હિમાંશુ ભટ્ટ/ મોરબી: વાંકાનેર સ્ટેટના રણજિતવિલાસ પેલેસમાંથી થોડા દિવસો પહેલા અજાણ્યા તસ્કરો દ્વારા ચાંદીની તોપ, ચાંદીનું ઘર, રજવાડી ચાંદીની ખુરશી સહિતની કિંમતી ચીજ વસ્તુઓની ચોરી કરવામાં આવી હતી. જેની ફરિયાદમાં પહેલા આઠેક લાખની ચોરી હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. જો કે, જેટલી ચાંદી ચોરીમાં ગઈ છે તેની બજાર કીમત ૩૪ લાખ કરતા વધુ થતી હોવાથી પોલીસે ફરિયાદમાં ચોરીમાં નોંધાયેલા મુદ્દામાલની રકમ વધારીને ૩૪ લાખ કરી નાખી છે. વાંકાનેરના યુવરાજ કેશરીદેવસિંહ ઝાલા દ્વારા ચોરીનો ભેદ ઉકેલવા માટે સચોટ બાતમી આપે તેને બાતમીદરનું નામ ગુપ્ત રાખીને પાંચ લાખનું ઇનામ આપવાની જાહેર કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં અગાઉ જામનગર પેલેસ, વઢવાણ પેલેસ સહિતના પેલેસમાં ચોરીઓ કરવામાં આવી છે દરમ્યાન થોડા દિવસો પહેલા મોરબીના વાંકાનેર તાલુકામાં આવેલા વાંકાનેરને રાજમહેલમાંથી તા. ૧૬ થી ૧૯ દરમિયાન કોઈપણ સમયે એન્ટિક ચીજવસ્તુઓની ચોરી કરવામાં આવી હતી. ફરિયાદમાં વાંકાનેર સ્ટેટ યુવરાજ કેસરીદેવસિંહએ લખાવ્યું છે કે, રણજીતવિલાસ પેલેસની ગેલેરીમાં આવેલી બારીનો કાચ તોડી અજાણ્યા તસ્કરો અંદર પ્રવેશ કરીને રાજાશાહી સમયની ખુરશી નંગ-ર વજન આશરે ૬૦ કિલોગ્રામ તથા માર્બલ ગોલ્ડ પ્લેટેડ વિક્ટોરિયન ક્લોક તથા દરબાર હોલમાં રાખેલી મુંબઈ ખાતેના વાંકાનેર હાઉસની ચાંદીની પ્રતિકૃતિ વજન આશરે ૨૫ કિલોગ્રામ તથા ચાંદીનુ નાનુ ઘર વજન આશરે ૨ કિલોગ્રામ, ચાંદીની તોપ વજન આશરે ૧ કિલોગ્રામ તથા ચાંદીનું સ્ત્રીનું સ્ટેચ્યુ વજન આશરે ૫૦૦ ગ્રામ, ચાંદીના પલંગના ચાંદીના પોલ નંગ – ૪, ચાંદીની ફ્રેમ વજન આશરે ૧૦ થી ૧૫ કિલોગ્રામ તથા બાથરૂમમાંથી રાજાનું સ્ટેચ્યુ તથા પીત્તળનો ઘોડો, તથા મેસેજ બોક્સ અને રાજાશાહી વખતની ચીજ વસ્તુઓની ચોરી કરવામાં આવી હતી. 


જેની તે સમયે આઠેક લાખનો માલ ચોરાયો હોવાની ફરિયાદ નોંધાઈ હતી જો કે, આ ઉપરાંત એક ચાંદીનું પક્ષી અને ચાંદીનો એવોર્ડ પણ લઇ ગયા છે જેથી જેટલી ચાંદી ગઈ છે તેની બજાર કીમત ૩૪ લાખ જેટલી હોવાથી પોલીસે ચોરીમાં ગયેલી રકમનો ફરિયાદમાં આંકડો વધારી દીધો છે. 


અત્રે ઉલેખનીય છે કે, મહેલમાંથી એન્ટીક વસ્તુઓ ગઈ છે તેની કીમત કરોડો રૂપિયા થાય તેમ છે જેથી ચોરીનો ભેદ ઉકેલાય તે પોલીસની જુદીજુદી એજન્સીઓ દ્વારા તપાસનો ધમધમાટ કરવામાં આવી રહ્યો છે. દરમ્યાન વાંકાનેર યુવરાજ કેસરીદેવસિંહજી દ્વારા રાજમહેલમાં કરવામાં આવેલી ચોરીનો ભેદ ઉકેલવા માટે જો કોઈ વ્યક્તિ સચોટ માહિતી આપે તો તેને રૂપિયા પાંચ લાખનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે અને જે વ્યક્તિ બાતમી આપશે તેનું નામ પણ નામ ગુપ્ત રાખવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે.