પોલીસ સ્ટેશનમાં ગાળો બોલ્યા બાદ અલ્પેશે પોલીસને કહ્યા ‘નાલાયક’, કહ્યું-સીપી BJPના એજન્ટ છે
આજે અલ્પેશ કથીરિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેણે સુરત JCP અને પોલીસ કમિશનર પર ગંભીર આરોપ લગાવ્યા હતા.
ચેતન પટેલ/સુરત : ટ્રાફિક મુદ્દે સુરતના પોલીસ કર્મચારી સાથે બબાલ બાદ પાસ નેતા અલ્પેશ કથીરિયાનો થપ્પડકાંડનો વિવાદ સળગ્યો હતો. આ સમગ્ર હોબાળા બાદ ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી રાહુલ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે, અલ્પેશ કથીરિયાના આવા વર્તન બાદ રાજદ્રોહ કેસમાં તેને મળેલી જામીનને રદ કરવા અમે ચર્ચાવિચારણા કરી રહ્યાં છે. ત્યારે આજે અલ્પેશ કથીરિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેણે સુરત JCP અને પોલીસ કમિશનર પર ગંભીર આરોપ લગાવ્યા હતા.
થપ્પડકાંડ બાદ અલ્પેશ કથીરિયાનો પોલીસ સ્ટેશનમાં ગાળો બોલતો વીડિયો વાઈરલ થયો હતો. જે મુદ્દે તેમણે પત્રકાર પરિષદમાં પોલીસ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, પોલીસે અમને ગાળો આપી એ વીડ્યો ક્યાં છે. શું પોલીસ કમિશનર બીજેપીના એજેન્ટ છે. મારા, પાસ ઉપર કે કોઈ પણ આંદોલનકારી પર એફઆઈઆર થશે તો તેની કાઉન્ટર ફરિયાદ ટૂંક સમયમાં અમે કરીશું. હું જાહેરમાં સ્વીકારું છુ કે હું ગાળ બોલું છું. જો અમે એમની વર્દી ન અડી શકીએ તો એમને મારો શર્ટ અડવાનો કોઈ હક નથી. આખું ષડ્યંત્ર જોઈન્ટ સીપીના ઈશારે થાય છે. અધિકારીઓ વાઇટ કોલર હોય તો ખુલાસો આપો. હું જવાબ આપીશ. હવે સીપીને લેખિત ફરિયાદ કરીશું. સીપી જો ફરિયાદ નહિ લે તો હું લડતો રહીશ.
તેમણે કહ્યું કે, હોબાળા બાદ પોલીસ સ્ટેશનમાં હું દાઉદથી પણ વિશેષ હોઉં તેમ મને અલગ રખાયો હતો. મારા માતાપિતાને મળવા નહિ દેવાયા. હું આટલો ગુસ્સે કેમ છું તે હું કહીશ. જ્યાં સારા ટોયલેટ-બાથરૂમના હોઈ ત્યાં વિચાર સારા ન હોય.
પોલીસ સ્ટેશનમાં ગાળો બોલ્યા બાદ અલ્પેશ કથીરિયાએ પત્રકાર પરિષદમાં પોલીસ માટે નાલાયક શબ્દનો ઉપયોગ કર્યો. એક પાટીદાર આંદોલનના ચહેરા તરીકે અલ્પેશ કથીરિયાનું આવું વર્તન કેટલું યોગ્ય કહેવાય.