અમદાવાદઃ શહેરમાં રિક્ષાચાલકો દ્વારા આવતીકાલે સ્વયંભુ બંધ રાખી હડતાળનું એલાન જાહેર કર્યું છે. ટ્રાફિકના નિયમોના પાલન મામલે પોલીસ દ્વારા થઈ રહેલી ખોટી કનડગત મામલે રિક્ષા ચાલકોમાં નારાજગી ફેલાઈ છે. ઓટો રિક્ષા ચાલકોનું માનવું છે કે તેઓ નામદાર હાઈકોર્ટના વિરોધમાં નથી. પરંતુ ઓટોરિક્ષા ચાલકોના બંધારણિય અધિકારીઓનું સતત ઉલ્લંઘન થઈ રહ્યું છે. રિક્ષા ચાલકો પર ખેટી રીતે આઈપીસી 188, 186 અને 283ની કલમો નાખી હેરાન કરવામાં આવે છે. જ્યારે હકીકતમાં કાયદા મુજબ પુરતા રિક્ષા સ્ટેન્ડ જ અમદાવાદમાં નથી. તેવી જ રીતે કાયદાનું પાલન કર્યા વગર જ આડેધડ રીતે રિક્ષા પરમિટ આપવામાં આવી રહી છે.


પોલીસ દ્વારા રિક્ષાચાલકો સાથે ગુનેગાર જેવું વર્તન કરવામાં આવે છે. જેને લઈને હવે રિક્ષાચાલકો લડી લેવાના મૂડમાં છે. શહેરમાં 2 લાખ રિક્ષાચાલકો બંધ પાળશે તેવો રિક્ષાચાલકો દ્વારા દાવો કરાયો છે. જેને અમદાવાદ ઓટો રિક્ષા ડ્રાઈવર કોંગ્રેસે ટેકો આપ્યો છે. આ સ્વયંભૂ બંધ છતાં નિરાકરણ નહિ આવે તો આંદોલનને વધુ ઉગ્ર કરવાની ચીમકી પણ આપવામાં આવી છે. તેવી જ રીતે શહેરમાં લારી ગલ્લા અને પાથરણા વાળાઓએ પણ આવતી કાલે બંધનું એલાન જાહેર કર્યું છે. તેમાં પણ 3 લાખ લારી ગલ્લાવાળા આ સ્વયંભુ બંધમાં જોડાય તેવો દાવો કરાયો છે.