ગરીબ પરિસ્થિતિને કારણે પિતા ન ભણી શક્યા, હવે પુત્રના ડોક્ટર બનવાના સપના પૂરા કરે છે
રાષ્ટ્રીય સ્તરે લેવાયેલી આ પરીક્ષામાં હવે ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ પણ બાજી મારતા થયા છે. આ પ્રકારની જ્યારે પરીક્ષાઓ લેવાતી હોય છે ત્યારે અનેક ઉદાહરણરૂપ કિસ્સાઓ પણ સામે આવતા હોય છે
અતુલ તિવારી/અમદાવાદ :કોરોના મહામારીને કારણે બે વાર મોકૂફ રહેલી NEET ની પરીક્ષા આખરે 13 સપ્ટેમ્બરે યોજાઈ જેનું પરિણામ જાહેર થયું છે. રાષ્ટ્રીય સ્તરે લેવાયેલી આ પરીક્ષામાં હવે ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ પણ બાજી મારતા થયા છે. આ પ્રકારની જ્યારે પરીક્ષાઓ લેવાતી હોય છે ત્યારે અનેક ઉદાહરણરૂપ કિસ્સાઓ પણ સામે આવતા હોય છે. જેમાં ગુજરાત બોર્ડમાં અભ્યાસ કરતા અને NEETની પરીક્ષા આપનાર મોહમદ ફૈઝાન, કે જે અમદાવાદના મિર્જાપુર વિસ્તારમાં આવેલી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો અને અમદાવાદના રાયખડનો રહેવાસી છે તેણે પોતાના રીક્ષાચાલક પિતાનું સ્વપ્ન સાકાર કરી બતાવ્યું છે.
આ પણ વાંચો : Jeans પહેરો તો ઓછું ધુઓ, વૈજ્ઞાનિકોના રિસર્ચનું ચોંકાવનારું પરિણામ આવ્યું
પિતાનુ સપનુ સંતાનો પૂરુ કરશે
NEET ની પરીક્ષામાં 720 માંથી 602 માર્ક મેળવનાર ફૈઝાનના પિતા ફારૂખભાઈની વાત કરીએ તો તેઓ વ્યવસાયે રિક્ષાચાલક છે. જ્યારે તેની માતા શમીમ બાનુ કે જેઓ ગૃહિણી છે. પુત્રની સફળતા અંગે વાત કરતા ફૈઝાનના પિતા માત્ર ધોરણ 12 પાસ છે. તેઓએ કહ્યું કે, મારે પોતે ભણવું હતું. પરંતુ નાણાકીય સમસ્યાને લીધે જે તે સમયે ભણી ના શક્યો, પણ બાળકોને સારામાં સારો અભ્યાસ કરાવવાની ઈચ્છા હતી. બંને બાળકોએ સારો અભ્યાસ કર્યો, દીકરી મેડીકલમાં અભ્યાસ કરે છે. હવે દીકરાને પણ પ્રવેશ મળી જશે. જેની એક પિતા તરીકે મને ખુશી છે.
આ પણ વાંચો : 100-200 નહિ, સુરત પાલિકાએ આખા શહેરમાં 2 લાખ સપ્તપર્ણી વાવ્યા
બહેન પણ મેડિકલમાં અભ્યાસ કરે છે
ફૈઝાનની મોટી બહેન ફરહાના સોલા સિવિલમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. એવામાં NEET માં સફળ થયેલા ફૈઝાનને બી.જે. મેડિકલ કોલેજમાં પ્રવેશ લેવાની ઈચ્છા દર્શાવી છે અથવા વડોદરા કે સુરતની મેડિકલ કોલેજમાં ફૈઝાન પ્રવેશ મેળવવા માગે છે. એક રિક્ષાચાલક એવા ફારૂખભાઈની દીકરી અને દીકરો બંને NEET ના માધ્યમથી સફળ થઈ મેડિકલ ક્ષેત્રે માતા - પિતાનું નામ રોશન કર્યું છે. જે અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ કિસ્સો છે.