અંબાણી પરિવારના અવસરમાં આગંતૂકો માણશે અઢી હજારથી વધુ અનેરી વાનગીઓનો સ્વાદ
Anant Ambani-Radhika Merchant Pre-Wedding Menu: અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ સેરેમનીમાં હશે આ ખાસ મેનૂ! મહેમાનોને પીરસાશે અઢી હજારથી વધારે અનેરી વાનગીઓ. દેશ-વિદેશથી બોલાવાયા શેફ.
Anant Ambani Pre-Wedding Menu: ભારતના જાણીતા ઉદ્યોગપતિ અને રિલાયન્સ ગ્રૂપના કર્તાધર્તા મુકેશ અંબાણીના પરિવારમાં અનેરો અવસર આવ્યો છે. આ અવસર છે તેમના રાજકુંવર એટલેકે, તેમના દિકરા અનંત અંબાણીના પ્રી-વેડિંગ સેરેમનીનો. અનંત અને રાધિકાના લગ્ન આ વર્ષે થશે, જેને લઇને 1થી 3 માર્ચ સુધી ગુજરાતના જામનગર શહેરમાં ત્રણ દિવસની પ્રી-વેડિંગ પાર્ટી આયોજિત કરવામાં આવી રહી છે. આ પાર્ટીમાં દુનિયાભરની ઘણી ફેમસ હસ્તીઓ સામેલ થશે, જેના માટે ખૂબ જ ખાસ પકવાન બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે.
મુકેશ અંબાણીના રાજકુંવરની સમારોહઃ
દુનિયાના સૌથી ધનાઢ્ય બિઝનેસમેનોમાંથી એક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન તથા મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના દીકરા 28 વર્ષીય અનંત અંબાણીની પ્રી વેડિંગ સેરેમનીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. અનંત અંબાણી જાણીતા ઉદ્યોગતિ વીરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટની 29 વર્ષીય દીકરી રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઇ રહ્યાં છે.
પ્રી-વેડિંગ સેરેમનીમાં પિરસાશે અનેરા પકવાનઃ
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ સેરેમનીમાં મહેમાનોને નાસ્તામાં 100થી વધારે પકવાન, લંચમાં 250થી વધુ વ્યંજન, ડિનરમાં આશરે 300 વાનગીઓ પીરસવામાં આવશે. આ ઉપરાંત અડધી રાત્રે પણ એકવાર ભોજન પીરસવામાં આવશે, જેમાં 100થી વધુ પકવાન હશે. જેને મિડ નાઈટ ડિનર કહેવામાં આવશે. જે અડધી રાત્રે શરૂ થઇને સવારે 4 વાગ્યા સુધી ચાલશે. આમ આ ગ્રાન્ડ સેરેમનીની અંદર ત્રણ દિવસ સુધી મહેમાનોને લગભગ અઢી હજાર કરતા વધારે દેશ વિદેશની અનેરી વાનગીઓ પિરસવામાં આવશે. મનીકંટ્રોલના રિપોર્ટ અનુસાર, ધ જાર્ડિન હોટલના પ્રમુખે જણાવ્યું કે, ત્રણ દિવસની આ પાર્ટીમાં દરરોજ ચાર વાર વ્યંજન પીરસવામાં આવશે. તેના માટે થાઇ, જાપાની, મેક્સિકન, પારસી અને પેન એશિયન સહિત આશરે 2500 વાનગીઓ તૈયાર કરવામાં આવી રહી છે.
દેશ-દુનિયામાંથી બોલાવાયા છે ખાસ શેફઃ
આ સમારોહ માટે દેશ અને દુનિયાભરથી ખાસ શેફને બોલાવવામાં આવ્યાં છે. મહેમાનોનું ભોજન તૈયાર કરવા માટે 20 મહિલા શેફ સહિત કુલ 65 શેફનું ગ્રુપ અને રાશનથી ભરેલા 4 ટ્રક ઇન્દોરથી જામનગર પહોંચશે. આ સાથે જ તેમ પણ જણાવવામાં આવ્યું છે કે, પાર્ટીમાં એક ખાસ ઇન્દોર સરાફા ફૂડ કાઉન્ટર પણ ચલાવવામાં આવશે. જ્યાં ઇન્દોરી કચોરી, પૌંઆ, જલેબી, ભુટ્ટાની કીસ, કોપરા પેટીસ, ઉપમા અને અન્ય સ્વાદિષ્ટ વાનગીઓ પીરસવામાં આવશે. પ્રીતિભોજ માટે દરેક ડિશ કડક ગાઇડલાઇન્સ અને પ્રોટોકોલ અંતર્ગત તૈયાર કરવામાં આવશે અને 3 દિવસની પાર્ટી દરમિયાન કોઇપણ એક આઇટમને રિપીટ કરવામાં નહીં આવે.