નવી દિલ્હી: પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું 16મી ઓગસ્ટ ગુરુવારના રોજ સાંજે 5.05 વાગે એમ્સ ખાતે લાંબી બીમારી બાદ નિધન થયું. તેમના અંતિમ સંસ્કાર આજે નવી દિલ્હી ખાતે સ્મૃતિ સ્થળમાં કરવામાં આવશે. અટલજી એક લોકપ્રિય નેતા હતાં અને તેમના નિધનથી દેશમાં શોકની લહેર વ્યાપી ગઈ છે. એક લોકપ્રિય નેતા હોવાની સાથે સાથે અટલજીની દેશભક્તિ અને દેશ પ્રત્યેની નિષ્ઠા પણ કાબીલ એ તારીફ હતાં. અટલજીએ પોતાનુ જીવન રાષ્ટ્રપ્રેમ અને દેશવાસીઓ માટે જાણે સમર્પિત કર્યું. દેશ પ્રત્યેનો તેમનો પ્રેમ અને જુસ્સો જબરદસ્ત હતાં. એટલા દેશભક્ત હતાં કે મૃત્યુ સમયે પણ દેશના સન્માન અને ગૌરવ સમા રાષ્ટ્રધ્વજનું સન્માન જાળવતા ગયા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અટલજીનું નિધન થયું તેના આગલા દેવસે જ દેશે તેનો 72મો સ્વતંત્રતા દિવસ ઉજવ્યો. સમગ્ર દેશમાં દેશવાસીઓએ તિરંગાને ફરકાવી અને લહેરાવીને સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી. સંયોગ જુઓ, અટલજીનું નિધન થયું 16મી ઓગસ્ટના રોજ. અટલજીના નિધન સમયે હાલ દેશમાં સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે. રાષ્ટ્રીય શોક સમયે દેશ અને વિદેશના દૂતાવાસોમાં રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવે છે. હવે જો તેમનું નિધન એક દિવસ વહેલુ એટલે કે સ્વતંત્રતા દિવસ પર થયું હોત તો સ્વતંત્રતા દિવસના અવસરે જ રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકાવવો પડત. 


પણ આ તો અટલજી હતા...એક એવા દેશભક્ત કે જેમણે દુનિયા છોડતી વખતે પણ દેશના ગૌરવને અને સન્માનને ઝૂકવા દીધુ નહીં. સ્વતંત્રતા દિવસના બીજા દિવસે એટલે કે 16મી ઓગસ્ટે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ સાંજે 5.05 વાગે અંતિમ શ્વાસ લીધા. અટલજી એક એવું વ્યક્તિત્વ હતાં કે પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓ તો ઠીક પરંતુ વિપક્ષ અને વિરોધી પક્ષના નેતાઓ પણ તેમના કાયલ હતાં. તેમના નિધન પર દેશ અને વિદેશના નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે. કોંગ્રેસના યુવા નેતા માધવરાવ સિંધિંયા તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે ઘૂંટણિયે પડીને નતમસ્તક થયા હતાં. 


આખા દેશે છોડ્યો સાથે ત્યારે ગુજરાતે આપ્યો સાથ, ગુજરાત પર હતું ખુબ વ્હાલ
ભાજપનો એક સમય એવો પણ હતો જ્યારે ભાજપની લોકસભા ચૂંટણી સમયે એટલી ખરાબ હાલત હતી કે તેની માત્ર બે સીટો જ આવી હતી. અટલ બિહારી વાજપેયીનાં નેતૃત્વમાં લડાયેલ આ ચૂંટણીમાં ભાજપ માત્ર બે સીટો જ જીતી શક્યું હતું. સમય હતો 1984નો જ્યારે ઇંદિરા ગાંધીની હત્યા થઇ ગઇ હતી. જેના કારણે કોંગ્રેસનું પલડું ભારે હતું. ઇંદિરા ગાંધીની હત્યાના કારણે રાજીવ ગાંધી અને કોંગ્રેસ પ્રત્યે લોકોની સહાનુભુતી વધી ગઇ હતી. સમગ્ર દેશમાં કોંગ્રેસનું પ્રચંડ મોજુ ફરી વળ્યું હતું. ત્યારે ભાજપને પોતાનું અસ્તિત્વ ટકાવવું પણ મુશ્કેલ થઇ ગયું હતું. 


જો કે આવા કપરા સમયમાં પણ ભાજપનો સાથ નિભાવ્યો હતો આપણા ગુજરાતનાં મહેસાણાએ. ઇંદિરા ગાંધીની સહાનુભૂતિ અને રાજીવ ગાંધીની જાદુઇ ભાષણની અસર મહેસાણા પર થઇ નહોતી. ભાજપના એમપી બે સ્થળે જીત્યા હતા. એક મહેસાણામાં ડોક્ટર એ.કે પટેલ અને બીજા હતા ચંદુપાટલા જંગા રેડ્ડી, હનામકોડા આંધ્રપ્રદેશમાં. અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી સહિતનાં દિગ્ગજ નેતાઓ પણ હારી ગયા હતાં ત્યારે ભાજપની અને વાજપેયીની આબરૂ ગુજરાતે સાચવી હતી. 


આજે તેમના નિધન પર ગુજરાત પણ ચોધાર આંસુએ જાણે રડી રહ્યું હોય તેવું લાગે છે. ગુજરાતમાં ચારેકોર વરસાદ પડી રહ્યો છે. ગુજરાતનું આકાશ પણ જાણે રડી રડીને તેના પ્રિય નેતા અટલજીને યાદ કરી રહ્યું છે.