સરકાર સાથે બેઠક બાદ ST વિભાગે લીધો મહત્વનો નિર્ણય, રાજ્યવ્યાપી હડતાળ મોકૂફ રખાઈ
ગુજરાતની જનતા માટે રાહતના સમાચાર છે. એસટી વિભાગે પોતાની હડતાળ મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે. આજે ગાંધીનગરમાં યુનિયન અને સરકાર વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં યુનિયનની કેટલીક માંગો સરકારે સ્વીકારી છે.
ગાંધીનગરઃ ગુજરાત એટસી નિગમના 35 હજાર કર્મચારીઓએ પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને 20 ઓક્ટોબરે મધરાતથી હડતાળ પર જવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ હવે ગુજરાતની જનતા માટે રાહતના સમાચાર છે. સરકાર સાથેની બેઠક બાદ એસટી વિભાગે હડતાળ મોકૂફ રાખવાની જાહેરાત કરી છે.
સરકાર અને એસટી વિભાગના યુનિયન વચ્ચે યોજાઈ બેઠક
ગાંધીનગરમાં આજે એસટી યુનિયન અને મંત્રી પૂર્ણેશ મોદી અને અધિકારીઓ સાથે બેઠકનો દોર ચાલ્યો હતો. આ બેઠકમાં યુનિયને પોતાની તમામ માંગ સામે રાખી હતી. મહત્વનું છે કે એસટી કર્મચારીઓએ 7 ઓક્ટોબરે પોતાના વિવિધ માંગોને લઈને સરકારને અલ્ટીમેટમ આપ્યું હતું. એસટી કર્મચારીઓએ માસ સીએલ પર જવાની ચીમકી ઉચ્ચારી હતી.
સરકારે કેટલીક માંગો સ્વીકારી
એસટી યુનિયન અને સરકાર વચ્ચે યોજાયેલી બેઠક મુદ્દે અનેક મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આ અંગે સંકલન સમિટિના ધીરેન્દ્ર સિંહ સોલંકીએ કહ્યુ કે, ત્રણેય સંગઠોનોની સમિતિએ તમામ મુદ્દે સરકાર સાથે ચર્ચા કરી છે. 5 ટકા ડીએ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. બે વર્ષથી જે પેન્ડિંગ હતું તે પણ આપવામાં આવશે. આ સાથે કોરોના વોરિયર્સ કર્મચારીઓને આર્થિક લાભ આપવામાં આવશે.
રાજ્ય સરકારે 944 કર્મચારીઓના વારસદારોને ચુકવણી શરૂ કરવામાં આવશે. તો સરકારે ડ્રાઈવરને 1800 અને કંડક્ટરને 1900નો ગ્રેડ-પે આપવાની વાત પણ માંની છે. કુલ 18 માંગણીઓમાંથી 10 માંગનો સ્વીકાર કરવામાં આવ્યો છે. જ્યારે બાકી રહેલી 8 માંગો પર આગામી દિવસોમાં ચર્ચા કરી નિર્ણય લેવામાં આવશે.
શું બોલ્યા વાહનવ્યવહાર મંત્રી?
એસટી યુનિયન સાથે બેઠક બાદ રાજ્યના વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીએ કહ્યુ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે એસટી વિભાગના કર્મચારીઓની પડતર માંગણીઓ ઉકેલી છે. એસટી કર્મચારીઓને 7માં પગારપંચનો ત્રીજો હપ્તો તાત્કાલીક ચૂકવવામાં આવશે. કર્મચારીઓના પરિવારજનોને નોકરીના વિકલ્પે નાણાકીય પેકેજ અપાશે. ફિક્સ પગાર કર્મચારીઓના નિધન બાદ તેમના પરિવારને 4 લાખની સહાય આપવામાં આવશે. આ સાથે વર્ગ-4ના કર્મચારીઓને બે વર્ષનું બોનસ પણ ચુકવવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube