સંદીપ વસાવા/કામરેજ: સુરત જિલ્લાના આંબોલી ગામ પાસે પસાર થતા નેશનલ હાઇવે 48 ને અડીને આવેલ શ્રી અંબિકા ઓટો સેલ્સ એન્ડ સર્વિસના કેબિનમાં ત્રણ જેટલા ઈસમો પ્રવેશ્યા હતા અને કેબિનમાં રહેલ રોકડની લૂંટ ચલાવી હતી. જોકે હાજર કર્મચારીએ પડકાર ફેંકતા તેઓને ગળાના ભાગે ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છતાં કર્મચારીએ હિંમત દાખવી ત્રણ પૈકી એક ઇસમને ઝડપી લીધો હતો અને દોરડાથી બાંધી દીધો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકોમાં ભયનો માહોલ ઊભો
સુરત જિલ્લામાં લૂંટ, સ્નેચિંગ, ચોરી જેવી જેવી ઘટનાઓ હવે સામાન્ય બની હતી છે. છાશવારે આ પ્રકારના ગુનાઓ પોલીસ ચોપડે નોંધાઈ રહ્યા છે. બેખોફ બની ગયેલ રીઢા ગુનેગારો એક પછી એક ગુનાહિત પ્રવૃત્તિ કરી પોલીસને પણ પડકાર ફેંકી રહ્યા છે અને લોકોમાં ભયનો માહોલ ઊભો કરી રહ્યા છે. ત્યારે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના આંબોલી ગામ પાસે પસાર થતા નેશનલ હાઇવે 48 ને અડીને આવેલ શ્રી અંબિકા ઓટો સેલ્સના કેબિનમાં બાઈક પર આવેલ ત્રણ ઈસમો પૈકી બે ઈસમો પ્રવેશ્યા હતા અને ટેબલના ખાનામાં રહેલ રોકડ ઉઠાવી રહ્યા હતા.


લૂંટારૂઓએ ગળાના ભાગે ચપ્પુના ઘા ઝીંકી દીધા
તે દરમિયાન હાજર કર્મચારી રાજુ ત્રિપાઠીએ તેઓના પડકાર ફેંકતા લૂંટારૂઓએ તેઓને ગળાના ભાગે ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા અને ટેબલના ખાનામાં રહેલ 1.17 લાખ અને કર્મચારીના ખિસ્સામાં રહેલ ત્રણ હજાર રોકડ અને મોબાઈલ લઈને ભાગી રહ્યા હતા. તે દરમિયાન ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છતાં કર્મચારી રાજુ ત્રિપાઠીએ હિંમત દાખવી ત્રણ પૈકી એક ઇસમ સાથે બાથ ભીડી ઝડપી લીધો હતો અને બૂમાબૂમ કરતા અન્ય કર્મચારીઓ આવી જતા અન્ય બે ઈસમો બાઈક પર ભાગી જવામાં સફળ રહ્યા હતા. ઝડપાયેલ ઇસમ ભાગી ન જાય તે માટે કર્મચારીઓએ દોરડાથી બાંધી દીધો હતો. 


35 હજારની રોકડ રિકવર કરી
સમગ્ર ઘટનાની જાણ કામરેજ પોલીસને કરવામાં આવતા કામરેજ પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને ઝડપાયેલ ઇસમ નો કબજો લીધો હતો. નજીકના સીસીટીવી ફૂટેજ ચેક કરી અન્ય ઇસમોની પણ ઓળખ કરી ગણતરીની કલાકોમાં જ ફરાર બે પૈકી એક લૂંટારૂ ને દબોચી લીધો હતો.બંને આરોપી સરફરાઝ અને સકીલ જે કામરેજ ના આંબોલી અને ખોલવડ ગામના રહેવાસી છે. હાલ પોલીસે આ ગુનામાં 35 હજારની રોકડ રિકવર કરી વોન્ટેડ એક ઇસમને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે


સુરત જિલ્લામાં નેશનલ હાઇ-વે પર ચાલતા જતા રાહદારીઓ અજાણ્યા વાહન ચાલકો, મુસાફરો પાસેથી ચેન સ્નેચિંગ, મોબાઈલ સ્નેચિંગ સહિત લૂંટની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે પોલીસ પણ આ બાબતે પેટ્રોલીગ સઘન બનાવે તેવી પ્રબળ માંગ ઉઠી છે.