અમરેલી લેટરકાંડઃ પાટીદાર સમાજની દીકરીના કોર્ટે જામીન કર્યા મંજૂર
અમરેલી લેટરકાંડ મુદ્દે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. ગુજરાત પોલીસે ગેરકાયદેસર રીતે જે પાટીદાર દીકરીનું સરઘસ કાઢ્યું હતું તેને કોર્ટમાંથી જામીન મળી ગયા છે.
અમરેલીઃ અમરેલી જિલ્લામાં લેટરકાંડ મુદ્દે પાટીદાર દીકરીનો મુદ્દો ચર્ચામાં છે. પોલીસ દ્વારા પાટીદાર દીકરીનું સરઘસ કાઢવામાં આવતા આ મુદ્દો રાજ્યભરમાં ચર્ચાનો વિષય બની ગયો છે. આ ઘટનામાં કોર્ટમાંથી પાટીદાર દીકરીને જામીન મળી ગયા છે. પાયલ ગોટીએ કોર્ટમાં જામીન અરજી મુકી હતી. બંને પક્ષોની દલીલ સાંભળી કોર્ટે યુવતીની જામીન અરજી મંજૂર કરી છે.
શું છે સમગ્ર ઘટના
તાજેતરમાં અમરેલી ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરીયાને બદનામ કરવા માટે નકલી લેટર વાયરલ કરવામાં આવ્યા હતા. આ મુદ્દે તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કાનપરીયાએ ચાર લોકો માટે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનામાં પોલીસે ચાર લોકોની ધરપકડ કરી હતી. જેમાં મનીષ વઘાસિયા, પાયલ ગોટી, જશવંતગઢના સરપંચ અશોક માંગરોળીયા અને જીતુ ખાત્રાની ધરપકડ કરી હતી. આ ઘટનામાં પોલીસે રિકન્ટ્રક્શનના નામે પાટીદાર યુવતીનું સરઘસ કાઢ્યું હતું. ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં પોલીસના આ પગલાનો વિરોધ થઈ રહ્યો છે.
લેટરકાંમાં રાજકીય ભૂકંપના સંકેત
કૌશિક વેકરીયાને બદનામ કરવા લેટરકાંડની ઘટનામાં રાજકીય ભૂકંપના સંકેતો દેખાઈ રહ્યાં છે. આરોપી પાયલ ગોટી મુદ્દે કોંગ્રેસની રાજનીતિ બાદ ભાજપના સિનિયર નેતાની એન્ટ્રીથી રાજકીય માહોલ ગરમાયો છે. ઈફ્કોના ચેરમેન દિલીપ સંઘાણી સહિત નેતાઓએ પાટીદાર યુવતીની મુલાકાત કરી જેલનો ફોટો શેર કર્યો. કોંગ્રેસે મુદ્દો ઉછાળ્યા બાદ ભાજપના સિનયર નેતા દિલીપ સંઘાણીએ એન્ટ્રી કરતા ભાજપનું રાજકારણ ગરમાયું છે. દિલીપ સંઘાણીની મુલાકાતે ડોક્ટર ભરત કાનાબાર, ખોડલધામ ટ્રષ્ટી વસંત મોવલિયા, સહિત કેટલાક સ્થાનિક સહકારી આગેવાનોએ દિલીપ સંઘાણીને મળી રજૂઆતો કરી. અમરેલી સબજેલમાં જેની ઠુંમરની મુલાકાત બાદ દિલીપ સંઘાણીએ જેલની મુલાકાત કરી.
આ પણ વાંચોઃ રાજકોટમાં અસલી પોલીસને પડકાર ફેંકતી નકલી પોલીસ, બે દિવસમાં બે ડુપ્લીકેટ પોલીસ ઝડપાઈ
સાંસદ ગેનીબેન ઠાકોરે પણ આપી પ્રતિક્રિયા
સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું કે, અમરેલીમાં દીકરીનું સરઘસ કાઢ્યું તે મહિલા તરીકે દુખદ બાબત છે. અમરેલીની પોલીસે બૂટલેગરનું સરઘસ કાઢ્યું હોત તો અમે અભિનંદન આપત. રાજકીય આગેવાનોને વ્હાલા રાખવા મહિલાનું સરઘસ કાઢવું એ તમામનું અપમાન છે. અધિકારીઓ સામે સરકારે કડક પગલાં ભરવા જોઈએ. સાત પેઢીએ એમને મહિલાઓના સન્માન ને કોઈ લેવાદેવા નથી. ગુજરાત પોલીસ બધી ખોટું કામ નથી કરતી. અધિકારીઓને જગ્યાએ મૂકવા માટે કમિટમેન્ટ અપાય છે, શરતોને આધિન મુકવામાં આવે છે. પોલીસ ભગવાન માથે રાખી વર્દીને શોભે એવું કામ કરવું જોઈએ.
પાટીદાર સમાજ ક્યારેય પણ ભાજપને માફ નહીં કરે - લલિત વસોયા
અમરેલીમાં પાટીદાર સમાજની યુવતીનું પોલીસ દ્વારા કાઢવામાં આવેલ સરઘસ બાબતે રાજકારણ ગરમાયું છે. ધોરાજીના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને પાટીદાર આગેવાન લલિત વસોયાએ ભાજપ પર નિશાન સાધ્યું છે. લલિત વસોયા કહ્યું કે, ગુજરાતમાં ગુનેગારો બેફામ ફરી રહ્યા છે ત્યારે પોલીસ અને ગૃહરાજ્ય મંત્રી મૌન છે. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળેલી છે. ગુજરાતમાં બૂટલેગરો ખનિજ ચોરો અને રીઢા ગુનેગાર બેફામ બન્યા છે. અમરેલીના ધારાસભ્યને રાજી કરવા અને જશ ખાટવા અમરેલી પોલીસે પાટીદાર સમાજની યુવતીનું રિંકન્ટ્રક્શનના નામે સરઘસ કાઢ્યું. ગુજરાતમાં વધતી જતી ગુનાખોરી ડામવાને બદલે યુવતીઓનું સરઘસ કાઢી અને પોલીસ અને ગૃહરાજ્ય મંત્રી ધન્યતા અનુભવી રહ્યા છે. પાટીદાર યુવતીનું પોલીસ દ્વારા કાઢેલ સરઘસને લઈને ગુજરાત પરના પાટીદારોમાં રોષ છે. પાટીદાર સમાજ ક્યારેય પણ ભાજપને માફ નહીં કરે.