સમીર બલોચ/ અરવલ્લી: ઉનાળાની ગરમીમાં ગરીબ અને માધ્યમ વર્ગના લોકોની તરસ છિપાવવા ફ્રીઝની ગરજ સારતું અને સ્થાનિક કુંભરો દ્વારા દેશી માટીમાંથી બનાવેલ અરવલ્લી જિલ્લાનું માટલું આજે પણ જગ વિખ્યાત છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજના યાંત્રિક યુગમાં ઉનાળાની ગરમીમાં તરસ છીપાવવા લોકો ફ્રીઝનો ઉપયોગ કરે છે. ગામડાંમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે ફ્રીઝ નું પાણી પીવું એક સ્વપ્ન સમાન થઇ પડે છે ત્યારે આવા ગરીબો માટે ફ્રીઝની ગરજ સાલે તેવું દેશી માટીમાંથી અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના લીલછા ગામના બ્રહ્માના પુત્રો એટલે કે પ્રજાપતિઓ દ્વારા હાથે ઘડીને બનાવેલ માટલા સમગ્ર દેશમાં ઠંડુ પાણી પીવા માટે આશીર્વાદ રૂપ સાબિત થયા છે.


ભિલોડા તાલુકાના લીલછાના લીલછા ગામમાં પ્રજાપતિ પરિવારના 150થી વધુ ઘરમાં 300થી વધુ પરિવારો રહે છે. તમામનો મુખ્ય વ્યવસાય માટી કામ છે. ઉનાળાની સીઝનમાં તમામ પરિવારો લાખોની સંખ્યામાં માટલા બનાવે છે. આ માટલા સમગ્ર ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને અન્ય રાજ્યોમાં જાય છે. આ પ્રદેશની માટીમાં રહેલ ગુણધર્મને કારણે માટલાનું પાણી પીવાથી કોઈ રોગ થતો નથી અને ફ્રીઝ કરતા પણ વધુ ઠંડુ પાણી રહે છે. આ ગામમાં પેઢીઓથી આ વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારો રહે છે. સરકારના કુટિર ઉદ્યોગ દ્વારા માટલા પકવવા માટે ભઠ્ઠી પણ પ્રાપ્ત થયેલ છે. ત્યારે સ્થાનિક માટલાના વ્યવસાય સાથે વણાયેલા પ્રજાપતિ પરિવારોને તેમના વ્યવસાય પ્રત્યે ખુબ ગર્વ છે.


લીલછા ગામે માટલા બનાવવા માટે બહારથી કારીગરો બોલાવવામાં આવે છે, જે સ્થાનિક પ્રજાપતિની સૂચના મુજબ દેશી પદ્ધતિથી માટલા ઘડીને બનાવે છે. દર ઉનાળાની સીઝનમાં રોજના 50 થી 60 માટલા ઘડી ને બનાવે છે. આખી સીઝનમાં લાખોની સંખ્યામાં માટલા બનાવે છે. દેશી માટી પલાળીને ગુંદવામાં આવે છે. ત્યારબાદ ચાકડે ચઢાવી તેને ઘડી આકાર આપવામાં આવે છે. ત્યારબાદ ભઠ્ઠીમાં પકવવામાં આવે છે. આ તમામ પ્રક્રિયા માટે ત્રણ દિવસનો સમય લાગે છે. 


આ રીતે તૈયાર કરવા વાડા કારીગરોને રોજગારી પણ મળે છે અને લાખો રૂપિયાની કમાણી કરી સ્થાનિકો પણ જીવન ગુજારો કરે છે. ત્યારે યાંત્રિક યુગમાં દુર્લભ અરવલ્લી જિલ્લાનું દેશી માટલું જગ વિખ્યાત છે પણ વધતી મોંઘવારીમાં વર્ષોથી મળી રહેલા એક જ ભાવને કારણે આ પરિવારોને જીવન નિર્વાહ કરવો મુશ્કેલ બન્યો છે. તેવામાં સરકાર દ્વારા આ માટી કામ કરતા પરિવારોને પોષણક્ષમ વળતર નહિ અપાય તો આવનારા દિવસોમાં ફ્રિજની ગરજ સારતું આ દેશી માટલું ગુમ થઇ જાય તો નવાઈ નહિ.