2017માં અમે જીતથી ચૂકી ગયા હતા, આ વખતે ઉમેદવારની પસંદગીમાં ભૂલ નહી થાય : ગેહલોત
Gujarat Elections : અશોક ગેહલોતે મધ્ય ગુજરાતમાં કર્યો પ્રચાર... વડોદરાના સાવલીમાં ગેહલોતની જનસભા સંબોધી... ગેહલોતે કહ્યું, ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે
ગૌરવ પટેલ/અમદાવાદ :રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાત કોંગ્રેસના સીનિયર ઓબ્ઝર્વર અશોક ગેહલોત મધ્ય ગુજરાતમાં પ્રચાર કરી રહ્યા છે. અશોક ગેહલોતે આંકલાવમાં પરિવર્તન સંકલ્પ સંમેલનમાં હાજરી આપી અને સાથે જ વડોદરાના સાવલીમાં જનસભાને સંબોધન પણ કર્યું. આ સાથે અશોક ગેહલોતે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો અને કહ્યું કે, 2017 માં અમે જીતની નજીક પહોંચી ગયા હતા, આ વખતે કોંગ્રેસ ઉમેદવારોની પસંદગીમાં કોઈ ભૂલ નહીં કરે.
અશોક ગેહલોતે ખાસ વાતચીતમાં જણાવ્યું કે, અમારી રણનીતિ સારી ચાલી રહી છે. અમે ગામે ગામ ફરી રહ્યા છીએ. અમારી 5 યાત્રાઓ સફળ રહી છે. અમારા કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે. એન્ટી ઈન્કમબન્સી ભયંકર ચાલી રહી છે. ગુજરાતમાં કોંગ્રેસ સરળતાથી જીતી જશે. 2017 માં પણ અમે જીતની નજીક પહોંચી ગયા હતા. ગયા વખતે અમે જીતવાથી ચુકી ગયા હતા. છેલ્લે અમને કેટલીક બેઠકો ના મળી. ભાજપ ગઈ વખતે 99 પર અટકી હતી. તે વખતે ભાજપ સફળ ન થઈ તો આ વખતે કઈ રીતે સફળ થશે.
તેમણે ભાજપ પર પોતાના નેતા ખરીદવાનો આરોપ મૂકતા કહ્યું કે, આ વખતે કોંગ્રેસ ઉમેદવારોની પસંદગીમાં કોઈ ભુલ નહીં કરે. જ્યાં જ્યાં ભાજપ છે ત્યાં સોદા થઈ રહ્યા છે. આમ આદમી પાર્ટીને શુ ઓફર કરાઈ છે. ગુજરાતમાં અમારા ધારાસભ્યને તોડાય છે. હોર્સ ટ્રેડિંગનું નવુ મોડલ બન્યુ છે તે તોડવુ છે. ભાજપ સોદો કરે છે. 30-30 કરોડમાં હોર્સ ટ્રેડિંગ થઈ રહી છે.
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે જીતની આશા વ્યક્ત કરતા કહ્યું કે, ગુજરાતમાં આ વખતે કોંગ્રેસ ચુટંણી જીતી રહી છે. 27 વર્ષમાં ભાજપાની સરકારે માર્કેટીંગ કર્યા સિવાય કંઇ કર્યું નથી. ધીરે ધીરે તેમની પોલ ખુલી રહી છે, કોરોનાની મહામારીમાં પોલ ખુલી છે. અહીં ગુડ ગવર્નન્સનો અભાવ જોવા મળ્યો. લઠ્ઠાકાંડમાં અનેક લોકો મરી ગયા તપાસ થતી નથી. મોરબીની ઘટનામાં લોકો મર્યા તો કમિશન કેમ નથી બેસાડવામાં આવતું. આ સરકારને કોઇની પરવાહ નથી, અમે કમિશન નિમવાની માંગ કરી છે. હાઇકોર્ટ સુઓમોટો લેવાની ફરજ પડી. ગુજરાત જેવી એન્ટીઇન્કમબન્સી ક્યાંય જોઇ નથી. ભાજપે મુખ્યમંત્રી સાથે આખી સરકાર બદલવી પડી એ શુ દર્શાવે છે.
ઇડબલ્યુએસ અનામત પર સુપ્રીમ કોર્ટના યુકાદા અંગે અશોક ગહેલોતે કહ્યું કે, અમે સુપ્રીમ કોર્ટના ચુકાદાને આવકારીએ છીએ. 20 વર્ષ પહેલાં કોંગ્રેસની સરકારે રાજસ્થાન ઇડબલ્યુ અનામત આપતો પ્રસ્તાવ પસાર કર્યો હતો. અમે ૧૪ અનામતની માંગ સાથે તત્કાલીન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાઇને પ્રસ્તાવ મોકલ્યો હતો. કેન્દ્રની યુપીએ સરકારે ઇડબલ્યુએસને અનામત આપવા માટે કમિશનની રચના કરી હતી. જેનો રિપોર્ટ તૈયર થયેલો હોવા છતાં મોદી સરકારે પાંચ વર્ષ કાર્યવાહી ન કરી. અમારી સરકારનો જે નિર્ણય હતો તેને એ સરકાર આગળ વધારી રહી છે તે સારી વાત છે.
આમ આદમી પાર્ટીની ગુજરાતમાં સક્રિયતા અંગે અશોક ગહેલોતે જણાવ્યું કે, આપના નેતાઓ જુઠુ બોલી રહ્યા છે અને જુઠ્ઠા વચનો આપી રહ્યા છે. આપના નેતાઓ માને છે કે જનતાને ખબર નથી પડતી પણ જનતા બધુ જાણે છે. દિલ્હી અને પંજાબનુ મોડલ સંપુર્ણ ફેલ થયું છે. કેન્દ્રશાસિત પ્રદેશના મોડેલને રાજ્યમાં દેખાડવાનો પ્રયાસ થઇ રહ્યો છે. આપ અમારી સરકારે કરેલા નિર્ણયને કોપી કરી રહી છે. રાજસ્થાનની તમામ યોજનાઓને આપ ગુજરાતમાં વચન આપે છે. રાજસ્થાનમાં અમે તમામ યોજનાઓ લાગુ કરી દીધી છે.