પશુઓ માટે સર્વોત્તમ આહાર છે અઝોલા, નર્મદાના પ્રગતિશિલ મહિલા ખેડૂતે કરી અઝોલાની સફળ ખેતી
આદિમાનવની કોઠાસુઝ પરિશ્રમ, શરીર સૌષ્ઠવ, મજબૂત પોલાદી બાંધો, લાંબા આયુષ્યનું રહસ્ય ઘી, દૂધ, હલ્કા અને બરછટ અનાજને આરોગી, નિરોગી રહેવાની કોઠાસુઝ આદિજાતિ લોકો નિજાનંદ મોજ મસ્તીમાં પ્રાકૃતિક આનંદ ઉલ્લાસમાં પ્રકૃતિના ખોળે ખીલતો નિખાર સૌના નસીબમાં નથી હોતો.
જયેશ દોશી/નર્મદા: કુદરતે માનવીને અર્પેલી બહુમુલ્ય ભેટ એટલે પર્યાવરણ, પ્રાકૃતિક સૌંદર્ય અને પ્રાકૃતિક ખેતી જેમાં જળ, જંગલ, જમીન, ખેતી-પશુપાલન આદિ ચીજવસ્તુ અને બરછટ અનાજનો સમાવેશ થાય છે. આદિમાનવની કોઠાસુઝ પરિશ્રમ, શરીર સૌષ્ઠવ, મજબૂત પોલાદી બાંધો, લાંબા આયુષ્યનું રહસ્ય ઘી, દૂધ, હલ્કા અને બરછટ અનાજને આરોગી, નિરોગી રહેવાની કોઠાસુઝ આદિજાતિ લોકો નિજાનંદ મોજ મસ્તીમાં પ્રાકૃતિક આનંદ ઉલ્લાસમાં પ્રકૃતિના ખોળે ખીલતો નિખાર સૌના નસીબમાં નથી હોતો. આદિમાનવને મળેલો આ અમુલ્ય અતુલ્ય વારસો છે. મેળાઓ ઉત્સવો લોકજીવનનો ધબકતો ધરતીનો ધબકાર છે.
ભારતીય સંસ્કૃતિના લોકજીવનનું મૂળ નદી કિનારે વિસ્તર્યુ છે અને પાંગર્યુ છે. ભગવાન રામનો વનવાસ, સરયુ નદી કિનારે માતંગ ઋષીનો આશ્રમ અને શબરીબાઈની ઝૂંપડી, શબરીબાઈની રામ પ્રત્યેની અતૂટ ભક્તિથી વીણેલા ચાખેલા બોર આરોગી આસ્થા શ્રદ્ધા અને પ્રેમ, સંદેશ એવા રામ, રામ શબ્દ આજે પણ લોકમુખે મૌજુદ છે. પ્રકૃતિની પૂજા પૂરાણોમાં પણ વર્ણવાયેલી છે. વેદ તરફ પાછા વળોની ભાવના માનવીમાં બળવત્તર થતી જાય છે.
આજની ભૌતિક સંપત્તિ પાછળની આંધળી દોટથી માનવીના મનની શાંતિ અને સ્વાસ્થ્યને વત્તા-ઓછા પ્રમાણમાં નુકશાન થતું જોવા મળી રહ્યું છે. એટલે જ પ્રકૃતિ તરફ પાછા વળો અને પ્રાકૃતિક, ઓર્ગેનિક ખેતી દ્વારા અન્ન ઉત્પાદન કરી રાસાયણિક દવાનો ઓછો છંટકાવ કરી ધરતીમાતાને સ્વસ્થ રાખવાની સાથોસાથ લોકોના સ્વાસ્થ્ય અને તંદુરસ્તી માટે રાજ્ય સરકાર અને ચિંતનશીલ વિદ્વાન લોકો અસલ દેશી પ્રોડક્ટ તરફ વળતા થયા છે.
સુભાષ પાલેકરની પ્રાકૃતિક ખેતી તથા સેન્દ્રીય ખાતર, દેશીગાય આધારિત ખેતી તરફ વાળવા માટે પશુપાલકોને પણ પ્રોત્સાહિત કરવામાં આવે છે. દેશી ગાય, ગીર ગાયના સંવર્ધન પાલનને મહત્વ આપવામાં આવે છે. શાસ્ત્રોમાં નદીને લોકમાતા અને ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. ગુજરાતમાં ડાંગ જિલ્લાને પ્રાકૃતિક ખેતી માટે ઘોષિત કરાયો છે. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના રાજ્યપાલ શ્રીમાન આચાર્ય દેવવ્રતજી સહિત મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપીને તેને આગળ વધારી રહ્યાં છે.
રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ પ્રાકૃતિક ખેતીના અભિયાનને વેગ આપવા કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા ખાસ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. દેશી પ્રોડક્ટના માર્કેટને પણ મહત્વ આપવામાં આવી રહ્યું છે. “લોકલ ફોર વોકલ” ને વેગ આપવામાં આવી રહ્યો છે. રંગબેરંગી, સુગંધ મહેકાવનાર કેસુડાના પુષ્પોને પણ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં કેસુડા ટુરને વિશેષ મહત્વ આપી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનાવ્યું છે.
મહારાષ્ટ્ર-ગુજરાતની સરહદે અડીને આવેલી સાતપુડા-વિદ્યાંચલની ઉંચી-નીચી ગીરી કંદરામાં રેવાતટે સરદાર સરોવર ડેમ અને લોહપુરુષ સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા દેશ-વિદેશના પ્રવાસીઓને આકર્ષિત કરે છે. એટલું જ નહી, જંગલ સફારી, આરોગ્ય વન, કેક્ટસ ગાર્ડન, એકતા ક્રુઝ, ગ્લો ગાર્ડન, મેઝ ગાર્ડન, મિયાવાકી ફોરેસ્ટ, વેલી ઓફ ફ્લાવર, ચિલ્ડ્રન ન્યુટ્રિશિયન પાર્ક સહિત ટ્રાયબલ મ્યુઝિયમ જેવા આકર્ષણો પણ પ્રવાસીઓના કેન્દ્રબિંદુ બની રહ્યાં છે, તેના વિકાસ માટે રાજ્ય સરકારશ્રી દ્વારા ધનરાશીની ફાળવણી કરવામાં આવી રહી છે. સાથે ઐતિહાસિક ઘટનાઓ અને ભાતીગળ લોક સંસ્કૃતિ, રહેણી-કરણી, ખાનપાનને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યાં છે.
આવો જ આ નર્મદા વિસ્તાર આદિવાસી વસ્તી ધરાવતો બહુલ્ય ભીલ પ્રદેશ વિસ્તાર એવા છેવાડાના ડેડીયાપાડા તાલુકાના બોરીપીઠા ગામના શુક્રાબેન વસાવા ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમને એક ચીજ વસાવી છે, તે ચીજ બડી મસ્ત છે. પશુપાલનના આહારમાં અઝોલાનો ઉપયોગ અને તેના થકી પશુઓને પૌષ્ટિક આહાર મળી રહે છે. એટલું જ નહીં દૂધના ઉત્પાદનમાં પણ વધારો, દૂધ ઘાટ્ટું અને ગુણવત્તાયુક્ત મળી રહે છે, ખેતીનું ઉત્પાદન પણ વધારી શકાય છે. અઝોલા લીલા ખાતરની ગરજ પણ સારે છે, અને જીરો બજેટમાં આ બધું શક્ય બને છે. પશુઓના આહારનો વિકલ્પ બન્યો છે તો આવો આપણે આ અઝોલા શું છે તે વિશે જાણીએ...
ખેતી પશુપાલન એકબીજાના પૂરક છે તેમ આદિજાતિ અને પશુપાલન એકબીજાના જીવનના સંવેદનશીલ આત્મીય જીવ છે. જીવે ત્યાં સુધી જીવની જેમ પશુપાલનને સાચવે છે, લાલન પાલન કરે છે અને કાળજી લે છે. ભુખ્યું પશુ રહે તે તેને પાલવે નહીં, ઘાસ આપદાને દૂર કરવા પશુઆહારમાં અઝોલાને સામેલ કરીને શુક્રાબહેને એક નવો જ રાહ ચિંધ્યો છે. અઝોલા એ ગાય, ભેંસ, મરઘા, બતકા, ડુક્કર, બકરા જેવા પશુઓ માટે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખોરાક છે. નહીવત ખર્ચ, ઝડપી પરત બની શકે તેવું સ્વાદિષ્ટ અઝોલા ખવડાવવાથી દૂધ વધારે, ઘાટ્ટુ અને સારી ગુણવત્તાવાળું મળે છે. એટલે જ તો દૂધને સંપૂર્ણ આહાર તરીકે આરોગ્ય વિભાગે જાહેર કર્યુ છે.
અઝોલા એ માત્ર પશુઆહાર તરીકે જ નહીં પણ જમીનમાં ખાતર તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય છે. ડાંગરની ક્યારીમાં અઝોલાનું વાવેતર કરવામાં આવે તો તે અઝોલા, સેવાળ, લીલી વનસ્પતિ હવામાંથી નાઈટ્રોજન પોતાના પાંદડામાં ઝીલીને સંગ્રહ કરીને ઉમેરો કરે છે. જેથી ૨૦ ટકા જેટલી ઉત્પાદનમાં વૃદ્ધિ થાય છે. ડાંગરમાં યુરિયાની જરૂરિયાત રહેતી નથી અને ઉત્પાદનમાં વધારો થઈ આવકની વૃદ્ધિ થાય છે. જીરો બજેટમાં ખેતી થાય છે. તે એક લીલા ખાતરની ગરજ છોડને પુરી પાડે છે. તેથી ખેડૂતોને ઉપયોગી થાય છે. જ્યારે પશુપાલકો પશુઓને દૈનિક ધોરણે ઘાસચારો તો આપતા જ હોય છે. પરંતુ ઉનાળા-ચોમાસા-શિયાળાની ઋતુમાં લીલો ઘાસચારો મેળવવો મુશ્કેલ હોય ત્યારે ઘાસની અવેજીમાં પૂરક આહાર તરીકે અઝોલા ઘાસચારાની ખોટને પુરી કરે છે. તે ખાણદાણનો એક વિકલ્પ પણ બની રહે છે. અઝોલા પૌષ્ટિક આહાર તરીકે કારગત છે.
અઝોલા તૈયાર કરવાની તકનીક
સાનુકૂળ જમીનમાં ૧૦ મીટર x ૫ મીટર x ૨ ફૂટ ઊંડો અથવા ૫ મીટર x ૫ મીટર x ૨ ફૂટ ઉંડો ખાડો બનાવી ૧૦૦ થી ૧૫૦ માઈક્રોન જાડાઈના એલ.ડી.પી.ઈ. પ્લાસ્ટિકને ખાડામાં તથા તેની અંદરની ચારે બાજુની દીવાલ પર તથા પાળની ઉપરની બાજુએ વ્યવસ્થિત રીતે પાથરી ઉપજાઉ માટીને ખાડામાં પ્લાસ્ટિક ઉપર લગભગ ૧ ફૂટ સુધી પાથરી દેવી. તેના ઉપર સપ્રમાણમાં છાણની રબડીનું પાતળું થર બનાવી ખાડાને આશરે ૫ થી ૧૫ સે.મી. જેટલો પાણીથી ભરવામાં આવે છે.
શુક્રાબહેન વસાવા કહે છે કે, પશુઓ અમારા જીવનનો એક અવિભાજ્ય અંગ સમાન છે. પશુઓ અમારા માટે કમાઉ દિકરાની ગરજ સારે છે. જેની આવકથી અમારું કુટુંબ પરિવાર અને બાળકોને શિક્ષણ, સ્વાસ્થ્ય જેવી સુવિધાઓ મળી રહે છે. કમાઉ દિકરો વૃદ્ધ માતા-પિતા માટે ઘડપણની લાકડી સમાન હોય છે તેમ પશુઓ અમારે મન આજીવિકાનું સાધન છે. એમના લીધે અમારું ગુજરાત ચાલે છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ડેડીયાપાડા અને સ્વૈચ્છિક સંસ્થા આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ દ્વારા અઝોલા અંગે માર્ગદર્શન અને જાણકારી આપતા અમે આ અઝોલા ઉગાડવાનું નક્કી કર્યું હતું. જેના સારા પરિણામ મળી રહ્યાં છે.
પોષકતત્વોની દ્રષ્ટિએ અઝોલા કૃષિ-પશુપાલન માટે રામબાણ
અઝોલાને સામાન્ય શબ્દોમાં કહીએ તો એક પ્રકારની લીલ છે. પાણીમાં થતી હંસરાજ પ્રકારની વનસ્પતિ છે. તે ઝડપી તૈયાર થતી વનસ્પતિ છે. પોષકતત્વોની દ્રષ્ટિએ ખુબ જ સમૃદ્ધ અઝોલામાં સુક્ષ્મ ભારના આધાર પર એમાં પ્રોટીનનું પ્રમાણ લગભગ ૨૦-૩૦ ટકા જેટલું રહેલું છે. અઝોલામાં ખુબ વધુ માત્રામાં પ્રોટીન, એમીનો એસીડ, વિટામીન એ અને બી-૧૨ સહિત આયર્ન, કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ ફેરસ, ઝીંક, કોપર અને લોહ સિવાય જરૂરી પ્રોટીન-મિનરલ્સ પણ રહેલા છે. પશુઓના શરીરને જોઈતા તમામ પોષકતત્વો પુરા પાડે છે. આ બધા ગુણોને કારણે અઝોલા સસ્તું, સુપાચ્ય અને પશુ આહારના રૂપમાં ખેડૂતો-પશુપાલકો વચ્ચે ખુબ જ લોકપ્રિય બન્યું છે.
અઝોલા ખવડાવવાથી પશુઓને થતા લાભો
અઝોલાને ચારણી અથવા વાંસના ટોપલામાં પાણીની ઉપરથી લેવામાં આવે છે. ત્યાર પછી અઝોલાને ચોખ્ખા પાણીથી ધોઈ દાણ સાથે મિશ્ર કરી પશુઓને ખવડાવવામાં આવે છે. અઝોલા સસ્તુ તેમજ પૌષ્ટિક પશુ આહાર છે. જે સામાન્ય આહાર ખાવા વાળા પશુઓ કરતા સારું એવું સ્વાસ્થ્ય કેળવે છે. પશુમાં વાંઝીયાપણું નિવારવાથી લઈને દૂધ ઉત્પાદનમાં પણ અઝોલા ઉપયોગી છે.
એક કિલો અઝોલાની ગુણવત્તા એક કિલો ખાણ-દાણની બરાબર છે. પશુઓમાં પેશાબની સાથે લોહી આવવું એ ફોસ્ફરસની ખામીને લીધે થાય છે. એવા પશુઓને અઝોલા ખવડાવવાથી ઉણપ દુર થઈ શકે છે. છ મહીના જુની અઝોલાની ક્યારીની ૨ કિલો માટીમાં ૧ કિલો એન.પી.કે. ખાતરની બરાબર તત્વો રહેલા હોય છે. દુધાળા પશુઓમાં ૨ થી ૨.૫ કિલો અઝોલા પશુઓને પ્રતિ દિવસ ખવડાવવાથી ૧૫ થી ૨૦ ટકા દુધ ઉત્પાદન વધારવામાં આવે છે.
એક કિલો દાણમાં એક કિલો અઝોલા મિશ્ર કરી પશુને ખવડાવવામાં આવે છે જેથી પશુઓના દુધ ઉત્પાદનમાં ૧૫ થી ૨૦ ટકાનો વધારો થાય છે. સાથે સાથે ૨૦ થી ૨૫ ટકા પશુઓના દાણની ખરીદી બચી જાય છે. પશુઓમાં અઝોલાની માત્રાની ચર્ચા કરીએ તો વયસ્ક ગાય, ભેંસ, બળદને દૈનિક ૨ થી ૨.૫ કિલો, મરઘી અને બોયલર માટે ૨૦ થી ૩૦ ગ્રામ, બકરી માટે ૩૦૦ થી ૫૦૦ ગ્રામ, ભૂંડ માટે ૧.૫ થી ૨ કિલો તેમજ સસલા માટે દૈનિક ૧૦૦ ગ્રામ અઝોલા આહાર તરીકે પશુઓને ઉપલબ્ધ કરાવી શકાય છે.
પશુપાલક શુક્રાબેન વસાવા જણાવે છે કે, અમારા વિસ્તારમાં હંમેશા લીલો ઘાસ ચારો મળી રહે તેવું શક્ય બનતુ નથી. જ્યારથી મેં અઝોલા અંગે તાલીમ-માર્ગદર્શન લીધુ ત્યારથી હું અઝોલાનો ઘાસ તરીકે ઉપયોગ કરું છું. ગ્રામજનોને પણ આ બાબતે પ્રોત્સાહિત કરું છું. મારા પશુઓને અઝોલા આહાર તરીકે સેવન કરવાની આદત પાડવી પડી, એક વાર સ્વાદ અને પરખ થયા પછી રોજીંદી વપરાશમાં મારા પશુઓ અઝોલાનું નિયમિત ખોરાકમાં સારી રીતે ઉપયોગ કરે છે. સાથોસાથ ખેડૂતો ધીમે-ધીમે ખાતરની આ નવી તકનીકથી લીલું ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરવા પ્રેરાયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકો સૌથી વધુ ૧,૧૪,૫૪૩ પશુધન ધરાવે છે. ડેડીયાપાડા તાલુકામાં કુલ ૭૫ હજારથી વધુ માત્રામાં ગૌધન છે. જે અન્ય તાલુકાઓની સરખામણીમાં ખુબ સારા પ્રમાણમાં છે. તેથી આપણે કહી શકીએ કે જિલ્લાના સૌથી વધુ દૂધ ઉત્પાદનમાં દેડીયાપાડા તાલુકો મોખરાનું સ્થાન ધરાવે છે.
“અન્ન તેવા ઓડકાર” પૂજ્ય મહાત્મા ગાંધીજી પણ બકરીના દૂધનું સેવન કરતા હતા, અને તેના બદલામાં બકરીને સૂકો મેવો અને પૌષ્ટિક ખોરાક ખવડાવતા હતા. જેથી દૂધમાં રહેલા પોષક તત્વો પોતાના શરીરમાં સામેલ થાય અને તંદુરસ્તી જળવાઈ રહે. એટલે પૌષ્ટિક આહાર એ પરમ સુખ પાવે. વધુ પડતા દવાના છંટકાવથી શાકભાજી, અનાજ, ફળમાં જે રસાયણ ભળીને માનવીના પેટમાં જવાથી ઝેરી તત્વો સામેલ થઈને રોગો અને બીમારી આવે છે. પ્રાકૃતિક, ઓર્ગેનિક ખેતીથી આ જોખમોને નિવારી શકાય છે.
આપણી ક્રિયાઓ આપણી ઇકો સિસ્ટમના આરોગ્ય અને સુખાકારીને અસર કરે છે. એટલે આપણે માનવજાતિ તરીકે આપણી સામૂહિક જવાબદારી છે કે આપણે માત્ર આપણી જાતને નહી પરંતુ એ પણ સુનિશ્ચિત કરીએ કે, આપણી ક્રિયાઓ જે પર્યાવરણમાં આપણે સહ-અસ્તિત્વમાં છીએ તેનું રક્ષણ કરવામાં પરિણમે. એક પૃથ્વી એક સ્વાસ્થ્યનું વિઝન આપણી ક્રિયાઓ અને પર્યાવરણ મિત્ર નીતિઓના મહત્વ ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરીએ “નર્મદે સર્વદે..વસુધૈવ કુટુંબકમની ભાવના બળવત્તર કરીએ”
પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે આવેલા નર્મદા જિલ્લામાં પ્રવાસન સ્થળને વેગ અને વિકાસ થતા આજે અહીં લાખોની સંખ્યામાં પ્રવાસી આવીને આહલાદક નજારો માણીને ધન્યતા અનુભવે છે. વધુમાં રાજ્ય સરકાર દ્વારા એકતાનગર ખાતે કેસૂડા ટૂરનું આયોજન કરવામાં આવ્યું હતું. તેજસ્વી નારંગી ફૂલોના છાંટા એકતા નગરના મનોહર દ્રશ્યોને વધારે છે. ૬૫ હજાર કેસૂડાના વૃક્ષોની બેજોડ સુંદરતા પ્રકૃતિમાં વધારો કરે છે. જે પ્રવાસીઓને મનમોહક દ્રશ્ય સાથે આંખ અને તનને ધન્યતા અપાવે તેવો ભાવ પ્રવાસીઓના મનમાં પેદા કરે છે. એકતાનગરની આ અદ્વિતિય સુંદરતા દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનને આભારી છે.
નર નારી સૌ નમન કરે, વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા લોહપુરુષ પૂજ્ય સરદાર સાહેબને દેશની એકતા અને અખંડિતતા માટે વંદન અને પ્રણામ કરે છે. “સ્ટેચ્યુ ઓફ યુનિટી” નમો નારાયણ, નમો નારાયણ... સૌને ગમે આ પ્રકૃતિ... રેવાના તીરે રેલાયેલી પ્રકૃતિ સૌને મનમોહિત કરે છે, અને પ્રવાસીઓને યાદગાર તસ્વીર સેલ્ફી થકી માનવીના માનસ પટલ પર કાયમી અંકિત થાય છે.