Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણીઓ પહેલાં એક તરફ રાહુલ ગાંધી ગુજરાતમાં પ્રવાસ કરીને પોતાની ટીમ મજબૂત કરવા માંગે છે. જીત માટેની રણનીતિ ઘઢવા માંગે છે. બીજી તરફ રાહુલ ગાંધીની જ ટીમના અલબત્ત કોંગ્રેસના વર્ષો જુના કાર્યકરો પક્ષપલટો કરીને ભાજપમાં જઈ રહ્યાં છે. ત્યારે ફરી એકવાર ગુજરાત કોંગ્રેસને ફટકો લાગ્યો છે. માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ રાજીનામું આપી દીધું છે. જી હા...આજે અરવિંદ લાડાણીએ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું સોંપ્યું છે. અધ્યક્ષે રાજીનામાનો સ્વીકાર કર્યો છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે ગુજરાતના રાજકારણની હાલ હવા બદલાયેલી છે. ત્યારે આ બદલાયેલાં પવનમાં કોંગ્રેસના ઝાડ પરથી વધુ એક ડાળી તૂટી રહી છે. ગુજરાત કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ પંજાનો સાથ છોડી દીધો છે.  ઉલ્લેખનીય છેકે, આ પહેલાં હાલમાં જ અર્જુન મોઢવાડિયા અને અંબરિષ ડેર અને કંડોરિયા જેવા દિગ્ગજ નેતાઓ કોંગ્રેસને ટાટા...બાય બાય અને રામ રામ કહી ચુક્યા છે.


અગાઉ પણ ઉઠી ચુકી છે લાડાણીના પક્ષપલટાની વાતોઃ
મહત્વનું છે કે, 2022ની ચૂંટણીમાં ભાજપને 156, કોંગ્રેસને 17, આમ આદમી પાર્ટીને 5, 3 અપક્ષ અને એક બેઠક સમાજવાદી પાર્ટીને મળી હતી. પરંતુ તે બાદ અપક્ષના એક, કોંગ્રેસના 3 અને આમ આદમી પાર્ટીના 1 ધારાસભ્ય પદ છોડી ચુક્યા છે. અને હવે તેમાં અરવિંદ લાડાણીના નામનો ઉમેરો થયો છે. આ પહેલીવાર નથી જ્યારે અરવિંદ લાડાણીના પક્ષ છોડવાની વાત છે. આ પહેલા પણ આવી શક્યતાઓ સામે આવી હતી. જો કે, એ સમયે તો અરવિંદ લાડાણીએ છડેચોક કહ્યું હતું કે તેઓ પક્ષ કે પદ નહીં છોડે. પરંતુ લાગે છે કે હવે નેતાજીએ મન બદલીને કોંગ્રેસને બાય બાય કહી દીધું છે.


કોણ છે અરવિંદ લાડાણી ?
અરવિંદ લાડાણી છેલ્લા 35 વર્ષથી રાજનીતિમાં છે. જૂનાગઢની માણાવદર બેઠક પર અરવિંદ લાડાણી કોંગ્રેસના ધારાસભ્ય હતા. તેમણે વર્ષ 2022માં ભાજપના જવાહર ચાવડાને હરાવ્યા હતા. 2019ની પેટા ચૂંટણીમાં જવાહર ચાવડા સામે તેમને હાર મળી હતી. ત્રણ ટર્મ સુધી તાલુકા સંઘના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે. જિલ્લા પંચાયતની મટીયાણા બેઠકના કાર્યકારી સભ્ય પણ છે.