ લીધા બાદ રૂપિયાની સગવડ નહિ થતાં મોતનું પગલુ ભર્યું હતું. ત્યારે આર્થિક સંકળામણને લીધે ખેડૂતે આપઘાત કર્યો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી હતી. 


ઉલ્લેખનીય છે કે, ગત મહિને જ અમરેલીના 55 વર્ષના એક ખેડૂતે આર્થિક સંકડામણને કારણે પોતાના ખેતરમાં જ ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો. રાજ્યમાં એક તરફ વરસાદ ઓછો પડ્યો છે. ત્યારે ખેડૂતોની મહામહેનતે ઉભી કરેલી ખેતી નિષ્ફળ જઈ રહી છે. પાણીની સમસ્યા, પાકના ઓછા ભાવ વગેરે જેવી અનેક સમસ્યાઓથી ગુજરાતનો તાત ઘેરાઈ ગયો છે. ક્યાક તે મહામહેનત ઉગાવેલા પાકને રસ્તા પર ઢોળી દેવા, તો ગાય-બકરીને ખવડાવી દેવા પણ મજબૂર બન્યો છે. ગઈકાલે જ ઊનાના કાંધી ગામે ખેડૂતે ડુંગળીનો 7 વિઘાનો ઊભો પાક ઘેટા બકરાને ચરાવી દીધો છે. ડુંગળીનો ભાવ ન હોવાથી ખેડૂતે ડુંગળીનો પાક ઢોરને ચરાવી દીધો હતો. આમ, ગુજરાતના અનેક ખેડૂતો રાતા પાણીએ રડી રહ્યાં છે.