અનામત આંદોલનના ત્રીજા મોરચાનો પ્રારંભ, શહીદ યાત્રાનો ફિયાસ્કો
યુદ્ધ એ જ કલ્યાણની ટોપી ધારણ કરીને પાટીદારોએ નવા સ્લોગન સાથે સમાજ માટે શહીદ થઇ ગયેલા 14 વીરોના સન્માન અને અનામતની માંગ વચ્ચે આ પાટીદાર શહીદ યાત્રાનો આજે રવિવારેમાં ઉમિયા ધામ ઊંઝાથી આરંભ કરાવ્યો હતો.
તેજસ દવે/ મહેસાણા: અનામત આંદોલના ત્રીજા મોરચાનો આજે મહેસાણાથી પ્રારંભ થઈ ગયો છે. જેમાં ગામ બદલાશે તેમ તેમ આદોલનકારીઓ જોડાતા જશે. જ્યારે આ યાત્રામાં સમગ્ર ઉતર ગુજરાતની પોલીસ મહેસાણામાં ખડકી દેવામાં આવી છે. જે રૂટમાં આ શહીદ યાત્રા પ્રસ્થાન થશે તે જગ્યા પર કાંકરી ચાળો ન થાય તેવા પ્રયાસ કર્યા હતા અને યાત્રા ઊંઝાથી પ્રસ્થાન થઈ હતી. જેમાં મોટી સંખ્યામાં પાટીદારો જોડાયા હતા. પરંતુ જે રીતે આ યાત્રા નીકળનાર હતી તેમાં કોઈ આગેવાન ન દેખતા આ સમગ્ર મામલે શહીદ યાત્રાનો ફિયાસ્કો થતો હોય તેમ જણાતું હતું.
અનામતની લડાઇ હવે યુદ્ધ એ જ કલ્યાણની ટોપી ધારણ કરીને પાટીદારોએ નવા સ્લોગન સાથે સમાજ માટે શહીદ થઇ ગયેલા 14 વીરોના સન્માન અને અનામતની માંગ વચ્ચે આ પાટીદાર શહીદ યાત્રાનો આજે રવિવારેમાં ઉમિયા ધામ ઊંઝાથી આરંભ કરાવ્યો હતો. પ્રથમ દિવસે કામલી, જગનાથપુરા, કહોડા, ભુણાવ, રણછોડપુરા, ભાંખર, ઊંઝાની વિસનગર ચોકડી, ઐઠોર, ઉનાવા, ભાન્ડુ, મહેસાણા દૂધસાગર ડેરી, રાધનપુર ચોકડી થઇ રાત્રીએ આ શહીદ યાત્રા પાંચોટમાં રાત્રી રોકાણ કરશે.
યાત્રા 35 દિવસમાં 4 હજાર કિલોમીટરનું અંતર કાપી ખોડલધામ કાગવડ પહોંચશે. ઊંઝા ઉમિયા માતાજીના મંદિરે સમસ્ત પાટીદાર સમાજની ઉપસ્થિતિ વચ્ચે 14 શહીદો, મા ઉમા-ખોડલ અને સરદાર પટેલની પ્રતિમાની પૂજા અર્ચના પ્રથમ કરી હતી. જેમાં ઉમિયાધામના ટ્રસ્ટીઓએ શહીદયાત્રાનું પ્રસ્થાન આજે કરાવ્યું હતું. પ્રથમ આ શહીદ યાત્રા ઊંઝા શહેરની પ્રદિક્ષણા કરીને કામલી ગામ ખાતે પ્રસ્થાન થઈ હતી.
પાટીદાર શહીદ યાત્રામાં 6 ડીવાયએસપી, 20 પીઆઇ, 40 પીએસઆઇ, 800 પોલીસ, 200 મહિલા પોલીસ અને 2 એસઆરપી કંપની તેમજ તાલુકા દીઠ ફાયર ફાઇટર અને એમ્બ્યુલન્સની ટીમો તૈનાત રહેશે. તેવી મહિતી હાલ માં સાપડી રહી છે. જ્યારે દરેક ગામમાં ફંડ એકત્રિત કરવામાં આવશે અને તે મૃતકોના પરિવારજનોને આપવામાં આવશે.
આમ તો પાટીદાર સમાજના શહીદોને અત્યાર સુધીમાં ફંડ તો સમાજે આપ્યું છે પરંતુ તે ફંડ તેમને ખુબ ઓછા પ્રમાણમાં મળ્યું છે. આ યાત્રામાં આવેલ ફંડનો હિસાબ અને દેખરેખ પાટીદાર ધાર્મિક સંસ્થાઓની હાજરીમાં પારદર્શક રીતે થશે તેમજ તેમનાં દ્વારા જ શહીદ પરિવાર સુધી પહોંચાડવામાં આવશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
આ યાત્રામાં કોઈપણ રાજકીય વિચારધારાઓ કે હોદ્દાઓ ધરાવતાં આગેવાનો મા ઉમાખોડલમાં શ્રદ્ધા, શ્રી સરદારની પ્રેરણા અને શહીદોની વેદનાના કાર્યક્રમમાં સમાજના અંગ તરીકે, સમાજના વ્યક્તિ તરીકે સમાજની આસ્થા અને વેદનામાં ભાગરૂપી હાજર રહ્યા છે. જોકે શહીદ યાત્રાના રૂટમાં ફેરફાર કરી પાટણ અને પાલનપુરની બાદબાકી કરાઈ છે અને આ રૂટની વાત કરતા હાલ પુરતો રૂટમાં ફેરફાર કર્યો છે અને સમય સંજોગ આધારે રૂટ તૈયાર કરવામાં આવ્યો છે. તેમ સમાજના અગ્રણીએ જણાવ્યું હતું.
જ્યારે આજે રાત્રીએ મહેસાણા ના પાંચોટ ગામ બાદ સોમવારે સવારે પાંચોટથી લણવા, ચાણસ્મા, વડાવલી, મહાદેવપુરા, ગાંભુ, રણેલા, દેદરડા, ગણેશપુરા, મોઢેરા, કાલરી, ખાતે પહોચ્યા બાદ બપોરે બહુચરાજી ઉમિયા વાડીમાં વિશ્રામ કરીને ચડાસણા, આસજોલ થઇ બલોલ ગામ ખાતે રાત્રિ રોકાણ કરશે. મળતી માહિતી મુજબ મંગળવારે બલોલથી પ્રસ્થાન કરીને આ યાત્રા સામેત્રા, દેદિયાસણ ચોકડી, અવસર પાર્ટી પ્લોટ, મોઢેરા ચોકડી, બી.કે. થિયેટર, પિલાજીગંજ, અંબાજી પરા, માનવ આશ્રમ ચોકડી, ભાન્ડુ, વાલમ, કાંસા થઇ વિજાપુર રાત્રિ રોકાણ કરશે.
એમ બે દિવસ આ યાત્રા મહેસાણાના પાટીદાર ગઢમાં જશે જ્યારે બુધવારે વિજાપુરથી રણછોડપુરા ચોકડી થઇ ગણેશપુરા, હિરપુરા, જેપુર, ફલુ, માઢી, સુંદરપુર, સરદારપુર, ટેચાવા, ફુદેડા, સપ્તેશ્વર સાબરકાંઠામાં પ્રવેશ કરશે. તેવી મહિતી હાલમાં સાંપડી રહી છે.