અમરેલી : જિલ્લામાં વરસાદે વિરામ લેતા આજે રવિવારે ફરી ધારી, રાજુલા પંથકમાં વરસાદી ઝાપટું પડતા ખેડૂતોને પડતા પર પાટુ પડ્યું હતું. સાવરકુંડલા તાલુકાના ગોરડકા આસપાસના ગામડામાં વરસાદી માહોલ વચ્ચે એક ખેતરમાં વીજલી પડતા બળદનું મોત નિપજ્યું હતું. ખેડૂત પરિવારનો ચિંતામાં મુકાયો હતો. અમરેલી જિલ્લામાં થોડા દિવસો પહેલા અતિભારે વરસાદ પડ્યો હતો. જેના પગલે કેટલાક તાલુકામાં ખેડૂતોની સ્થિતિ દયનીય થઇ છે. અત્રે નોંધનીય છે કે, ચોમાસુ વિદાય લે તેવી આગાહી વચ્ચે સૌરાષ્ટ્રમાં ફરી વરસાદી સિઝન જામતા ખેડૂતોનો રહ્યો સહ્યો પાક પણ બળી જાય તેવી સ્થિતી પેદા થઇ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમરેલી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી ઉઘાડ નિકળતા થોડો પાક બચી જાય તેવી આશા ખેડૂતોમાં જાગી હતી. જો કે આજે ફરી એકવાર વરસાદી માહોલ બંધાતા ખેડૂતો માથે પણ આફતના વાદળા બંધાયા હતા. ધારી પંથકમાં વરસાદ પડ્યો હતો. સુખપુર, કાંગસા, સહિત આસપાસના ગીર પંથકના ગામડામાં વરસાદના કારણે પાણી ભરાયું હતું. રાજુલા શહેર અને આસપાસના ગામડામાં વરસાદી ઝાપટા પડ્યા હતા. જેના કારણે વરસાદી માહોલ બરોબર જામ્યો હતો. જો કે હવે ખમૈયા કરે તો સારૂ તેવું ઇચ્છી રહ્યા છે. 


આજે છોટાઉદેપુરના બોડેલી પંથકમાં પણ વાતાવરણ પલટાયું હતું. બોડેલી, અલીપુરા, ઢોકલીયા સહિતના આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. પાંચ દિવસ બાદ વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાની એન્ટ્રી થતા ખેડૂતોને પડ્યા પર પાટુ જેવી સ્થિતિ થઇ હતી. તો ભાવનગરના પણ મહુવા, જેસર પંથકમાં વરસાદી માહોલ જામ્યો હતો અને કડાકા ભડાકા સાથે વરસાદ તુટી પડ્યો હતો. મહુવા, બગદાણા, મોણપર, ટીટોડીયા, કરમદીયા અને જેસર જેવા અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.