હીતલ પારેખ/ ગાંધીનગરઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની સાથે-સાથે વિધાનસભાની ખાલી પડેલી ચાર બેઠકો- ઊંઝા, ધ્રાંગધ્રા, જામનગર ગ્રામ્ય અને માણાવદરની પેટા ચૂંટણી પણ યોજાવાની છે, જેના માટે 8 એપ્રિલના રોજ ઉમેદવારી પત્ર ફોર્મ પાછા ખેંચાવાની અંતિમ તારીખ બાદ હવે ચારેય બેઠક પર કુલ મળીને 45 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઊંઝા બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય આશાબેન પટેલ રાજીનામું આપીને ભાજપમાં જોડાતાં આ બેઠક ખાલી પડી હતી. ઊંઝા બેઠક પર ભાજપે આશાબેન પટેલને જ ટિકિટ આપી છે. તેમની સામે કોંગ્રેસના કાંતિભાઈ પટેલ ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક પર કુલ 11 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. ઊંઝા બેઠક પર પાટીદારોનું પ્રભુત્વ રહ્યું છે. આશાબેન પટેલ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પર ચૂંટાયા હતા. 


ધ્રાંગધ્રા બેઠક પર પરસોત્તમ સાબરિયા કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા. ભાજપ દ્વારા વિધાનસભા માટે પરસોત્તમ સાબરિયાને જ ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા તેમની સામે દિનેશ પટેલને ઊભા રાખવામાં આવ્યા છે. આ બેઠક પર કુલ 11 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં રહ્યા છે. ધ્રાંગધ્રામાં પણ જ્ઞાતિગત સમીકરણો મહત્વનો ભાગ ભજવશે. 


લોકસભા ચૂંટણી 2019: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ સામે 16 ઉમેદવાર મેદાનમાં


માણાવદર બેઠક પર કોંગ્રેસમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય જવાહર ચાવડા રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. હવે, પેટા ચૂંટણીની જાહેરાત થતાં ભાજપે જવાહર ચાવડાને જ માણાવદર બેઠકની ટિકિટ આપવામાં આવી છે. તેમની સામે અરવિંદ લાડાણી ચૂંટણી લડી રહ્યા છે. માણાવદર બેઠક પર કુલ 8 ઉમેદવાર ચૂંટણી લડશે. 


જામનગર ગ્રામ્ય બેઠક પર કોંગ્રેસની ટિકિટ પર 2017ની વિધાનસભા ચૂંટણીમાં ચૂટાયેલા રાઘવજી પટેલ રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા. હવે, પેટા ચૂંટણીમાં ભાજપે રાઘવજીને જ ઉમેદવાર બનાવાયા છે. તેમની સામે કોંગ્રેસ દ્વારા પાટીદાર નેતા જયંતી સભાયાને ટિકિટ આપવામાં આવી છે. જામનગર ગ્રામ્ય બેઠક પર કુલ 15 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે. જામનગર ગ્રામ્યની બેઠક પર પણ પાટીદારોનું પ્રભુત્વ છે. બંને મુખ્ય પક્ષ દ્વારા પટેલ ઉમેદવારને ટિકિટ આપવામાં આવતા અહીં કાંટાની ટક્કર જામશે. 


લોકસભા ચૂંટણીના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક....