યુવકને વિદેશ જવાની ઘેલછામાં મળી નકલી ડિગ્રી, આણંદથી પકડાયુ વિદેશ મોકલવાનુ મોટું કૌભાંડ
- આણંદમાં નકલી માર્કશીટ બનાવી વિદેશ મોકલવાનું કૌભાંડ ઝડપાયું
- બે ભેજાબાજોએ યુવકને રૂપિયાના બદલીમાં રાજસ્થાનની યુનિ.ની નકલી ડિગ્રી પધરાવી
બુરહાન પઠાણ/આણંદ :આણંદમાંથી નકલી ડિગ્રીનાં આધારે વિદેશ મોકલવાનું કૌભાંડ ઝડપાયું છે. આણંદમાં નકલી માર્કશીટ બનાવી વિદેશ મોકલતા વીઝા એજન્ટ સહિત બે ઝડપાયા છે. ક્રિશા ઓવરસીસનાં માલિક સહિત બેની સાયબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી છે. જેઓ નકલી માર્કશીટ બનાવી વિદેશ મોકલવાના બહાને છેતરપીંડી કરતા હતા. સાઇબર ક્રાઈમ પોલીસે 37 નકલી માર્કશીટ સહિત 1.19 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેઓ જુદી જુદી યુનિવર્સિટીની નકલી માર્કશીટ બનાવતો હોવાનો પર્દાફાશ થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વસોના અલીન્દ્રા ગામે રહેતા અનુપ રાજેન્દ્રકુમાર પટેલને વિદેશ જવાની ઈચ્છા હતી. તેથી તેણે લંડન જવા માટે આણંદની ક્રિશા ઓવરસીસના નયન પટેલ અને નવીનસીંગનો સંપર્ક કર્યો હતો. તેઓએ 14 લાખના બદલામાં મિકેનિકલ ડિપ્લોમા એન્જિનિયરીંગ ડિગ્રી આપવાની બાંહેધરી આપી હતી. પરંતુ બાદમાં અનુપ પટેલે પોતાને રૂપિયાના બદલામાં મળેલી ડિગ્રી તપાસી હતી. જેમા તપાસ કરતા જાણવા મળ્યુ કે, તેને જે ડિગ્રી આપવામાં આવી હતી તે ખોટી હતી.
આ પણ વાંચો : ગોઝારો અકસ્માત : કચ્છમાં જીપ અને ટ્રક વચ્ચેની ટક્કરમાં 3 કર્મીના મોત, 2 ઘાયલ
તેની પાસેથી એડવાન્સ ફી પેટે બે લાખ રૂપિયા લેવામા આવ્યા હતા, જેના બદલામાં માધ્યમિક શિક્ષા બોર્ડ રાજસ્થાન તથા મહર્ષી સરસ્વતી વિશ્વ વિદ્યાલય રાજસ્થાનની ડિગ્રી અપાઈ હતી. પણ અનુપ પટેલે તેની ખરાઈ કરી તો જાણવા મળ્યુ કે, ડિગ્રી પર ડિજીટલ સિગ્નેચર ખોટા છે. તથા સહી સિક્કા પણ ખોટા છે. આ એક નકલી ડિગ્રી હતી.
પોતાને મળેલી ડિગ્રી ઓનલાઈન તપાસતા તે ફેક હોવાનુ અનુપને જણાયુ હતુ. તેથી અનુપ પટેલે આ અંગે સાયબર ક્રાઇમમાં ફરિયાદ આપતાં પોલીસે નયન પટેલ અને નવિનસિંગ સામે ફરિયાદ કરી હતી. આણંદ ગુનો નોંધી બંને કૌભાંડીઓની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.