મહેસાણામાં એટીએમ તોડી 39 લાખની લૂંટ, તો જામનગરમાં સાયરન વાગતાં તસ્કરો ભાગ્યા
રાજ્યમાં અવારનવાર એટીએમ લૂંટની ઘટનાના કિસ્સાઓનું પ્રમાણ વધી રહ્યું છે. એટીએમમાં સીસીટીવી કેમેરા હોવા છતાં પણ તસ્કરો ક્યારેક સફળતાપૂર્વક ઘટનાને અંજામ આપતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના મહેસાણાના નાગલપુર વિસ્તાર અને જ્યારે બીજી એક ઘટના જામનનગરના નાઘેડી ગામમાં બની હતી.
તેજસ દવે, મહેસાણા, મુસ્તાક દલ, જામનગર: રાજ્યમાં અવારનવાર એટીએમ લૂંટની ઘટનાના કિસ્સાઓનું પ્રમાણ વધી રહ્યું છે. એટીએમમાં સીસીટીવી કેમેરા હોવા છતાં પણ તસ્કરો ક્યારેક સફળતાપૂર્વક ઘટનાને અંજામ આપતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના મહેસાણાના નાગલપુર વિસ્તાર અને જ્યારે બીજી એક ઘટના જામનનગરના નાઘેડી ગામમાં બની હતી. જોકે તસ્કરોએ મહેસાણામાં બે એટીએમ તોડીને 39 લાખની લૂંટ ચલાવી હતી. પરંતુ જામનગરના નાઘેડી ગામે બેન્કમાં ઘૂસેલા ચોરોને નિષ્ફળતા હાથ લાગી હતી.
મહેસાણા શહેરના નાગલપુર વિસ્તારના વાળીનાથ ચોકમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયાના બે એટીએમ ગેસ કટરથી કાપીને અંદાજે રૂપિયા 39 લાખની લૂંટ થતાં દોડધામ મચી ગઈ છે. આ ઘટનામાં તસ્કરોએ સીસીટીવી કેમેરા પર કાળા કલરનો સ્પ્રે છાંટીને લૂંટ ચલાવી હતી. જેથી લૂંટની ઘટના કેમેરામાં કેદ ન થાય. આ પ્રકારની હરકતથી રીઢા ગુનેગારો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર નાગલપુરના કૈલાસપતિ એપાર્ટમેન્ટ પાસે આવેલા સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયાના બે એટીએમ મુકવામાં આવ્યા છે. મંગળવારે સવારે એટીએમમાં નાણા ભરવા આવેલાં એજન્સીના માણસે શટર ઉંચુ કરીને જોતા એટીએમ કાપીને લૂંટ થઇ હોવાની જાણ થતાં બેન્કના અધિકારીઓને જાણ કરી હતી.
બેન્કના અધિકારીઓએ પોલીસને જાણ કરતાં પોલીસે ઘટના સ્થળની મુલાકાત કરીને કેટલી રકમની લૂંટ થઈ છે તે અંગે તપાસ હાથ ધરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે એક એટીએમ માંથી 12 લાખ તો બીજા એટીએમમાંથી 27 લાખ રૂપિયા ગાયબ થયા છે. અત્રે નોંધનીય છે કે એ.ટી.એમમાં સિકોરિટી ગાર્ડ ન હોવાથી ચોરોએ ઘટનાને અંજામ આપી શક્યા છે.
તો બીજી તરફ જામનગરના નાઘેડ ગામે તરસ્કરો બેન્કમાં ઘૂસી ગયા. જોકે સદનસીબે બેન્કનું સાયરન વાગી જતાં તાત્કાલિક ગ્રામજનો જાગી ગયા હતા અને તસ્કરો ત્યાં નાસી છૂટ્યા હતા. બેન્કમાંથી ચોરી થઇ છે કે નહી તે જાણવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube