સરકાર આરોગ્ય સુવિધાના બણગા ફૂંકે છે, અને આ જિલ્લાના આરોગ્ય કેન્દ્રમાંથી પોપડા ખરે છે!!
સાવરકુંડલા તાલુકાના જીરા ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છેલ્લા ઘણા વર્ષથી બિસ્માર હાલતમાં છે. જર્જરિત હાલતમાં આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને હવે ખાસ સારવારની જરૂર છે. કારણ કે, 11 ગામના લોકો અહીં સારવાર લેવા આવે છે, ત્યારે દર્દીઓને છત ઉપરથી પોપડા પડવાનો ડર લાગી રહ્યો છે. અહી સારવાર લેવા આવનાર દર્દી અહી જ ઈજાગ્રસ્ત થાય તેવો તેને ડર લાગી રહ્યો છે. ત્યારે હવે આરોગ્ય વિભાગ આ કેન્દ્ર પર નજર કરીને તેનુ નવીનીકરણ કરે તેવુ ગામજનો ઈચ્છી રહ્યાં છે.
કેતન બગડા/અમરેલી :સાવરકુંડલા તાલુકાના જીરા ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છેલ્લા ઘણા વર્ષથી બિસ્માર હાલતમાં છે. જર્જરિત હાલતમાં આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને હવે ખાસ સારવારની જરૂર છે. કારણ કે, 11 ગામના લોકો અહીં સારવાર લેવા આવે છે, ત્યારે દર્દીઓને છત ઉપરથી પોપડા પડવાનો ડર લાગી રહ્યો છે. અહી સારવાર લેવા આવનાર દર્દી અહી જ ઈજાગ્રસ્ત થાય તેવો તેને ડર લાગી રહ્યો છે. ત્યારે હવે આરોગ્ય વિભાગ આ કેન્દ્ર પર નજર કરીને તેનુ નવીનીકરણ કરે તેવુ ગામજનો ઈચ્છી રહ્યાં છે.
સાવરકુંડલા તાલુકામાં જીરા ગામ આવેલું છે. 8 હજારની જનસંખ્યા ધરાવતા આ જીરા ગામમાં આસપાસના અગિયાર ગામોના દર્દીઓને સારવાર આપતા આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓને જવું જોખમી બની રહ્યું છે. આરોગ્ય કેન્દ્રની છત જર્જરિત હાલત થઈ ગઈ છે. દર્દીઓ અને સારવાર માટે આવે છે ત્યારે છત ઉપરથી પોપડા પડવાનો દર દર્દીઓને લાગી રહ્યો છે. ત્યારે અહીં ફરજ બજાવતા ડોક્ટર કહે છે, અહીંયા રોજની આશરે 50 જેટલી ઓપીડી હોય છે. આ ઉપરાંત સગર્ભા બહેનોને પણ ખાસ સારવાર આપવામાં આવે છે. આ મામલે પૂછતા તબીબ એમએમ કુરેશીએ જણાવ્યુ કે, થોડા દિવસ બાદ જ આ જર્જરિત દવાખાનું ખાલી કરવાનું છે અને ગ્રાન્ટ આવી જતા તમામ પ્રકારના પ્રશ્નો હલ થઈ જશે.
આ પણ વાંચો : સુરતમાં જાઓ તો સાચવજો, ચાલતા ચાલતા જ તસ્કરો બેગ તફડાવીને લઈ જાય છે
જીરા ગામના આ આરોગ્ય કેન્દ્રમાં અનેક લોકો સારવાર માટે આવે છે. પરંતુ દવાખાનામાં અંદર પ્રવેશ કરતા જ જમીન પર ગાબડા પડી ગયેલા દેખાય છે. દવાખાનાની સ્થિતિ ખૂબ જ જોખમી છે. અહીંયા આવતા દર્દીઓમાં ડરનો માહોલ છે. જીરાથી સાવરકુંડલા સારવાર લેવા જવું હોય તો 17 કિલોમીટર દૂર છે અને અમરેલી જવું હોય તો લગભગ 25 કિલોમીટર દૂર જવું પડે છે. ત્યારે ગરીબ દર્દીઓ માટે ક્યા જવુ તેની વિટંબણા છે. આ phc કેન્દ્રમાં પ્રસુતિગૃહ પણ આવેલું છે, પરંતુ એ પણ અતિ જર્જરિત છે અને જોખમી છે. ઉપરાંત અન્ય રૂમ અને ટોયલેટ બાથરૂમ પણ અતિ જર્જરિત હાલતમાં જોવા મળે છે. બીજી તરફ, જીરાનું આ પીએચસી કેન્દ્ર 1 કરોડ 25 લાખના ખર્ચે નવું મંજૂર તો થઈ ગયું છે, પરંતુ બે વર્ષ જેવો લાંબો સમય વીતી જવા છતાં એ મંજૂરીની મહોર બાકી છે. જો હવે તાત્કાલિક ધોરણે આ નવું બિલ્ડીંગ બનાવવામાં આવે તો અનેક ગરીબ દર્દીઓઓને લાભ મળી શકે છે. પરંતુ સરકાર વાયદા ઉપર વાયદા કરી રહી છે અને તંત્ર મૂક પ્રેક્ષક બનીને હા એ હા કરે છે.
આ પણ વાંચો : કિતાબે બહોત સી પઢી હોગી તુમને મગર કોઈ ચહેરા ભી તુમને પઢા હૈ... ગુજરાતની આ લાઈબ્રેરીમા વાત કરવા માણસો મળશે
જીરા ગામે આવેલા જર્જરીત અને બીમાર પીએસસી કેન્દ્રમાં આબાલ-વૃદ્ધ સૌ કોઇ સારવાર લેવા તો આવી રહ્યા છે, પરંતુ કેટલાક વૃદ્ધો સાથે યુવાનોને પણ લાવવા પડે છે. કારણકે હોસ્પિટલની છત ક્યારે પડી જાય તે કહેવાય નહિ. આવામાં મદદ માટે જુવાનિયા તો જોઈએ ને. આવો ભય અહી આવનાર દરેક દર્દીમાં જોવા મળે છે. આવામાં અહીં કામ કરી રહેલા ડોક્ટર સહિતના તમામ સ્ટાફને ધન્યવાદ આપવા ઘટે. કારણકે આવી જોખમી પરિસ્થિતિમાં અને જર્જરીત પરિસ્થિતિમાં પણ તેઓ પૂરા ઉત્સાહથી કામ કરી રહ્યા છે. દવાનો સ્ટોક પણ પૂરતા પ્રમાણમાં શોરૂમમાં ખડકાયેલો છે. ગત વર્ષના વાવાઝોડાએ દવાખાનાની ઉપરના પતરા ઉડાડી દીધા છે. જેના પરિણામે વરસાદનું પાણી પડવાની પૂરી શક્યતા છે અને મોંઘી દવાઓ ભીંજાઈને ખરાબ થઈ જાય તે પણ એક નિર્વિવાદ સત્ય છે. જીરા ગામના તમામ લોકોની માંગણી છે વહેલી તકે મંજુર થયેલ રકમમાંથી આ એક સારું આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવે.
આ પણ વાંચો : સુરતના સુખના દિવસો ગયા, મોંઘવારીને કારણે કાપડના વેપારીઓનો મરો થયો, રાહ જોયે પણ ગ્રાહક આવતો નથી
જીરા ગામના સરપંચ પણ આ આરોગ્ય કેન્દ્રની સ્થિતિ જોઈને ચિંતિત છે અને તાલુકા જિલ્લા કક્ષાએ રજુઆત કરી ચૂકયા છે. જીરાનું આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આમ તો છેલ્લા ઘણા વર્ષથી જરૂરી છે, પરંતુ વાવાઝોડા બાદ એ અતિ દયનીય સ્થિતિમાં દેખાઈ રહ્યું છે. તેમજ દવાખાનામાં ફરજ બજાવતા કર્મચારીઓની બિરદાવતા સરપંચ દક્ષાબેન કહે છે કે, ધન્યવાદ તો આ સ્ટાફને જ આપવા જોઈએ. પરંતુ આરોગ્ય વિભાગ હજુ પણ જીરા આરોગ્ય કેન્દ્રની આ દયનિય પરિસ્થિતિથી હજુ દૂર છે કે વાકેફ નથી અથવા તો તેમને આ કામ હજુ મોડું શરૂ કરવું છે એવું તો ચોક્કસ કહી શકાય.
છેવાડાના માનવી સુધી આરોગ્યની સુવિધા આપવાની વાતો કરનારી આ સરકારના માનસ નકશામાં સાવરકુંડલાના જીરા ગામનું આરોગ્ય કેન્દ્ર હજુ કંડારાયેલ નથી. પરિણામે જીરા અને આસપાસના ૧૧ ગામના લોકો આરોગ્ય સુવિધાથી વંચિત રહે છે, મુશ્કેલી ભોગવે છે અને જોખમી રીતે સારવાર લેવા પણ જઈ રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે બે વર્ષ પહેલા એક કરોડ 25 લાખના ખર્ચે મંજુર થયેલ આ આરોગ્ય કેન્દ્રનું કામ ક્યારે શરૂ થશે.