ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં ગાંધીનગર ખાતે આર્સેલર મિતલ નિપોન સ્ટીલ ઇન્ડીયા લિમીટેડે રાજ્યમાં વિવિધ ૬ પ્રોજેક્ટસમાં રૂ. ૧ લાખ ૬૬ હજાર કરોડના સૂચિત રોકાણોના MoU સંપન્ન કર્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

૧૦મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-ર૦રર અંતર્ગત ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ અને આર્સેલર મિતલ નિપોન સ્ટીલ ઇન્ડીયા લિમીટેડ વચ્ચે થયેલા આ MoU પર ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા તથા આર્સેલર મિતલ નિપોન સ્ટીલ ઇન્ડીયા વતી સી.ઇ.ઓ દિલીપ ઓમેને હસ્તાક્ષર કર્યા હતા.


આ MoU અનુસાર આર્સેલર મિતલ નિપોન સ્ટીલ ઇન્ડીયા લિમીટેડ દ્વારા જે ૬ સૂચિત પ્રોજેક્ટસમાં રોકાણ થવાનું છે તેમાં હઝિરા ખાતેની હયાત કેપ્ટીવ જેટીના એક્સપાન્શન અને મોર્ડનાઇઝેશન માટે રૂ. ૪ર૦૦ કરોડ, હાલના 8.6 MMTPAના સ્ટીલ મેન્યૂફેકચરીંગ પ્લાન્ટની ક્ષમતા વધારીને 18 MMTPA કરવા માટેના રૂ. ૪પ હજાર કરોડ, સુરતના સુવાલી ખાતે ગ્રીન સ્ટીલ પ્લાન્ટને કેપ્ટીવ પોર્ટ કેપેસીટી સાથેના એક્સપાન્શન માટે રૂ. ૩૦ હજાર કરોડ તથા કીડીઆબેટ  સુરતમાં સ્ટીલ સિટી અને ઇન્ડસ્ટ્રીયલ કલસ્ટર માટે રૂ. ૩૦ હજાર કરોડના રોકાણોનો સમાવેશ થાય છે.


એટલું જ નહિ, રાજ્યમાં વિવિધ સ્થળોએ કુલ ૧૦ ગીગાવોટ રિન્યુએબલ પાવર જનરેશન પ્લાન્ટ અંદાજે રૂ. ૪૦ હજાર કરોડના રોકાણ સાથે આર્સેલર મિતલ નિપોન સ્ટીલ દ્વારા ઉભા કરાશે. જેમાં હાઇબ્રીડ, સોલાર અને વિન્ડ એનર્જી ત્રણેયનો સમાવેશ થવાનો છે. આ પ્લાન્ટસ પૈકી પ્રથમ તબક્કામાં ભાવનગર જિલ્લાના કાનાતળાવ ખાતે રર૦૦ મેગાવોટના પ્લાન્ટ માટે પણ આ  MoU થયા છે.


સુરતના હઝિરામાં અન્ય એક ડાઉન સ્ટ્રીમ, કોક ઓવન પ્રોજેક્ટસમાં પણ રૂ. ૧૭ હજાર કરોડનું રોકાણ આર્સેલર મિતલ નિપોન  સ્ટીલ ઇન્ડીયા દ્વારા થવાનું છે.  આ બધાજ પ્લાન્ટમાં કુલ મળીને અંદાજે ૧ લાખ ૮૦ હજારથી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગાર અવસર પણ પ્રાપ્ત થશે.


ગુજરાત સરકાર આ પ્રોજેક્ટસ સમયસર શરૂ થાય તે માટે લેવાની થતી નિયમાનુસારની જરૂરી પરવાનગીઓ અને અન્ય જરૂરી બાબતો માટે વર્તમાન પોલિસીઝ અને નિયમોને આધિન રહીને આર્સેલર મિતલને સહયોગ કરશે. મુખ્યમંત્રીની ઉપસ્થિતીમાં યોજાયેલા આ MoU સાઇનીંગ અવસરે મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તા તથા આર્સેલર મિતલના વરિષ્ઠ પ્રતિનિધિઓ પણ જોડાયા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube