જપ્તવ્ય યાજ્ઞિક/આણંદ : જિલ્લાના વીરસદ ગામના સીમ વિસ્તારમાં ગત શનીવારેના રોજ રાત્રીના સુમારે શુભ પ્રસંગ નિમિત્તે ચુલો ખોદવા બાબતે સગા કાકા-ભત્રીજા વચ્ચે થયેલ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં થયેલ ઝઘડાએ કાકાના હાથે ભત્રીજાની હત્યા થઈ ગઇ હતી. જે બાદ કાકાએ પણ ઝેરી દવા પી આત્મહત્યાની કોશીષ કરતાં તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. અચાનક બનેલ ઘટનાથી ઘરમાં લગ્નના માહોલમાં માતમ છવાઇ ગયો હતો. આ અંગે વીરસદ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી અનુસાર બોરસદ તાલુકાના વીરસદ ગામમાં આવેલ ખોડીયારપુરા સીમ વિસ્તારમાં રહેતા અરવિંદભાઈ ઉર્ફે જગદીશભાઈ નાનજીભાઈ ઠાકોર (ઉ. વ. ૨૫)ની બહેન સુમિત્રાના લગ્ન હોઇ પરિવાર પ્રસંગની તૈયારીઓમાં હરખથી જોડાયો હતો. તે દરમ્યાન ગત શનિવારે રાત્રીના સુમારે ઘરના શુભ પ્રસંગેને લઇ રસોઇ બનાવવા માટે રસોડું ઉભું કરવા ઘરની બહાર ચુલો બનાવવા માટે અરવિંદભાઈ અને કાકા પુનમ ઠાકોર (અંદાજીત ઉંમર ૪૦)  તથા અન્ય માણસો ઘરની બહાર ખાડો ખોદવા માટે ઉભા હતા. દરમ્યાન અરવિંદભાઈ અને કાકા પુનમભાઈ વચ્ચે ચુલાનો ખાડો ખોદવા બાબતે સામાન્ય બોલાચાલી થઇ હતી. 


કાકા ભત્રિજા વચ્ચે થયેલ સામાન્ય બોલાચાલીએ અચાનક ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં ઉશ્કેરાયેલા કાકાએ ભત્રીજાને પેઢામાં લાત મારી દેતાં ભત્રીજો અરવિંદ જમીન પર ફસડાઇ પડ્યો હતો. જ્યાં જમીન ઉપર મુકેલું તપેલુ અરવિંદને માથામાં પાછળના ભાગે વાગતાં ત્યાં જ બેભાન થઈ ગયો હતો. અચાનક બનેલ આ ઘટનાથી બુમાબુમ થતાં ઘરના સભ્યો અને મહેમાનો દોડી આવ્યા હતા. ઘવાયેલ અરવિંદને તાત્કાલિક સારવાર માટે ધર્મજની હોસ્પીટલમાં લઈ ગયા હતા ત્યાંથી વધુ સારવાર માટે પેટલાદની સિવિલ હોસ્પીટલમાં ખસેડવા જતાં રસ્તામાં અરવિંદે દમ તોડી દીધો હતો. પેટલાદ હોસ્પિટલમાં ફરજ પરના તબીબે ઘવાયેલ અરવિંદને તપાસ્યા બાદ મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ વીરસદ પોલીસને સવારે થતાં પોલીસ પણ ઘટનાસ્થળે ઘસી ગઈ હતી અને મરણ જનારના સબંધી શકુબેનની ફરિયાદને આધારે વિરસદ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.


શુભ પ્રસંગમાં કાકા ભત્રિજાના ઝઘડાએ ઘરમાં ખુશીઓ વચ્ચે માતમનો માહોલ ઉભો કર્યો હતો. ભત્રિજાના અવસાનથી કાકા પુનમને લાગી આવતાં તેણે પોતે પણ ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરિવારના સભ્યોને પુનમભાઈએ ઝેરી દવા પી લીધી હોવાની જાણ થતાં તેમને પણ સારવાર માટે કરમસદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે 


મળેલ માહિતી અનુસાર મૃતક અરવિંદભાઇ (ઉ.વ.25)ને બે સંતાનો છે. બહેનના લગ્ન નજીકમાં હોઇ ઘરમાં ખુશીઓનો માહોલ બનેલો હતો. તેવામાં લગ્નના ગણતરીના કલાકો પહેલાં સગા કાકા પુનમભાઇના હાથે ભત્રિજા અરવિંદની હત્યા થઇ જતાં ખુશીઓના માહોલ વચ્ચે ઘરમાં માતમ છવાઇ ગયો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube