લોકશાહી શું હોય એ આ બાળકોને પૂછો, શાળાએ એસેમ્બલી ચૂંટણીને રાજકીય ચૂંટણીની જેમ યોજી

Republic Day 2023 : આજે પ્રજાસત્તાક દિવસ પર મોડાસાની એ શાળાની વાત કરીએ, જે બાળકોને શાળામાં જ સ્કૂલ એસેમ્બલી ચૂંટણીમાં લોકશાહીના પાઠ શીખવે છે
Democracy સમીર બલોચ/અરવલ્લી : અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલી બીકનઈ શાળામાં સ્કૂલ એસેમ્બલીની ચૂંટણી દ્વારા લોકશાહી પર્વની ઉજવણી કરાઈ હતી. શાળાના સંચાલકો અને શિક્ષકો દ્વારા આ અભિગમ દ્વારા અનોખી પહેલ કરી બાળકો લોકશાહીની ચૂંટણી અને કાર્યપ્રણાલી અંગે વાકેફ થાય તે માટે નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો .
સામાન્ય રીતે 18 વર્ષથી ઓછી ઉંમરના કિશોર આવતીકાલનું ભવિષ્ય માનવામાં આવે છે. આ યુવાનો આગામી સમયના મતદારો છે અને લોકશાહીના આધાર સ્તંભ પણ માનવામાં આવે છે. સરકાર દ્વારા પણ આવા યુવાનો જ્યારે મતદાર બની પ્રથમ વાર મતદાતા બને છે, ત્યારે મતદાન જાગૃતિ અંગે કાર્યક્રમો કરવામાં આવે છે, ત્યારે મોડાસા ખાતે આવેલી એક ખાનગી સ્કૂલ બીકનઈ દ્વારા સ્કૂલ એસેમ્બલીની ચૂંટણી યોજી લોકશાહીની ચૂંટણીની કાર્યપ્રાણલી દ્વારા આજના યુવાઓ અને ભવિષ્યના મતદાતાઓમાં જાગૃતિ લાવવા માટેનો નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો.
લોકશાહીનાં પર્વ અને લોકશાહીનાં ધબકારની ઉજવણી બી- કનઈ શાળાને સંગ અંતર્ગત વિદ્યાર્થી જીવનમાં રાજકીય અને સામાજિક સમજને વિકસિત કરવા હેતુ ભારતનાં લોકશાહી પર્વની ‘યુથ ઈલેક્શન’ના રૂપે શાળામાં અભ્યાસ કરતા ધોરણ 6 થી 9ના વિદ્યાર્થીઓની 10થી વધુ જુદી જુદી વિદ્યાર્થી પાર્ટીનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેમાં પાર્ટીનાં લીડર અને તેમનાં પેનલનાં ઉમેદવાર બનાવી તેમના દ્વારા બેનર તેમજ ડિજિટલ બેનર, ડોર ટુ ડોર પ્રચાર પ્રસાર કરીને પોતાની પાર્ટીને સમર્થન આપવા માટે શાળાના વિદ્યાર્થીઓને વિનંતી કરાઈ હતી. જ્યારે ધોરણ 6 થી 9ના વિદ્યાર્થીઓને વોટર સ્લીપનું વિતરણ કરીને પવિત્ર મત અને લોકશાહીનાં પર્વની વિશેષતા વિશે વિશિષ્ઠ સમજૂતી અપાઈ હતી.
શાળા સંચાલક બિપીનભાઈ શાહે જણાવ્યું કે, વિદ્યાર્થીઓને ઈલેક્શનની સમજ માટે બેલેટ પેપર્સ, ડેમો ઈ.વી.એમ. મશીન (ટેબ્લેટ અને મોબાઈલ એપ્લીકેશન ધ્વારા) તદુપરાંત લોકશાહીના પર્વના અભિભૂત અંગ એવા મત કુટીરનું પણ નિર્માણ કરી વિધાર્થીઓ દ્વારા પોતાના ઉમેદવારને મતદાન કરાવવામાં આવ્યું હતું. ત્યારે આજનો યુવાન અને આવતીકાલનો મતદાર ભારતના બંધારણની લોકશાહી અને ચૂંટણી અંગે કાર્ય પ્રણાલીથી વાકેફ થાય તે માટે સ્કૂલ દ્વારા સરાહનીય નવતર પ્રયોગ કરવામાં અવ્યો હતો.