સુરેન્દ્રનગર: કોલેજ વિદ્યાર્થી સાથે તાલિબાની કૃત્યની ઘટનામાં ચોંકાવનારો વળાંક
સુરેન્દ્રનગરની વિદ્યાર્થીનીનું અપહરણ થયા બાદ લૂંટના ઇરાદે કાન અને આંગળી કપાયા હોવાની કેફીયત આપી હતી
અમદાવાદ : ગઢડા તાલુકાનાં માંડવધર ગામની બીએડ કોલેજમાં અભ્યાસ કરતી વિલાસા નામની વિદ્યાર્થીનીને ખુબ જ ગંભીર રીતે ઘાયલ હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. વિદ્યાર્થીનીનો કાન અને અંગુઠો કપાયેલો હતો. પોલીસે નોંધેલા નિવેદનમાં યુવતીએ જણાવ્યું હતું કે, તે જ્યારે કોલેજથી પરત ફરી રહી હતી ત્યારે પાછળથી આવેલા કોઇ વાહન આવ્યું અને તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. તેની પાસે રહેલા નાણાની લૂંટ કરીને તેને માર મારીને ફેંકી દેવામાં આવી હતી.
વિદ્યાર્થીનીની કેફિયત બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. પોલીસે પણ તાબડતોબ તપાસ કરતા આ તાલિબાની કૃત્ય કરનાર વ્યક્તિને ઝડપવા માટે ચક્રોગતિમાન કર્યા હતા. જો કે પોલીસ તપાસ દરમિયાન ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. વિદ્યાર્થીની પોતાના પ્રેમીને મળવા માટે ખેતરોમાં ગઇ હતી. જ્યાં બંન્ને કુવા કાંઠે બેઠા હતા ત્યારે અચાનક તેનાં વાળ મશીનમાં આવી ગયા હતા. વાળ બચાવવા જતા કાન અને આંગળી પણ મશીનમાં આવી ગયા હતા. ત્યાર બાદ પ્રેમીને મળવા ગઇ હોવાની વાત બહાર ન આવે તે માટે વાત ઉપજાવી કાઢી હતી. જો કે આ ઘટના બાદ તેનો પ્રેમી ક્યાં ગયો શું થયું તે અંગે હજી સુધી કોઇ માહિતી મળી શકી નથી. હાલ પોલીસે યુવતીનાં પ્રેમીની પણ અટકાયત કરી લીધી હતી અને તેની પુછપરછ કરી રહી છે.
આ અંગે તેનાં વાલીને પુછવામાં આવતા તેમણે જણાવ્યું કે, નિત્યક્રમ અનુસાર તે કોલેજથી બપોરે પાછી ફરતી હોય છે. જો કે મોડી સાંજ સુધી પાછી નહી ફરતા તેમણે શોધખોળ આદરી હતી. દરમિયાન તેમને બોટાદ હોસ્પિટલમાંથી ફોન આવ્યો હતો અને પુત્રી હોસ્પિટલમાં દાખલ હોવાનું માલુમ થયું હતું. સાથે સાથે સમગ્ર ઘટના અંગે માહિતી મળી હતી. જો કે હાલ તો વિદ્યાર્થીનીની હાલત ગંભીર હોવાથી તેને વધારે સારવાર માટે અમદાવાદ ખાતે ખસેડવામાં આવી છે. યુવતીની હાલત એટલી ગંભીર છે કે તે કોમામાં સરી પડી હતી.