ઝી મીડિયા બ્યૂરો, અમદાવાદ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આજે સાબરમતી આશ્રમથી આઝાદીના અમૃત મહોત્સવ (Azadi Ka Amrut Mahotsav) ની શરૂઆત કરી. અત્રે જણાવવાનું કે કેન્દ્ર સરકારે 12 માર્ચ 2021થી 15 ઓગસ્ટ 2022 સુધી દેશના 75 સ્થળો પર આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીની જાહેરાત કરી છે અને આજથી પ્રસ્થાન થનારી આ દાંડી કૂચ પણ આ મહોત્સવનો એક ભાગ છે. કાર્યક્રમની શરૂઆત માટે 12 માર્ચનો દિવસ પસંદ કરાયો. કારણ કે આ જ દિવસે મહાત્મા ગાંધીએ દાંડી કૂચની શરૂઆત કરી હતી. પીએમ મોદીએ દાંડી કૂચનું પ્રસ્થાન કરાવતા પહેલા અભય ઘાટ ડોમ ખાતે સંબોધન કર્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમૃત મહોત્સવને વરુણ દેવના આશીર્વાદ
આઝાદીના અમૃત મહોત્સવ કાર્યક્રમની શરૂઆત બાદ પીએમ મોદીએ કહ્યું કે આજે જ્યારે હું સવાર સવારમાં દિલ્હીથી નીકળ્યો તો ખુબ જ અદભૂત સંયોગ થયો. અમૃત મહોસ્તવનો શુભારંભ થતા પહેલા જ દેશની રાજધાનીમાં અમૃત વર્ષા થઈ અને વરુણ દેવે આશીર્વાદ પણ આપ્યા. તેમણે કહ્યું કે આજે આઝાદીના અમૃત મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. અમૃત મહોસ્તવ 15 ઓગસ્ટ 2022થી 75 સપ્તાહ પૂર્વ આજથી પ્રારંભ થયો છે અને15 ઓગસ્ટ 2023 સુધી ચાલશે. 


પીએમ મોદીએ જણાવ્યો મીઠાનો અર્થ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કોઈ પણ રાષ્ટ્રનું ભવિષ્ય ત્યારે ઉજ્જવળ થાય છે જ્યારે તે પોતાના ભૂતકાળના અનુભવો અને વારસાના ગર્વના પળ સાથે જોડાયેલો રહે છે. ભારત પાસે તો ગર્વ કરવા માટે અથાગ ભંડાર છે. સમૃદ્ધ ઈતિહાસ છે. ચેતનામય સાંસ્કૃતિક વારસો છે. તેમણે કહ્યું કે આપણા ત્યાં મીઠાને ક્યારેય તેની કિંમતથી આંકવામાં આવ્યું નથી. આપણા ત્યાં મીઠાનો અર્થ છે પ્રમાણિકતા, વિશ્વાસ, વફાદારી. તેમણે કહ્યું કે આજે પણ આપણે કહીએ છીએ કે 'હમને દેશ કા નમક ખાયા હૈ' આવું એટલા માટે નહીં કારણ કે મીઠું કોઈ કિંમતી વસ્તુ છે. આવું એટલા માટે કારણ કે મીઠું આપણા ત્યાં શ્રમ અને સમાનતાનું પ્રતિક છે. 


દેશને આગળ વધવાની પ્રેરણા આપે છે આ 5 સ્તંભ
કાર્યક્રમને સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું કે 'Freedom Struggle, Ideas at 75, Achievements at 75, Actions at 75 અને Resolves at 75. આ પાંચ સ્તંભ આઝાદીની લડતની સાથે સાથે આઝાદ ભારતના સપના અને કર્તવ્યોને દેશની સામે રજુ કરીને આગળ વધવાની પ્રેરણા આપશે. તેમણે કહ્યું કે આઝાદીનો અમૃત મહોત્સવ એટલે કે આઝાદીની ઉર્જાનું અમૃત. આઝાદીનો અમૃત મહોત્સવ એટલે- સ્વાધિનતા સેનાનીઓ પાસેથી પ્રેરણાનું અમૃત. આઝાદીનો અમૃત મહોત્સવ એટલે- આત્મનિર્ભરતાનું અમૃત. 


આજે આપણે ઈતિહાસનો ભાગ પણ બની રહ્યા છીએ
પીએમ મોદીએ કહ્યું કે આપણા બધાનું સૌભાગ્યા છે કે આપણે આઝાદ ભારતના આ ઐતિહાસિક કાલખંડના સાક્ષી બની રહ્યા છીએ. આજે દાંડીયાત્રાની વર્ષગાંઠ પર આપણે બાપુની આ કર્મસ્થળી પર ઈતિહાસ બનતો પણ જોઈ રહ્યા છીએ અને ઈતિહાસનો ભાગ પણ બની રહ્યા છીએ. જ્યારે આપણે બ્રિટિશ શાસનના યુગ વિશે વિચારીએ છીએ, જ્યારે કરોડો લોકો સ્વતંત્રતાની પ્રતિક્ષા કરતા હતા, તો આ સ્વતંત્રતાના 75 વર્ષના ઉત્સવને વધુ મહત્વપૂર્ણ બનાવી દે છે. તેમણે કહ્યું કે હું આ પુણ્ય અવસર પર બાપુના ચરણોમાં મારા શ્રદ્ધાસુમન અર્પણ કરું છું. હું દેશના સ્વાધિનતા સંગ્રમામમાં પોતાની જાતને હોમી દેનારા, દેશને નેતૃત્વ આપનારી તમામ વિભૂતિઓના ચરણોમાં આદરપૂર્વક નમન કરું છું. 


નહીં ભૂલી શકીએ આઝાદીનું આંદોલન
પીએમ મોદીએ કહ્યું કે 1857નો સ્વતંત્રતા સંગ્રામ, મહાત્મા ગાંધીનું વિદેશથી પાછું ફરવું, દેશને સત્યાગ્રહની તાકાત ફરીથી યાદ કરાવવી, લોકમાન્ય તિલકનું પૂર્ણ સ્વરાજ્યનું આહ્વાન, સુભાષ ચંદ્ર બોઝના નેતૃત્વમાં આઝાદ હિન્દ ફૌજની દિલ્હી માર્ચ, દિલ્હી ચલોના નારા કોણ ભૂલી શકે. તેમણે વધુમાં કહ્યું કે આઝાદીના આંદોલનની આ જ્યોતિને સતત જાગૃત કરવાનું કામ, પૂર્વ-પશ્ચિમ-ઉત્તર-દક્ષિણ દરેક દિશામાં, દરેક ક્ષેત્રમાં, આપણા સંતો-મહંતો, આચાર્યોએ કર્યું હતું. એક પ્રકારે ભક્તિ આંદોલને રાષ્ટ્રવ્યાપી સ્વાધિનતા આંદોલનની પીઠિકા તૈયાર કરી હતી. 


પીએમ મોદીએ કહ્યું- સ્વતંત્રતા સેનાનીઓને યાદ કરો
પીએમ મોદીએ કહ્યું કે દેશના ખૂણે-ખૂણેથી કેટલાય દલિત, આદિવાસી, મહિલાઓ અને યુવાઓ છે જેમણે અસંખ્ય તપ-ત્યાગ કર્યા. તામિલનાડુના 32 વર્ષના યુવા કોડિ કાથ કુમરનને યાદ કરતા પીએ મોદીએ કહ્યું કે અંગ્રેજોએ તેમના માથામાં ગોળી મારી દીધી. પરંતુ તેમણે મરતા મરતા પણ દેશના ઝંડાને જમીન પર પડવા દીધો નહીં. તેમણે વધુમાં કહ્યું કે શ્યામજી કૃષ્ણ વર્મા, અંગ્રેજોની ધરતી પર રહીને , તેમના નાક નીચે આઝાદી માટે સંઘર્ષ કરતા રહ્યા. પરંતુ તેમની અસ્થિઓ 7 દાયકા સુધી રાહ જોતી રહી કે ક્યારે તેમને ભારતમાતાની ગોદ નસીબ થશે. 2003માં વિદેશથી તેમની અસ્થીઓ હું મારા ખભે ઉઠાવીને લાવ્યો હતો. 


પીએમ મોદીએ કહ્યું કે તામિલનાડુના જ વેલુ નાચિયાર પહેલા મહારાણી હતા જેમણે અંગ્રેજોના શાસન વિરુદ્ધ લડત લડી હતી. આપણા દેશના આદિવાસી સમાજે પોતાની વિરતા અને પરાક્રમથી સતત વિદેશી હુકૂમતને ઘૂંટણિયે લાવવાનું કામ કર્યું હતું. આંદમાનમાં જ્યાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝે દેશની પહેલી આઝાદ સરકાર બનાવીને તિરંગો ફરકાવ્યો હતો, દેશે તે વિસ્મૃત ઈતિહાસને પણ ભવ્ય આકાર આપ્યો છે. આંદમાન નિકોબારના દ્વિપોને સ્વતંત્રતા સંગ્રામના નામ પર રાખવામાં આવ્યા છે. 


ઈતિહાસ જાળવી રાખવાના થઈ રહ્યા છે સજાગ પ્રયત્નો
પ્રધાનમંત્રીએ કહ્યું કે જલિયાવાલા બાગમાં સ્મારક હોય કે પછી પાઈકા આંદોલનની સ્મૃતિમાં સ્મારક, બધા પર કામ થયું છે. બાબા સાહેબ સાથે જોડાયેલા જે સ્થળો દાયકાથી ભૂલાયેલા હતા તેમનો પણ વિકાસ દેશના પંચતીર્થ તરીકે કરાયો છે. તેમણે  કહ્યું કે દેશ ઈતિહાસના આ ગૌરવને જાળવી રાખવા માટે છેલ્લા 6 વર્ષથી સજાગ પ્રયત્ન કરી રહ્યો છે. દરેક રાજ્ય, ક્ષેત્રમાં આ દિશામાં પ્રયત્નો થઈ રહ્યા છે. દાંડી યાત્રા સાથે જોડાયેલા સ્થળના પુર્નોદ્ધાર દેશે બે વર્ષ પહેલા જ પૂરું કરી લીધુ હતું. મને પોતાને આ અવસર પર દાંડી જવાની તક મળી હતી. 


આઝાદીના અમૃત મહોત્સવની વેબસાઈટ લોન્ચ
પીએમ મોદીએ આ અવસરે સાબરમતી આશ્રમની મુલાકાત લીધી. બાપુની પ્રતિમા અને હ્રદયકૂંજમાં બાપુની તસવીરને સૂતરની  આંટી પણ અર્પણ કરી. તેમની સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહ્યા હતા. આ સાથે જ તેમણે આઝાદીના અમૃત મહોત્સવની વેબસાઈટ પણ લોન્ચ કરી. 


દાંડી માર્ચનો ઈતિહાસ
રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીએ દાંડી માર્ચનું આયોજન અંગ્રેજો દ્વારા મીઠા ઉપર લગાવવામાં આવેલા કર વિરુદ્ધ કર્યું હતું. સાબરમતી આશ્રમથી 390 કિલોમીટર દૂર આવેલા દક્ષિણ ગુજરાતના દાંડી સુધી આ યાત્રા તેમણે 78 ચલોકો સાથે 25 દિવસમાં પૂરી કરી હતી. તેમણે 6 એપ્રિલ 1930ના રોજ મીઠું ઉપાડીને મીઠા વિરોધી કાયદાનો ભંગ કર્યો હતો. 


શું છે આ આઝાદીનો અમૃત મહોત્સવ
આઝાદીનો અમૃત મહોત્સવ ભારતની સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠની ઉજવણી માટે ભારત સરકાર દ્વારા આયોજિત કાર્યક્રમોની શ્રૃંખલા છે. મહોત્સવ જન ભાગીદારી ભાવના સાથે જન ઉત્સવ તરીકે ઉજવવામાં આવશે. 75 અઠવાડિયા સુધી કાર્યક્રમોનું આયોજન થશે જે 15 ઓગસ્ટ 2022 સુધી ચાલશે. સ્વતંત્રતાની 65મી વર્ષગાંઠ પર આયોજિત કરવામાં આવેલા કાર્યક્રમો અંગે નીતિઓ અને યોજનાઓ તૈયાર કરવા માટે ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં  એક સમિતિની રચના કરવામાં આવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube