બુરહાન પઠાણ/આણંદ: વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યના બે વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરી દેવાયો છે. આણંદ જિલ્લાના બોરસદ અને પેટલાદમાં અશાંત ધારો લાગુ કરાયો છે. કારણ કે બોરસદ અને પેટલાદ આ બંને વિસ્તારોની ગણતરી અતિ સંવેદનશીલ વિસ્તારોમાં થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આણંદ જિલ્લાના બોરસદ-પેટલાદમાં અશાંત ધારો લાગુ કરાતા હવેથી મિલકતની તબદીલી પૂર્વ મંજૂરી સિવાય નહીં થાય. બોરસદનાં ગાંધી પોળ, ચોકસી પોળ, રોહિત વાસ, વણકર વાસ, ફતેપુરા, સાકરીયા ટેકરા, ગુંદી વાળું ફળિયું, સંઘ સામેનો વિસ્તાર, જેતિયા વડ, વાવડી મહોલ્લા, લાયબ્રેરી પાછળ, જૂની કોર્ટ ફુવારા ચોક, વહેરાઈ માતા ફલીયુ સહિતના મોટા ભાગના વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરાયો છે.


જ્યારે પેટલાદ શહેરમાં અશાંત ધારો લાગુ કરાયો છે, જેમાં કાલકા ગેટ, શેરપુરા, ભોઈવાળા, કાજીપુરા, રણછોડજી મંદિર વિસ્તારને અશાંત ધારા લાગુ કરાયો છે. બહુમતી વિસ્તારોમાં વિધર્મીઓ દ્વારા મિલ્કતો ખરીદાઈ હતી. જેના કારણે હિન્દૂ સંગઠનો દ્વારા અશાંતધારો લાગુ કરવાની માંગ કરવામાં આવી હતી.


તમને જણાવી દઇએ કે, હિન્દુ સંગઠનોએ બોરસદ અને પેટલાદમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ કરી હતી. ત્યારે આ બંને વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવાની માંગણીને રાજ્યપાલે અંતિમ મહોર મારી દીધી છે. 


અશાંત ધારો એટલે શું?
હવે તમારા મનમાં એક સવાલ ઉભો થશે કે અશાંત ધારો એટલે શું? તો આજે અમે તમને જણાવી દઈએ કે જ્યારે તમારે મકાન સહિત કોઈ મિલકત વેચવી હોય તો તેની પર એક ચોક્કસ અંકુશ લાગે છે. તમાર મિલકત વેચવા માટે પણ કલેક્ટરને જાણ કરવી પડે છે. કલેક્ટરને મિલકત વેચવાનું કારણ જણાવવું પડે છે. એટલું જ નહીં, મિલકત કોને વેચી રહ્યાં છો તેની વિગત પણ આપવી પડે છે. કલેક્ટર ખરીદનાર-વેચનારની સુનાવણી હાથ ધરે છે. ત્યારબાદ કલેક્ટરને બધું બરાબર લાગે તો આગળ તમારી મિલકતનો સોદો કરી શકાય છે.