શેતાની લોકોએ હવે ભગવાનને પણ ના છોડ્યા! સોમનાથ મહાદેવના નામ પર શરૂ થયો ઓનલાઇન ફ્રોડનો ખેલ
કરોડો લોકોની આસ્થાના પ્રતિક એવા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરે પ્રતિવર્ષ કરોડો યાત્રી આવતા હોય છે. સોમનાથમાં ટ્રસ્ટ દ્વારા યાત્રીઓને સસ્તા ભાવે રહેવા માટે અતિથિગૃહની પણ સુવિધા ઉપલબ્ધ છે
કૌશલ જોષી/ગીર સોમનાથ: કરોડો લોકોની આસ્થાના પ્રતિક દેવાધિદેવ સોમનાથ મહાદેવના નામ પર શરૂ થયો છે ઓનલાઇન ફ્રોડનો ખેલ. કેરળમાં બેન્ક એકાઉન્ટ ખોલી google સર્ચના માધ્યમથી રૂમ બુકિંગ અથવા દાન દેનારા ભક્તોને શેતાની દિમાગ લૂંટી રહ્યો છે.
કરોડો લોકોની આસ્થાના પ્રતિક એવા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરે પ્રતિવર્ષ કરોડો યાત્રી આવતા હોય છે. સોમનાથમાં ટ્રસ્ટ દ્વારા યાત્રીઓને સસ્તા ભાવે રહેવા માટે અતિથિગૃહની પણ સુવિધા ઉપલબ્ધ છે, ત્યારે આ અતિથિગૃહોમાં ઓનલાઇન બુકિંગ કરવા માટે google પર સર્ચ કરનારા લોકોને ફસાવવા માટે એક ફ્રોડ દ્વારા પોતાનો નંબર સોમનાથના કી-વર્ડ સાથે યેનકેન પ્રકારે જોડવામાં આવ્યો છે.
લોકો google પર સોમનાથ બુકિંગ સર્ચ કરે એટલે જુદી જુદી વેબસાઈટ પર આ વ્યક્તિનો નંબર અને સોમનાથના અતિથિગૃહોના ફોટા આવે છે. આ વ્યક્તિ તેમની પાસેથી બેંક ટ્રાન્સફર અથવા યુપીઆઈ મારફતે પૈસા ઉઘરાવી લે છે. પરંતુ જ્યારે લોકો સોમનાથ આવે ત્યારે તેમને ખ્યાલ આવે કે તેમના નામનું કોઈ બુકિંગ થયું જ નથી.
આવા બનાવો સોમનાથ બુકિંગ ઓફિસે આવનાર યાત્રીઓમાં સામે આવતા ટ્રસ્ટના જન્મ મેનેજર દ્વારા પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન તેમજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઓનલાઈન મારફતે ભક્તોને સૂચિત પણ કરાયા છે કે ટ્રસ્ટની ઓફિશિયલ વેબસાઈટ www.somnath.org સિવાય કોઈપણ માધ્યમને ઓનલાઈન પેમેન્ટ જમા ન કરાવો.
ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા દ્વારા સોમનાથના કરોડો યાત્રીઓ અને ઓનલાઇન થયેલ આ ફ્રોડની ગંભીરતા સમજતા અંગત માર્ગદર્શન સાથે આ કેસને હેન્ડલ કરવામાં આવી રહ્યો છે. પોલીસ દ્વારા નવસારીથી એક વ્યક્તિની અટક પણ કરાઈ છે, પરંતુ એ વ્યક્તિએ બે વર્ષ પહેલાં નોકરી મેળવવા માટે પોતાના ડોક્યુમેન્ટ કોઈને આપેલ હોય જેનો દુરુપયોગ કરી કેરળમાં આ વ્યક્તિના નામે બેન્ક એકાઉન્ટ ખોલવામાં આવ્યું હોય તેવું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
ગીર સોમનાથ પોલીસ સોમનાથ જ્યોતિર્લિંગના નામનો દુરુપયોગ કરીને ભક્તોને ચૂનો ચોપડનાર આ ઠગ ટોળકીને આંતરરાજ્ય સીમાઓમાંથી શોધી કાઢવા માટે અનેક સ્તર પર તપાસ ચલાવી રહી છે. ત્યારે ઇન્ટરનેટ પર આંખ બંધ કરીને ભરોસો કરનાર અને કોઈપણ ટ્રીપ પ્લાનિંગ વેબસાઈટ પર જઈને આંધળું બુકિંગ કરનાર ટેક સેવી લોકોએ પણ જાગૃત થવા માટે આ લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે.
જુઓ આ પણ વીડિયો:-