ગુજરાતી લોકગાયિકા કાજલ મહેરીયા પર થયો હુમલો, ઈજાગ્રસ્ત સિંગરને હોસ્પિટલ લઈ જવાઈ
Attack On Singer Kajal Maheriya : પાટણના ધારપુર ગામમાં ગુજરાતી ગાયક કાજલ મહેરીયા પર હુમલો... કાર્યક્રમ દરમિયાન કેટલાક શખ્સોએ હુમલો કરી સોનાની ચેનની લૂંટ ચલાવી... ઘટનામાં કાજલ મહેરીયાને સામાન્ય ઈજા...
પ્રેમલ ત્રિવેદી/પાટણ :ગુજરાતના જાણીતી ગીતકાર કાજલ મહેરીયા પર સોમવારે રાત્રિ દરમિયાન હુમલો થવાની ઘટના સામે આવી છે. પાટણના ધારપુર ગામ ખાતે સંગીતના એક કાર્યક્રમ દરમિયાન કાજલ મહેરિયા પર એટેક કરાયો હતો. કેટલાક ઈસમોએ કાર્યક્રમ દરમ્યાન કાજલ મહેરીયા પર હુમલો કરી લૂંટ ચલાવી હતી. સોનાની ચેન સહિતની કેટલીક વસ્તુઓની લૂંટ કરાઈ છે. જેમાં કાજલ મહેરીયાને સામાન્ય ઈજાઓ પહોંચી છે. જેના બાદ કાજલને પાટણ ધારપુરની હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાઈ હતી. સમગ્ર ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
હુમલા બાદ કાજલ મહેરિયાએ પાટણના બાલીસણા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે. જેમાં રમુ દેસાઈ નામના શખ્સ સહિત અન્ય 4 શખ્સો સામે હુમલાની ફરિયાદ કરી છે. દિગડી ગામના રમુ દેસાઇએ કાજલ પર જૂની અદાવતને ધ્યાનમાં રાખીને હુમલો કર્યો હોવાનું કહેવાય છે. આ હુમલામા કાજલ મહેરિયાને ઈજા પહોંચી છે, તો સાથે જ તેમની ગાડીને પણ નુકસાન પહોંચ્યું છે.
અગાઉ પણ થયો હતો હુમલો
વર્ષ 2020 માં સપ્ટેમ્બર મહિનામાં કાજલ મહેરિયા પર આંતરિક ઝઘડામાં હુમલો થયો હતો. મોઢેરામાં બનેલા આ બનાવમાં કાજલ મહેરિયાને લાફો ઝીંકાયો હતો. કાજલ મહેરિયા ઈવેન્ટ ઓર્ગેનાઇઝર બાબખાનના ઘરે સામાજિક કામ અર્થે ગયા હતા. ત્યારે ઇવેન્ટ ઓર્ગેનાઇઝરના ઘરે ગયેલી સિંગર પર બાબા ખાનના વિરોધીઓએ હુમલો કર્યો છે. ત્યારે આ ઘટનાથી ચકચાર મચી ગઈ હતી.
ઉલ્લેખનીય છે કે, મૂળ વીસનગરની કાજલ મહેરિયાનો જન્મ એક ખેડૂત પરિવારમાં થયો છે. કાજલ મહેરિયાના અનેક ગીતો પ્રખ્યાત છે. જેમાં નવા ગીતો, લોકગીતો, ભજન, લગ્ન ગીતો, રાસ ગરબા વગેરે સામેલ છે. તે સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયા પર તેના અનેક ફોલોવર્સ છે. ટિકટોક પર પણ કાજલ મહેરીયાના મોટી સંખ્યામાં ફોલોવર્સ હતા.