બ્રિજેશ દોશી/ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા ફરી એકવાર કર્મચારીઓ માટે હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે રાજ્ય સરકાર અધિકારી - કર્મચારીઓના હિત માટે અનેક નિર્ણયો લઈ રહી છે ત્યારે આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં વધુ એક કર્મચારી હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં ફિક્સ પગાર નીતિ અંતર્ગત નોકરી કરી રહેલા કર્મચારીઓની નોકરીની સેવાઓ સળંગ ગણવા અંગે નાણાં વિભાગ દ્વારા વર્ષ 2017માં ઠરાવ કરવામાં આવ્યો હતો. જેમાં વર્ષ 2006 પહેલાં ફિક્સ પગારમાં નોકરી કરતા કર્મચારીઓને લાભ મળતો ન હતો. હવે વર્ષ 2006 પહેલાં ફિક્સ પગારની નોકરીમાં જોડાયેલા કર્મચારીઓની નોકરીની સેવા સળંગ ગણવા નિર્ણય લેવામાં આવ્યો છે. 


વાઘાણીએ ઉમેર્યું કે, રાજ્યમાં વર્ષ-2006 પહેલા ફિકસ પગારની નિતી અન્વયે નિમણુંક પામેલા કર્મચારીઓની ફિકસ પગારની પાંચ વર્ષની સેવા હવે સળંગ ગણવામાં આવશે. આ નિર્ણય અંતર્ગત નાણાં વિભાગના તા. 18/01/2017 ના ઠરાવ મુજબ દર્શાવેલ બઢતી તેમજ ઉચ્ચત્તર પગાર ધોરણ સહિતના લાભો ગણતરીમાં લેવામાં આવશે. 


આ નિર્ણયથી અંદાજે 42,000 થી વધુ વર્ષ-2006 પહેલા નિમણુક પામેલા કર્મચારીઓને લાભ થશે. હવે આ કર્મચારીઓની પણ ફિકસ પગારની પાંચ વર્ષની સેવા, બઢતી ઉચ્ચત્તર પગાર ધોરણ જેવા લાભો ગણતરીમાં લેવાશે. 


મંત્રીએ ઉમેર્યું કે, આ નિર્ણયથી 576 પંચાયત સહાયક/ તલાટી, 1,019 રહેમ રાહે નિમણુંક પામેલા કર્મચારીઓ, 331 સ્ટાફ નર્સ, 2400 લોક રક્ષક અને 38,285 શિક્ષકો મળી કુલ 42,035 કર્મચારીઓને લાભ થશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube