અમૂલ ફેડરેશનના ચેરમેન પદ માટે મહેસાણા હોટ ફેવરિટ, ચૂંટણી પહેલાં રસાકસી રહેશે
Amul New Chairman Election : શંકર ચૌધરી અધ્યક્ષ બનતાં રસ્તો ક્લિયર થઈ ગયો... દૂધ સાગર ડેરીના ચેરમેન પર ભાજપના ચાર હાથ... અમૂલ ફેડરેશનમાં સૌથી વધારે મતો દૂધસાગર પાસે... ચેરેમેન પદ માટે ઉત્તર ગુજરાતના સંઘો એક થશે... સાબરના શામળભાઈ હાલમાં ચેરમેન હોવાથી મહેસાણાને તક... અમૂલના ચેરમેન રામસિંહે દીકરાને ધારાસભ્ય બનાવી ચાન્સ ગુમાવ્યો... અશોક ચૌધરી એ સીઆર પાટીલ અને ભૂપેન્દ્ર પટેલની ગુડબુકમાં
Amul New Chairman Election : અમૂલ ફેડરેશનમાં એમડી પદેથી આરએસ સોઢીની હકાલપટ્ટી બાદ સૌથી મોટી ચર્ચા હાલમાં અમૂલના ચેરમેન પદની છે. 61 હજાર કરોડનું ટર્નઓવર ધરાવતી અને દેશની ટોપ 5માં આવતી આ સંસ્થાના ચેરમેન પદની મુદત પૂર્ણ થઈ રહી છે. ઉત્તરાયણ પછીના એકાદ સપ્તાહમાં બોર્ડના નવા પદાધિકારીઓની ચૂંટણી માટે સહકાર રજિસ્ટ્રાર તારીખનું એલાન કરી શકે છે. આમ હવે ખરો ખેલ એ અમૂલના ચેરમેન પદ માટે શરૂ થશે. ગત ચૂંટણીમાં શંકર ચૌધરીનું નામ છેલ્લી ઘડી સુધી ફાઈનલ હતું. દૂધ સંધોના ચેરમેનોની સહમતિ હોવા છતાં આખરી તબક્કે પ્રદેશ ભાજપમાંથી આવેલા મેન્ડેટમાં શામળભાઈ ચૌધરીનું નામ નીકળતાં આખરે ફેડરેશનના ચેરમેનનું પદ શામળભાઈના ભાગે આવ્યું હતું.
અમૂલના ચરમેન હવે સરકાર અને સંગઠન જ નક્કી કરે
અમૂલ સહિતની 18 ડેરીના પ્રોડક્ટનું માર્કેટિંગ કરતી સંસ્થા GCMMF એ હાલમાં સોઢીની હકાલપટ્ટીને કારણે ચર્ચામાં છે. ઉચ્ચકક્ષાએથી આવેલા આદેશ બાદ અમૂલના ચેરમેન સહિતની ટીમે ગાંધીનગર બેઠા બેઠા જ સોઢીને પાણીચું પકડાવી દીધું હતું. ગત ચૂંટણીમાં પણ જૂથવાદ અને રસાકસી હતી અને જૂના જોગીઓએ લોંબિંગ શરૂ કરું કર્યું હતું. જેમાં પ્રદેશમાંથી મેન્ડેટ લઈને આવેલા ભૂપેન્દ્ર પટેલની જાહેરાત બાદ શંકર ચૌધરીનું સીધુ પત્તું કપાઈ ગયું હતું. અમૂલના ચરમેન હવે સરકાર અને સંગઠન જ નક્કી કરે છે. જે ભાજપે શંકર ચૌધરીને કાપી નાખીને તમામ સંઘોના ચેરમેનોને શાનમાં સમજાવી દીધું હતું.
આ પણ વાંચો :
Amul માં ખરો ખેલ હવે શરૂ થશે : ચેરમેન પદ માટે બે દિગ્ગજોનું નામ રેસમાંથી આપોઆપ બહાર
સૌથી વધારે મત મહેસાણા પાસે
અમૂલની ચૂંટણીની વાત કરીએ તો રાજ્યમાં 18 દૂધ સંઘોમાં સૌથી વધારે પ્રભુત્વ ઉત્તર ગુજરાતનું રહે છે. મહેસાણાની દૂધસાગર, બનાસકાંઠાની બનાસ અને સાબરકાંઠાની સાબર ડેરીના ચેરમેન જ અમૂલ ફેડરેશનના ચેરમેન બનતા આવ્યા છે. હાલમાં પણ સાબર ડેરીના ચેરમેન શામળભાઈ ફેડરેશનના ચેરમેન છે. ઉત્તરાયણ બાદ ચૂંટણીની જાહેરાત થાય તો સૌથી વધારે ચાન્સ હાલમાં મહેસાણાની દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીના છે. અશોક ચૌધરીએ વિપુલ ચૌધરી જૂથને હરાવીને ચેરમેન પદ મેળવ્યું છે. અમૂલમાં મતોની ટકાવારી જોઈએ તો સૌથી વધારે મત મહેસાણા પાસે છે. ત્યારબાદ બનાસ અને સાબર પાસે છે. રામસિંહ પરમાર પણ અમૂલ ડેરીના ચેરમેન પદની રેસમાં છે પણ દીકરા યોગેન્દ્રને ઘારાસભ્ય બનાવી રામસિંહે આ ચાન્સ એક લઈ લીધો છે.
આ પણ વાંચો :
ગુજરાતમાં માનવ બલીનો કિસ્સો : શક્તિશાળી-અમીર બનવા 3 લોકોએ 9 વર્ષના માસુમની બલી ચઢાવી
સૌથી વધુ ચાન્સ અશોક ચૌધરીના
ભાજપના આશીર્વાદથી દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી બન્યા છે. ભાજપનું સંપૂર્ણ પીઠબળ અશોક ચૌધરી સાથે હોવાથી સૌથી ઉજળા ચાન્સ મહેસાણાની દૂધસાગર ડેરીના ચેરમેનને છે. અશોક ચૌધરીએ વિધનાસભાની ચૂંટણીમાં ચૌધરી સમાજના વિરોધ પ્રદર્શન સામે ભાજપ તરફી માહોલ લાવવા માટે ભરપૂર પ્રયાસો કર્યા હતા. અશોક ચૌધરી એ સીઆર પાટીલ અને ભૂપેન્દ્ર પટેલની ગુડબુકમાં છે. શંકર ચૌધરી વિધાનસભાના અધ્યક્ષ બની જતાં અશોક ચૌધરીનો રસ્તો સીધો ક્લિયર થઈ ગયો છે. શંકર ચૌધરીને અધ્યક્ષ બનાવીને ભાજપે એક કાંકરે ઘણા પક્ષીઓ માર્યા છે. હાલમાં શામળજીભાઈની ટર્મ પૂરી થાય તો તેમને રીપિટ કરે તેવા ચાન્સ ઓછા છે. ભાજપ એ દર વખતે કોથળામાંથી બિલાડુ કાઢે એમ અલગ નામ નહીં કાઢે તો અશોક ચૌધરી માટે અમૂલ ફેડરેશનના ચેરમેન બનવાના રસ્તા ખુલી જશે.
ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન એટલે GCMMFએ ભારતનું ફૂડ પ્રોડક્ટ અને માર્કેટિંગમાં દેશનું સૌથી મોટું ઓર્ગેનાઈઝેશન છે. જે દરરોજ 263 લાખ લીટર દૂધનું એકત્રિકરણ કરે છે. દૂધ સંધ એ ગુજરાતના 18,600 ગામડાઓમાં સહકારી મંડળી ધરાવવાની સાથે 33 જિલ્લાઓમાં 18 દૂધ સંઘો ધરાવે છે. ફેડરેશન સાથે ગુજરાતના 37 લાખ પશુપાલકોનું ભાવિ જોડાયેલું છે.
આ પણ વાંચો : નીતિન પટેલનું કદ મપાશે : નીતિન પટેલની પણ ભાજપ કેટલી કદર કરે છે એ આ ચૂંટણી સાબિત કરશે