Coronaને કારણે કોંગ્રેસના સિનિયર નેતા બદરુદ્દીન શેખને શ્વાસ લેવામાં તકલીફ, વેન્ટિલેટર પર રખાયા
બદરુદ્દીન શેખ તેમજ કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો બે દિવસ પહેલા જ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બંને નેતાઓ હાલ એસવીપી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
અમદાવાદ : કોંગ્રેસના કોર્પોરેટર અને અમદાવાદ મ્યુ. કોર્પોરેશનના પૂર્વ વિપક્ષના નેતા બદરુદ્દીન શેખનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો હતો. હવે માહિતી મળી છે કે કોરોનાના કારણે તેમની તબિયત લથડી છે અને તેમને શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાના કારણે વેન્ટિલેટર સપોર્ટ પર રખાયા છે. બદરુદ્દીન શેખને શુગર અને બ્લડપ્રેશરની તકલીફ પણ ધરાવતા હોવાથી તેમને વધારે તકલીફ પડી રહી છે. રિપોર્ટ પ્રમાણે બદરુદ્દીન સાથે તેમના પત્ની અને તેમના ઘરે કામ કરતી મહિલાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.
બદરુદ્દીન શેખ તેમજ કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો બે દિવસ પહેલા જ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બંને નેતાઓ હાલ એસવીપી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. હાલ કોંગ્રેસના બે ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ અને શૈલેષ પરમાર ખેડાવાલાના સીધા સંપર્કમાં આવ્યા હોવાના કારણે પોતાના ઘરે જ આઈસોલેશનમાં છે.
ગુજરાતમાં દિવસને દિવસે કોરોના પોઝિટિવના કેસ વધી રહ્યાં છે. રાજ્યમાં કોરોનાના દર્દીઓનો આંકડો 1 હજારને પાર પહોંચ્યો છે. ત્યારે આજે સાંજે ફરી એકવાર આરોગ્ય વિભાગે પ્રેસ કોન્ફરન્સ કરીને આજનો આંકડો આપ્યો હતો. જેમાં આજે ગુજરાતમાં નવા 78 કુલ કોરોના પોઝિટિવ કેસ આવ્યાં હતાં. જેમાં ફરી એક વખત અમદાવાદમાં 32 કેસ નોંધાયા હતાં. જોકે આજે વધુ સુરતમાં 38 કેસ નોંધાયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube