MLA હીરા સોલંકીના જમાઈ અને અમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતન શિયાળ પર કુહાડીથી હુમલો, ચેઈન પણ લૂંટી લીધી
Rajula News: રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના જમાઈ અને અમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતન શિયાળ પર કુહાડીથી જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવતા ચકચાર મચી છે. આ મામલે જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનમાં 6 ઈસમો સામે જીવલેણ હુમલો અને ગળામાં પહેરેલા સોનાના ચેઈનની લૂંટની ફરિયાદ નોંધાઈ છે.
રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના જમાઈ અને અમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતન શિયાળ પર કુહાડીથી જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવતા ચકચાર મચી છે. આ મામલે જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનમાં 6 ઈસમો સામે જીવલેણ હુમલો અને ગળામાં પહેરેલા સોનાના ચેઈનની લૂંટની ફરિયાદ નોંધાઈ છે. જાફરાબાદ જેટીના રસ્તા પર વાહન આડું મૂકવા મુદ્દે બોલાચાલી થતાં મામલો ત્યારબાદ વકર્યો. સામા કાંઠે બોટ મુકવા બાબતે આ બબાલ થઈ હતી.
શું છે મામલો?
ચેતન શિયાળના પિતા ચંદ્રકાંત શિયાળ અને તેમના નાના ભાઈ સહિત કેટલાક લોકો જાફરાબાદ બંદરની ટી ટાઈપ જેટી પર માછીમારી બાદ માછલી ખાલી કરવા જઈ રહ્યા હતા ત્યારે આરોપીનું ટ્રેક્ટર ત્યાં રસ્તામાં પડ્યું હતું. પિતા ચંદ્રકાંત શિયાળે આરોપી યશવંત બારૈયાને ટ્રેક્ટર ખસેડીને સાઈડમાં રાખવાનું કહ્યું તો આરોપી અને તેની સાથેના કેટલાક લોકો ગુસ્સે થયા અને ગાળાગાળી પણ કરી હતી. ત્યારબાદ ચેતન શિયાળના નાના ભાઈ અને પિતાએ ચેતન શિયાળ કે જેઓ અમરેલી જિલ્લાના યુવા ભાજપ પ્રમુખ છે તેમને ફોન કરીને બોલાવ્યા. પહેલા તો આરોપીઓને સમજાવવાનો પ્રયત્ન કરાયો પરંતુ ત્યારબાદ મામલો ઉગ્ર બનતા આરોપીઓએ ચેતન શિયાળ પર કુહાડીથી જીવલેણ હુમલો કર્યો. આ ઘટનામાં ચેતન શિયાળને માથાના ભાગમાં ગંભીર ઈજા થતા સારવાર માટે ભાવનગર લઈ જવાયા. જ્યાં હાલ તેઓ સારવાર હેઠળ છે.
સોનાની ચેનની લૂંટ
ચેતન શિયાળ પર કુહાડીથી હુમલો કર્યો અને ત્યારબાદ તેમણે ગળામાં પહેરેલા 80,000ના ચેઇનને લૂંટી જીવલેણ હુમલો કરી માર માર્યો.
આ ઈસમો વિરુદ્ધ ફરિયાદ
આ ઘટનામાં આરોપી યશવંત બારૈયા, સિદ્ધાર્થ બારૈયા, સંજય બારૈયા, બોટનો દીઢીયો ટંડેલ, ટ્રેક્ટરનો ડ્રાયવર, અન્યમાં બોટના ખલાસી સહિત 6 લોકો સામે ગુન્હો નોંધાયો છે. ચેતન શિયાળના પિતા દ્વારા આ મામલે ફરિયાદ નોંધતા પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે. આ હુમલાનો એક વીડિયો પણ વાયરલ થયો છે. જેમાં ચેતન શિયાળના હાથમાં રિવોલ્વર જોવા મળી રહી છે.