ઉત્તર ગુજરાતની 28 જેટલી નગરપાલિકાઓ દેવાળું ફૂંકવાના આરે, કરોડો રૂપિયાનું વીજ બિલ બાકી
રાજ્યની એક બાદ એક નગરપાલિકાઓ દેવાળું ફૂંકી રહી છે...પાલિકાઓની તિજોરીઓ તળિયાઝાટક થઈ રહી છે. જેની પાછળનું કારણ છે સત્તાધીશોનો અણઘડ વહીવટ.
બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયાઃ ઉત્તર ગુજરાતની 28 જેટલી નગરપાલિકાઓ દેવાળું ફૂંકવાના આરે છે. આ નગર પાલિકાઓનાં વીજ, પાણી, સ્ટ્રીટ લાઈના વીજબિલ બાકી છે..જેમાંથી 23 નગરપાલિકાનું 58 કરોડ 44 લાખ રૂપિયાનું વીજ બિલ બાકી છે. જે રીતે દેવાળું ફૂંકતી નગરપાલિકાઓ સામે કાર્યવાહી થઈ રહી છે, તેને જોતાં આ પાલિકાઓની બેદરકારીનું પરિણામ પણ સામાન્ય જનતાએ ભોગવવું પડે તેમ છે.
રાજ્યની એક બાદ એક નગરપાલિકાઓ દેવાળું ફૂંકી રહી છે...પાલિકાઓની તિજોરીઓ તળિયાઝાટક થઈ રહી છે. જેની પાછળનું કારણ છે સત્તાધીશોનો અણઘડ વહીવટ.
નગર પાલિકાઓની આર્થિક સ્થિતિ એટલી કથળી ગઈ છે કે પાલિકાઓ વીજબિલની ચૂકવણી કરવાની સ્થિતિમાં પણ નથી. આંતરે દિવસે કોઈને કોઈ પાલિકાનું વીજ કનેક્શન કપાઈ જાય છે. અને શહેરોમાં અંધારપટ છવાઈ જાય છે કે પછી લોકોને પાણી નથી મળી શકતું.
ઉત્તર ગુજરાતની આર્થિક રીતે નબળી નગરપાલિકાઓનો આંકડો તો ચોંકાવનારો છે. ફક્ત ઉત્તર ગુજરાતની જ 23 નગરપાલિકાએ વિજ બિલની ચૂકવણી નથી કરી. UGVCLનું માનીએ તો 31 જાન્યુઆરી 2023 સુધી આ 23 પાલિકાઓએ 58 કરોડ 44 લાખ રૂપિયાનું વિજ બિલ ભરવાનું બાકી છે.
આ પણ વાંચોઃ એક દિવસ હું વિમાન ઉડાવીશ મમ્મી, કાચા મકાનમાં રહેતી ઉર્વશી દુબે બની પાયલટ
પાણીનાં બોર અને સ્ટ્રીટ લાઈટોનાં વિજ બિલ ભરવાનાં બાકી છે તેવી નગર પાલિકાઓમાં વિરમગામ નગરપાલિકાનું સૌથી વધુ 14 કરોડ રૂપિયાનું વીજ બિલ બાકી છે. કલોલ પાલિકાનું 7 કરોડ રૂપિયાનું, ડીસા પાલિકાનું 4 કરોડ 67 લાખ રૂપિયાનું, સિદ્ધપુર પાલિકાનું 3 કરોડ 83 લાખ રૂપિયાનું, હારિજ પાલિકાનું 3 કરોડ 11 લાખ રૂપિયાનું, ધાનેરા પાલિકાનું 2 કરોડ 51 લાખ રૂપિયાનું, રાધનપુર પાલિકાનું 2 કરોડ 88 લાખ રૂપિયાનું, પાટણ નગરપાલિકાનું 2 કરોડ 2 લાખ રૂપિયાનું, ચાણસ્મા પાલિકાનું એક કરોડ 70 લાખ રૂપિયાનું અને પાલનપુર પાલિકાએ એક કરોડ 66 લાખ રૂપિયાનું વિજ બિલ ચૂકવવાનું બાકી છે.
વિજ બિલ નહીં ભરનાર કેટલીક પાલિકાનાં વિજ કનેક્શન પણ કાપવામાં આવ્યા હતા. જેમાંથી કેટલીક પાલિકાએ વિજ બિલ ભરી દેતાં વિજ કનેક્શન પૂર્વવત્ પણ કરાયું હતું. જો કે પાલિકાઓ સંપૂર્ણ બિલ ન ભરે તો આગામી દિવસોમાં તેમનાં વિજ કનેક્શન કાપવાની કાર્યવાહી થઈ શકે છે.
UGVCL એવી આશા બાંધીને બેઠું છે કે માર્ચ સુધી પાલિકાઓ પોતાનાં વિજબિલની ચૂકવણી કરી દેશે. જો આમ ન થાય તો અણઘડ વહીવટ કરતા સત્તાધિશોનાં પાપે પ્રજા અંધકારમાં જીવવા ધકેલાઈ શકે છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં ધોરણ 5થી 8માં હવે નહીં મળે માસ પ્રમોશન, સરકારે બદલ્યા નિયમો
છેલ્લા બે મહિનામાં રાજ્યની જે 17 નગરપાલિકાઓનાં વીજ કનેક્શન કપાયા છે, તેમાં મધ્ય ગુજરાતની સૌથી વધુ નવ તેમજ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની 4-4 નગરપાલિકાઓનો સમાવેશ થાય છે. નગરપાલિકાનાં સત્તાધીશો કેમ વિજ બિલ ભરવામાં બેદરકાર રહે છે, તેનું કારણ મુખ્યમંત્રીએ તાજેતરમાં જ આપ્યું હતું. તેમણે પાલિકાઓને જાતે સમયસર વિજબિલ ભરવાની તાકીદ પણ કરી હતી.
નગરપાલિકાનાં સત્તાધીશોએ પોતાનાં વહીવટને સુધારવો પડશે. કરવેરાની વસૂલાત નિયમિત કરવી પડશે. આ માટે સતત સક્રિય રહેવું પડશે, કેમ કે તેમની અનિયમિતતાની સજા એ લોકોએ પણ ભોગવવી પડે છે. તેઓ નિયમિત રીતે કરવેરા ભરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube