ધવલ પરીખ/નવસારી: જિલ્લામાં અનેક નેશનલ પ્રોજેક્ટ આવ્યા છે કે આવી રહ્યા છે. જેમાં મોટા પ્રમાણમાં ફળદ્રુપ જમીનો જવાની ચિંતા ફેલાઈ છે. હવે નવો પ્રોજેક્ટ મહારાષ્ટ્રના ભુસાવલથી પાલઘર સુધી માલગાડીઓ માટેનો ડેડીકેટેડ ફ્રેટ કોરિડોર તૈયાર થઈ રહ્યો છે. જેમાં નવસારીના આદિવાસી તાલુકાઓ વાંસદા, ચીખલી અને ખેરગામમાંથી પસાર થવાની જાણ થતા જ આદિવાસીઓમાં ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે વાંસદાના રૂપવેલ ગામે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં રાત્રી સભા કરી, જીવ આપીશું પણ જમીન નહીં આપીએ... નો નિર્ણય કરવામાં આવ્યો હતો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાંના એક માલગાડીઓ માટેના દિલ્હીથી મુંબઇ સુધીના ડેડીકેટેડ ફ્રેટ કોરિડોર પ્રોજેકટ પૂર્ણતાને આરે છે. જેની સાથે જ ભારત સરકાર દ્વારા DFCC અંતર્ગત મહારાષ્ટ્રના ભુસાવલથી પાલઘર સુધીના 4 બ્રોડગેજ ટ્રેક સાથેનો પ્રોજેક્ટ સુધીનાતૈયાર થઈ રહ્યો છે. જેના સર્વેની કામગીરી આરંભવામાં આવી છે. જે પ્રોજેક્ટ અંતર્ગત નવસારી જિલ્લાના વાંસદા, ચીખલી અને ખેરગામ તાલુકાના અંદાજે 18 ગામડાઓમાંથી પસાર થશે. સવા મહિના અગાઉ સુખાબારીમાં સર્વે કરવા આવેલા કર્મચારીઓ સામે વિરોધ કરી તેમને અટકાવવામાં આવ્યા હતા. 



જોકે સર્વે મુદ્દે કોઈ આદેશ વાંસદામાં હજુ સુધી જાહેર થયો નથી, પણ સુરત અને તાપી જિલ્લામાં પ્રાંત અધિકારી દ્વારા નોટીફિકેશન બહાર પાડતા નવસારીના આદિવાસી પટ્ટાના ગામડાઓ પણ ઉગ્ર વિરોધ કરવાની તૈયારી શરૂ થઈ છે. જેમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં વાંસદામાં સીણધઈ, કંડોલપાડા બાદ આજે રૂપવેલ ગામે રાત્રી સભા યોજી, આવનારા દિવસોમાં સંઘર્ષ સમિતિની રચના કરી, તેના નેજા હેઠળ અસરગ્રસ્ત ગામોને જાગૃત કરી, સંગઠન મજબૂત કરીને જીવ આપીશું, પણ જમીન નહીં.. ના સૂત્ર સાથે આવેદનપત્રો આપવા તેમજ ઉગ્ર આંદોલન છેડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 


રૂપવેલની સભામાં આદિવાસી આગેવાનોએ DFCC ના પ્રોજેક્ટ પાછળ ભારત સરકારના મહત્વાકાંક્ષી દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર હોવાના આક્ષેપો કર્યા હતા. ઇન્ડસ્ટ્રીઝને પ્રોત્સાહન આપવા માટે પ્રથમ એને સંલગ્ન સુવિધાઓ ઉભી કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. જેમાં પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ પાણી માટે, ભારતમાલા અને હાઇવે 56 રોડ કનેક્ટિવિટી, DFCC અંતર્ગત ભૂસાવલથી પાલઘર સુધીનો રેલ્વે ટ્રેક તેમજ મોટા મોટા પાવર ગ્રીડ લાઈનના પ્રોજેક્ટ પણ એના જ કારણે આવી રહ્યા છે. જેથી કોઇપણ હિસાબે ઉગ્ર આંદોલન સાથે કોઈપણ પ્રોજેક્ટમાં એક ઇંચ પણ જમીન ન આપવાનો નિર્ધાર આદિવાસી અસરગ્રસ્તો દ્વારા કરવામાં આવ્યો હતો.



લોકસભા ચુંટણી નજીક આવી રહી છે. જેની સાથે આદિવાસી વિસ્તારોમાં વિવિધ મેગા પ્રોજેક્ટની હલચલ પણ શરૂ થતા ઠંડીના પ્રારંભે રાજકીય ગરમાટો પણ વધશે એવી સ્થિતિ જોવાઈ રહી છે. ત્યારે માલગાડી માટેના DFCC પ્રોજેક્ટ સામે શરૂ થયેલા આદિવાસીઓના વિરોધને કારણે પ્રોજેક્ટ ગતિ પકડે છે કે કેમ...? એ જોવું રહ્યું?


વાંસદા ચીખલી અને ખેરગામ તાલુકાના અસરગ્રસ્ત ગામો
સીણધઈ, કોસ, આંગલધરા, ચઢાવ, રૂપવેલ, લાખાવડી, લિંબારપાડા, કંડોલપાડા, કંબોયા, સુખાબારી, ઝરી, વાઘાબારી, વાંદરવેલા, સારવણી, પાણીખડક, રૂમલા, પાલગભાણ, ગોડથલ