`મન હોય તો માળવે જવાય` આ ઉક્તિને કચ્છી મહિલાએ સાર્થક કરી, ઓસ્ટ્રેલિયામાં ભારતનું નામ રોશન કર્યું
લગ્ન થાય બાદ જ્યારે પરિવાર સાથે ઓસ્ટ્રેલિયા શિફ્ટ થયા ત્યારે ભણવાની ધગશ થકી ત્યાં અભ્યાસ પૂરું કરી આજે છેલ્લા ચાર વર્ષથી ત્યાં ડે કેરમાં નાના બાળકોને ભણાવે છે.
રાજેન્દ્ર ઠક્કર/કચ્છ: મન હોય તો માળવે જવાય એ ઉક્તિને સાર્થક કરતી કચ્છી મહિલાએ ઓસ્ટ્રેલિયામાં જઈને પણ ભારતનું નામ રોશન કર્યું છે. અભ્યાસ મનુષ્યને જીવનમાં અનેક ઉંચાઈઓ સર કરવા સક્ષમ બનાવે છે. આ વાતને સાર્થક કરી છે આ કચ્છી મહિલાએ કે જેમણે માત્ર સાતમા ધોરણ સુધીનો અભ્યાસ કર્યા છતાંય આજે વિદેશમાં બાળકોને શિક્ષણ આપે છે. કચ્છના સુખપર ગામના ભારતીબેન કતિરાને એક અણબનાવના કારણે સાતમા ધોરણમાં જ અભ્યાસ અધૂરું મૂકવું પડ્યું હતું. પણ લગ્ન થાય બાદ જ્યારે પરિવાર સાથે ઓસ્ટ્રેલિયા શિફ્ટ થયા ત્યારે ભણવાની ધગશ થકી ત્યાં અભ્યાસ પૂરું કરી આજે છેલ્લા ચાર વર્ષથી ત્યાં ડે કેરમાં નાના બાળકોને ભણાવે છે.
મૂળ માંડવી તાલુકાના કોડાય ગામના ભારતીબેન સાતમા ધોરણમાં હતા ત્યારે તેમના પિતાને હૃદયરોગનો હુમલો થતાં તેમની અણધારી વિદાય થઈ હતી. પરિવાર પર આફત આવી પડતા ઘરના બે છેડા ભેગા કરવા અને પોતાના નાના ભાઈ બહેનોનો અભ્યાસ પૂરો થાય તે હેતુથી ભારતી અને તેમના મોટા બહેને પોતાનું અભ્યાસ અધૂરું મૂકી પોતાની માતા સાથે બાંધણી ભરવાનું કામ શરૂ કર્યું હતું.
વર્ષ 2006 માં ભારતીબેનના લગ્ન સુખપર ખાતે થયા બાદ થોડા વર્ષોમાં જ તેઓ વ્યવસાય અર્થે ઓસ્ટ્રેલિયા શિફ્ટ થયા હતા. વિદેશમાં રહેવું હોય એટલે અંગ્રેજી તો આવડવી જ જોઈએ એટલે પોતાના બાળકો શાળાએ જવાનું શરૂ કરે ત્યાં સુધીમાં તેમણે પ્રથમ તો બે વર્ષ સુધી અંગ્રેજી શીખવા કોર્સ કર્યું. અંગ્રેજી આવડી ગઈ એટલે પોતાના અધૂરા અભ્યાસને પૂર્ણ કરવાની ઈચ્છા મુજબ વધુ બે વર્ષનું કોર્સ કર્યું અને નાના ભૂલકાઓને ભણાવવા ડે કેરમાં નોકરી કરવા સક્ષમ બન્યા હતા.
કચ્છમાં માત્ર સાત ચોપડી સુધીનું અભ્યાસ કર્યા છતાં પણ ભારતીબેનની ધગશને કારણે તેમણે પોતાનો અભ્યાસ પૂરો કર્યો અને આજે છેલ્લા સાડા ચાર વર્ષથી તેઓ ઓસ્ટ્રેલિયામાં નાના ભૂલકાઓને ભણાવે છે. માત્ર એટલું જ નહીં પરંતુ ત્યાંના બાળકોને ભારતીય તહેવારો નિમિત્તે ઉજવણી કરાવી વિદેશની ધરતી પર પરદેશીઓને ભારતીય સંસ્કાર શીખવે છે.
ભારતીબેન કહે છે કે તેમની આ સફરનો સંપૂર્ણ શ્રેય તેમના પતિ આનંદ કતીરાને જાય છે જેમણે તેમના પર વિશ્વાસ મૂકી તેમને આગળ ભણવા અને પોતાના પગ પર ઉભો થવા તક આપી. ઉલ્લેખનીય છે કે ભારતીબેન અને આનંદભાઈ હર મહિને પોતાના પગારમાંથી બચત કરી સેવાકીય કાર્યો પણ કરે છે અને રામ મંદિરના નિર્માણ માટે પણ તેમણે પોતાની ધનરાશિ ઉપરાંત ઓસ્ટ્રેલિયામાંથી ફાળો ઉઘરાવી રકમ દાન આપી હતી.
ઓસ્ટ્રેલિયામાં પારંભિક તબક્કે તકલીફ રહી કડિયા કામ જેવા કઠોળ પરિશ્રમ પણ તેમણે કર્યો ત્યાર પછી એડિલેડમાં સ્ટેશનરી દુકાન કરી નસીબે સાથ આપતા દુકાન સેટ થઈ ગઈ અને ત્યારબાદ પોતાનું ઘર પણ ત્યાં ખરીદ્યું અને દુકાન તેમજ ભારતીબેન દ્વારા શિક્ષણ આપીને ભણાવવા થી આવકમાંથી થોડી બચત થયા પછી રામ મંદિર અર્થે 5.50 લાખ જેવી માતબર રકમમાં અયોધ્યા રામ મંદિરમાં પણ દાન આપી છે આમ એક કચ્છી મહિલાએ વિદેશમાં પણ પોતાની સંસ્કૃતિ જાળવી રાખી છે.