બુરહાન પઠાણ/આણંદ :કાયદાનું પાલન કરાવતી પોલીસ કયારે સખ્તાઈ પણ દાખવતી હોય છે, જેને લઈને લોકોમાં પોલીસનો ડર રહેતો હોય છે. પરંતુ જો સિક્કાની બીજી બાજુ જોવામાં આવે તો પોલીસ તંત્ર પ્રજા માટે સંકટ સમયની સાંકળ સમાન છે. પોલીસ અને પ્રજાને એકમેકનાં પૂરક બનાવવા માટે સુરક્ષા સેતુ અંતર્ગત આણંદ જિલ્લા પોલીસ દ્વારા આણંદ શહેરમાં માઉન્ટેડ વિભાગમાં હોર્સ રાઈડીંગની તાલીમ આપવામાં આવી રહી છે, અને યુવાન યુવક યુવતીઓ ધોડેસવારીની તાલીમ મેળવી પોતાનો શોખ પૂરો કરી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આણંદ શહેરમાં પોલીસ દળનાં માઉન્ટેડ શાખા દ્વારા પોલીસ અધિક્ષક અજીત રાજ્યનાં પ્રોત્સાહનથી હોર્સ રાઈડિંગની તાલીમ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. અને શહેરની જનતા તરફથી તેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ખૂબ જ નજીવા દરે ગણી શકાય તેવી ફી લઈને યુવક યુવતીઓને હોર્સ રાઈડીંગની તાલીમ આપવામાં આવે છે. જેમાં ખાસ કરીને યુવતીઓમાં પણ હોર્સ રાઈડીંગ પ્રત્યે ક્રેઝ વધતો જોવા મળી રહ્યો છે. અહીં સાતથી વધુ યુવતીઓ પણ હોર્સ રાઈડીંગની તાલીમ મેળવી રહી છે અને માઉન્ટેડ વિભાગનાં 15 જેટલા સારી જાતની ઓલાદનાં ઘોડાઓ પર વહેલી સવારે તાલીમ આપવામાં આવી રહી છે. 


આ પણ વાંચો : એન્જિનિયરિંગ ક્ષેત્રે એક મોટો ચમત્કાર છે એસ્ટોલ પ્રોજેક્ટ, ગુજરાત માટે શા માટે ખાસ છે આ પ્રોજેક્ટ


‘ચાલ મિલાવો… ચાલ છુટની નહી ચાહીએ.. ઘોડા અંદર રખો.. ઘોડા વચ્ચે અંતર રાખો...’ ગુજરાતી અને હિંદી મિશ્રિત આ શબ્દો આજ કાલ આણંદ ખાતે ઘોડા કેમ્પમાં સાંભળવા મળી રહ્યા છે. આ શબ્દો ઘોડેસવારી શીખવાડનાર કોચ તાલીમાર્થીઓને કહી રહ્યાં છે. ઘોડો…આ શબ્દ સાંભળતા જ મનમાં ‘સવારી’ શબ્દ સવાર થઈ જાય છે. સોશિયલ મીડિયાનાં જમાનામાં મેદાન પરની પ્રવૃત્તિઓ, રમત-ગમત ઓછી થતી જાય છે, તેવા સમયે અશ્વરોહણની તાલીમ યુવાનો-વિદ્યાર્થીઓના ઘડતર માટે ઉપયોગી નીવડશે. અશ્વતાલીમ શાળા પોલીસ અને પ્રજા વચ્ચે સેતુરૂપ સાબિત થશે.


ઘોડેસવારી વ્યક્તિને રોમાંચની સાથે શિસ્ત, સંયમ અને સજ્જતાની પણ અનુભૂતિ કરાવે છે. ફિલ્મના પડદે નાયક કે નાયિકાના ઘોડેસવારીના દ્રશ્યો રોમાંચ જગાવે છે. ફિલ્મના હિરોની જેમ ઘોડેસવારી આવડે તેવી ઈચ્છા યુવાનો-વિદ્યાર્થીઓ હોય, પરંતુ અશ્વારોહણની તાલીમ બધા મેળવી શકતા ન હતા. હવે આ સ્થિતિ બદલાઈ છે. અને મોટી સંખ્યામાં યુવાનો તાલીમ મેળવી પોતાનો શોખ પુરો કરી શકે છે. ઘોડા રાજી થઈ લાગણી પણ વ્યક્ત કરે છે અને ક્યારેક નારાજ થઈ ગુસ્સો પણ વ્યક્ત કરે છે. તેની વર્તણૂંક પરથી જ ઘોડાની લાગણી સમજી શકાય છે. જેથી ઘોડાની વર્તણૂંક અને તેની લાગણીઓ અંગે પણ તાલીમ આપવામાં આવે છે. 


આ પણ વાંચો : PM Modi ગુજરાત ગૌરવ અભિયાનમાં લેશે ભાગ, 3050 કરોડ રૂપિયાના વિકાસકામોની આપશે ભેટ


ખાસ કરીને ઘોડો રોયલ પ્રાણીની સાથે માયાળુ પ્રાણી પણ ગણાય છે, ભારતીય શૂરવીરતાનાં ઈતિહાસમાં ગુજરાતી નસલનો અશ્વ ચેતક જે મહારાણા પ્રતાપનો અશ્વ હતો. તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયનાં સ્થાપક સહજાનંદ સ્વામીની માણકી ઘોડીનું નામ સુવર્ણ અક્ષરે કોતરાયેલું છે, આ ઉમદા પ્રાણી પોતાનાં અસવાર માલિકને વફાદાર હોય છે, અને ઘોડેસવારી કરવાનું આકર્ષણ સોને હોય છે, ત્યારે આ ઘોડેસવારીની તાલીમ જુની ભવ્યતાને તરોતાજા કરી રહી છે.


રાજ્યનાં પોલીસ વડાનાં આદેશ અનુસાર, પોલીસ અધિક્ષક અજીત રાજયનાં માર્ગદર્શન હેઠળ પ્રજા અને પોલીસ વચ્ચેનો સેતુ મજબૂત બને તે માટે હોર્સ રાઈડીંગ ક્લબ ચાલી રહી છે. જેમાં અત્યાર સુધીમાં પાંચ બેચમાં કુલ 250 થી વધુ યુવક યુવતીઓને ઘોડેસવારીની પ્રાથમિક તાલીમ આપવામાં આવી છે, અને તેઓને ઘોડેસવારી શીખ્યાનું પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે. સામાન્ય રીતે દરેક બેચમાં 50 તાલીમાર્થીઓને અશ્વદળનાં 15 ઘોડાઓ પર દરરોજ સવારે તાલીમ આપવામાં આવી રહી છે.


ઘોડેસવારીની પ્રાથમિક તાલીમમાં ધોડા પર કેવી રીતે બેસવું, કેવી રીતે ઉતરવું, ઘોડાને કેવી રીતે નિયંત્રણમાં રાખવું, તેમજ વિવિધ પ્રકારની ચાલથી ઘોડાને દોડાવવો, ચલાવવો, તેની સાર સંભાળ કેવી રીતે લેવી, તેને સ્નાન કરાવવું, ઘોડાને કેવા પ્રકારનો ખોરાક  આપવો, ઘોડા પ્રત્યે કેવી રીતે વ્હાલ પ્રદર્શિત કરવો સહીતની તાલીમ આપવામાં આવે છે. માઉન્ટેડ પોલીસનાં નિષ્ણાત અશ્વસવારો દ્વારા તાલીમાર્થીઓને ઘોડેસવારીનાં વિવિધ પાસાઓની સારી રીતે તાલીમ આપે છે, જેનાંથી પોલીસ તંત્ર અને પ્રજા વચ્ચે સંપર્ક સેતુને એક નવો આયામ મળ્યો છે, જે પોલીસ અને પ્રજા બન્ને વચ્ચેનાં સંબધોને વધુ સુદ્રઢ બનાવશે.