નવનીત દલવાડી/ભાવનગર :ભાવનગર ખાતે યોજાયેલ પ્રેસમાં આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે યુનિફોર્મ સિવિલ કોડ સંદર્ભે ભાજપ પર શાબ્દિક હુમલો બોલાવ્યો હતો. તેમણે કહ્યું કે, ભાજપની નિયત ખરાબ છે જો સિવિલ કોડનો નિયમ લાગુ પાડવો હોય તો આખા દેશમાં પાડવો જોઈએ. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે એટલે ભાજપ ડરી ગયું છે માટે યુનિફોર્મ સિવિલ કોડનો મુદ્દો આગળ કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રવિવારે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં યુનિફોર્મ સિવિલ કોડને લઈને અરવિંદ કેજરીવાલે ટિપ્પણી કરી હતી. તેમણ કહ્યું કે, ભાજપની નિયતિ સારી નથી. યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવો સરકારની જવાબદારી છે. ચૂંટણી પહેલા સિવિલ કોડ પર કમિટિ કેમ બનાવી. આવુ ઉત્તરાખંડમાં થયુ હતું. ત્યાં હજુ સુધી યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરાયો નથી. યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવો હોય તો આખા દેશમાં કરો, જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, તેમ ભાજપ ડરી ગયુ છે અને આ મુદ્દો સામે લાવ્યું છે. 


કેજરીવાલે કહ્યું કે, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યોમાં જ્યાં ભાજપની સરકાર છે, ત્યાં યુનિફોર્મ સિવિલ કોડને લઈને કમિટિ કેમ બનાવાતી નથી. યુનિફોર્મ સિવિલ કોડ તો આખા દેશમાં લાગુ કરવો જોઈએ. બીજેપી શું વર્ષ 2024 ના લોકસભા ચૂંટણીની રાહ જોઈ રહી છે. 


ભાવનગરની સભામાં અરવિંદ કેજરીવાલે અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાને આપનો ખેસ પહેરાવીને પાર્ટીમાં સ્વાગત કરાવ્યુ હતું. તેમણે કહ્યું કે, સૌથી પહેલા અલ્પેશભાઈ અને ધાર્મિકભાઈનો પાર્ટીમાં સ્વાગત કરું છું. ભાવનગરના કોળી સમાજના રાજુ સોલંકી પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા. ગારીયાધાર નગરપાલિકાના 10 સભ્યો પણ આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આ સાથે જ કેજરીવાલે ગુજરાતની જનતાને વચનોની લ્હાણી કરી હતી. તેમણે સભામાં વિવિધ જાહેરાતો કરી કે, ગુજરાત સરકારનો એક એક રૂપિયો તમારા પરિવાર અને તમારા બાળકો પર ઉપયોગ કરવામાં આવશે. 5 ડિસેમ્બર પછી ગુજરાતમાં પણ ભ્રષ્ટાચાર મુક્ત કામ થશે. થોડા મહિનાઓથી અમે ગુજરાત આવીએ છીએ. અમને ગુજરાતના લોકોએ ખૂબ જ પ્રેમ આપ્યો છે. ઘણા લોકો મને પોતાનો ભાઈ સમજે છે. હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમારો ભાઈ આવી ગયો છે. સરકાર બનતા જ 1 માર્ચથી તમારા ઘરનું વીજળીનું બિલ ઝીરો આવશે. કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ઇલું ઇલુના સબંધ છે. આઈ લવ યુ, આઈ લવ યુ...ના બંન વચ્ચે સંબંધો છે. બંને રાત્રે 12-12 વાગ્યે મિટિંગો કરી રહ્યા છે. મને જોઈને કાલે અમુક લોકોએ કાળા ઝંડા બતાવ્યા અને મોદી-મોદીના નારા લગાવ્યા. મેં કહ્યું, જેના નારા લગાવો કોઈ વાંધો નહિ. પણ તમારા સંતાનો માટે હું જ સ્કૂલો બનાવીશ.



તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારે ખુફિયા એજન્સી આઈ.બી ગુજરાતમાં મોકલી છે. 20 થી 25 દિવસ ગુજરાતમાં ફરી કેન્દ્ર સરકારને રિપોર્ટ આપ્યો છે કે, ડિસેમ્બરમાં આમ આદમી પાર્ટીની સરકાર બને છે. 90 થી 92 સીટ આવે છે તેવો રિપોર્ટ આપ્યો છે. પણ આપણે 150 કરતા વધુ સીટ જોઈએ છે જેથી આ સરકાર તોડી ન શકે. દિલ્હી અને પંજાબનો રેકોર્ડ તોડી 150 કરતા વધુ સીટો આપો. સરકાર બનતા જ ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત બનાવવું છે. પંજાબના આરોગ્ય મંત્રીએ ગડબડ કરી તો ભગવંત માને કડક કાર્યવાહી કરી અને જેલમાં મોકલ્યા. કટ્ટર ઈમાનદાર પાર્ટી છે આમ આદમી પાર્ટી.