અતુલ તિવારી/અમદાવાદ: અમદાવાદના ચીફ સર્જિકલ ગેસ્ટ્રોએન્ટોરોલોજિસ્ટ ડૉ. ચિરાગ દેસાઈના નેતૃત્વમાં ડૉક્ટર્સની ટીમે ભારતમાં સૌથી વધુ વજન ધરાવતી ગાંઠ દૂર કરવાની સર્જરીનો રેકોર્ડ કર્યો છે અને આ સર્જરીને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્ઝમાં સ્થાન મેળવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડોક્ટર્સની ટીમે 56 વર્ષની મહિલાના શરીરમાં 47 કિલોગ્રામની ગાંઠ દૂર કરીને તેમને નવજીવન આપ્યું હતું. જે અત્યાર સુધી ભારતમાં સફળતાપૂર્વક દૂર કરાયેલી અંડાશયની બહારની સૌથી મોટી ગાંઠ છે. સરકારી કર્મચારી અને દેવગઢ બારિયાના રહેવાસી આ મહિલા 18 વર્ષથી આ ગાંઠ ધરાવતી હતી. 


ચાર સર્જન સહિત આઠ ડૉક્ટરની ટીમે 27 જાન્યુઆરીના રોજ સર્જરી દરમિયાન ગાંઠ ઉપરાંત આશરે 7 કિલોગ્રામ વજન ધરાવતી પેટના દિવાલની પેશીઓ અને વધારાની ત્વચા પણ દૂર કરી હતી. સર્જરી પછી મહિલાનું વજન ઘટીને 49 કિલોગ્રામ થયું હતું. તેઓ ટટ્ટાર ઊભા રહી શકતા ન હોવાથી સર્જરી અગાઉ તેમનું વજન માપી શકાયું નહોતું. ટીમમાં ઓન્કો-સર્જન ડૉ. નીતિન સિંધલ, એનેસ્થેટિસ્ટ ડૉ. અંકિત ચૌહાણ, જનરલ સર્જન ડૉ. સ્વાતિ ઉપાધ્યાય અને ગંભીર સારવારના નિષ્ણાત ડૉ. જય કોઠારી સામેલ હતા. 



સમગ્ર ગુજરાતમાં વૈશાખી વાયરા વાયા, ગરમ પવન સાથે લૂ વર્ષા, જાણો હવામાન વિભાગની કાતિલ આગાહી


સર્જરી પછી ઇન્ડિયન બુક ઓફ રેકોર્ડ્ઝમાં દાવો કરવામાં આવ્યો હતો. ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્ઝની ટીમે એની વિસ્તૃત ચકાસણી કર્યા પછી પ્રયાસ બાદ અભિનંદન અને અંતિમ મંજૂરી આપી છે. નોંધપાત્ર બાબત એ છે કે, આ સીમાચિહ્ન ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્ઝમાં ‘વિચિત્ર છતાં સત્ય’ કેટેગરી હેઠળ નોંધાયું છે. 


આ અંગે ડૉ. ચિરાગ દેસાઈએ કહ્યું હતું કે, "આ અતિ જોખમકારક સર્જરી હતી, કારણ કે મહિલાના શરીરના આંતરિક અંગો, જેમ કે યકૃત, હૃદય, ફેંફસા, કિડની અને ગર્ભાશય ખસી ગયા હતા. પેટમાં ગાંઠથી ઊભા થયેલા દબાણથી આવું થયું હતું. સીટી સ્કેન કરવું પણ મુશ્કેલરૂપ હતું, કારણ કે ગાંઠનું કદ સીટી સ્કેનના મશીનના ગેન્ટ્રી કે આધાર માટે અવરોધરૂપ હતું." 


તેમણે ઉમેર્યું હતું કે, "જોકે અમે ખુશ છીએ કે, અમારી સામે આ તમામ અવરોધો હોવા છતાં અમે જટિલ સર્જરી હાથ ધરી શક્યાં છીએ અને દર્દીને નવું જીવન આપી શક્યાં છીએ. આ સર્જરીને પગલે પ્રશંસા અમારી સફળતાની શરૂઆત છે."


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube