આણંદમાં તળાવના બ્યુટિફિકેશનનો કરોડોનો ખર્ચ માથે પડ્યો, વોક વે તૂટી ગયો, સ્ટ્રીટ લાઈટો ગાયબ
વાત જ્યારે કરોડો રૂપિયાનો ખર્ચ કરવાની આવે, ત્યારે તંત્ર હંમેશા આગળ હોય છે, પણ વાત જ્યારે એ જ ખર્ચમાંથી ઉભી કરાયેલી સુવિધાની જાળવણીની આવે, ત્યારે તંત્ર હંમેશા પાછળ રહે છે.
બુરહાન પઠાણ, આણંદઃ આણંદ શહેરના લોટેશ્વર તળાવનું થોડા સમય પહેલા જ કરોડો રૂપિયાના ખર્ચે બ્યુટિફિકેશન કરવામાં આવ્યું હતું. જો કે પાલિકાની બેદરકારી અને ભ્રષ્ટાચારને કારણે તળાવની દુર્દશા થઈ છે. લોકો તળાવની નજીક આવતા પણ ખચકાય છે.
આણંદ શહેરના મધ્યમાં આવેલા લોટેશ્વર તળાવના આ દ્રશ્યો તેનો પુરાવો છે. બરાબર પાંચ વર્ષ પહેલા જ કરોડો રૂપિયાના ખર્ચે તળાવનું બ્યુટિફિકેશન કરાયું હતું. જો કે હવે તળાવ કોઈ ભૂતિયા જગ્યામાં પરિવર્તિત થઈ ગયું છે.
તળવામાં પાણી નામ પૂરતું છે. ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે. તળાવની આસપાસનો વોક વે ઠેર ઠેર તૂટી ગયો છે. સ્ટ્રીટ લાઈટની LED લાઈટો ગાયબ છે. અંધારાને કારણે રાત્રિના સમયે અહીં આવી શકાતું નથી.
સાફ સફાઈનાં અભાવે તળાવમાં અને તળાવની આસપાસ ઠેર ઠેર ગંદકીના ઢગ ખડકાયા છે. સ્થિતિ એવી છે કે ઉનાળાના વેકેશમાં પણ લોકો પોતાના બાળકો સાથે અહીં આવી શકતા નથી, લોકો ચાલવા પણ નથી આવી શકતા. કેમ કે અમૂલ ડેરી દ્વારા પાણી છોડવામાં આવતા પાણીને કારણે અતિશય દુર્ગંધ ફેલાય છે.. મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે.
આ પણ વાંચોઃ વડોદરામાં દર્દીઓ ભગવાન ભરોસે, SSG હોસ્પિટલમાં રખડતાં શ્વાનના ડેરા
તળાવનું બ્યુટિફિકેશન કરાયું ત્યારે પ્લાન્ટેશન કરવામાં આવ્યું હતું. તળાવની આસપાસ પાળ બનાવવામાં આવી હતી, જો કે હવે એવું કંઈ નથી. લોકો તળાવની દુર્દશા જોઈને જીવ બાળે છે..આ અંગે આણંદ નગરપાલિકાના ચીફ ઓફિસરનું શું કહેવું છે, તે પણ જાણી લો..
ચોમાસું બેસવાને હવે વધુ વાર નથી. તળાવોને ઉંડા કરવાની અને સ્વચ્છ કરવાની કામગીરી ચાલી રહી છે. પણ આણંદના લોટેશ્વર તળાવને આ વાત લાગુ નથી પડતી. આણંદ જેવા શહેરના તંત્ર માટે આ વાત અત્યંત શરમજનક છે. હવે જોવું એ રહેશે કે તંત્ર ક્યારે પોતાની જવાબદારી સમજે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube