Ahmedabad Accident: શુક્રવારનો દિવસ ગોઝારો સાબિત થયો છે. બાવળા બગોદરા રોડ પર ગોઝારો અકસ્માતમાં 10 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. પંચર પડેલી ટ્રક રોડ પર ઉભી હતી, ત્યારે ટ્રક પાછળ છોટા હાથી ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં છોટા હાથીમાં સવાર 10 લોકોના મોત નિપજ્યા છે. 5 મહિલા, 3 બાળકો અને 2 પુરુષોના મોત થયા છે. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલ લઇ જવા માટે તજવીજ હાથ ધરી છે. બીજી બાજુ આ અકસ્માતના પગલે PMO, CMO, PM મોદી, મુખ્યમંત્રી સહિત અનેક નેતાઓ ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PMOએ સહાયની જાહેરાત કરી
PMO એ અકસ્માત મામલે સહાયની જાહેરાત કરી દુખ વ્યક્ત કર્યું છે. PMએ ટ્વીટ કરી લખ્યું છે કે, અમદાવાદ જિલ્લાના બાવળા-બગોદરા હાઈવે પર બનેલી માર્ગ દુર્ઘટના દુઃખદ છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના તેમજ ઈજાગ્રસ્ત જલ્દી સાજા થાય તેવી પ્રાર્થના. સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યું છે. રૂપિયા 2 લાખ મૃતકના પરિવારજનોને તેમજ ઘાયલોને રૂ. 50 હજારની સહાયની જાહેરાત કરી છે.



ભૂપેન્દ્ર પટેલે પણ દુખ વ્યક્ત કર્યું
રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ આ અકસ્માત અંગે દુખ વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું કે, અમદાવાદ જિલ્લામાં બાવળા-બગોદરા હાઈવે પર થયેલ અકસ્માતની ઘટના હૃદયવિદારક છે. ઈશ્વર આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોના આત્માને શાંતિ આપે અને ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરું છું. મારી સંવેદના મૃતકોના પરિવારજનોની સાથે છે.



મારી સંવેદનાઓ સર્વ પરિવારજનો સાથે છે:  સી આર પાટીલ
સી આર પાટીલે ટ્વીટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે સંવેદના વ્યક્ત કરતા કહ્યું કે, મારી સંવેદનાઓ સર્વ પરિવારજનો સાથે છે. જેમણે આ અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે એમનાં દિવંગત આત્માને પરમપિતા પરમેશ્વર શાંતિ પ્રદાન કરે અને ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય એવી પ્રાર્થના કરું છું.



હર્ષ સંઘવીએ ટ્વીટ કર્યું
હર્ષ સંઘવીએ ટ્વીટ કરી લખ્યું કે, બાવળા-બગોદરા હાઈવે પર ટેન્કર અને ટ્રક વચ્ચે સર્જાયેલી અકસ્માતની દુર્ઘટના અત્યંત દુઃખદ અને હૃદય વિદારક છે. પ્રભુ આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ સદ્દગતની આત્માઓને શાંતિ અને ઈજાગ્રસ્તોને ત્વરિતપણે સ્વાસ્થ્ય લાભ પ્રદાન કરે તેવી પ્રાર્થના. ૐ શાંતિ...



કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ દુખ વ્યક્ત કર્યું
કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું કે, ચોટીલાથી દર્શન કરી પરત ફરતા બગોદરા બાવળા હાઇવે પર અકસ્માત થતાં ૧૦ શ્રધ્ધાળુ નાં અવસાન થયાના સમાચાર જાણી ખુબ જ દુઃખની લાગણી અનુભવું છું. ઇશ્વર દિવંગત આત્માને શાંતિ અર્પે અને તેમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ અર્પે તે જ પ્રાર્થના.... ઓમ શાંતિ....


શક્તિસિંહ ગોહિલે સરકાર સામે ઉઠાવ્યા સવાલ
શક્તિ સિંહ ગોહિલે પણ અકસ્માત અંગે ટ્વિટ કરી દુખ વ્યક્ત કર્યું છે. સાથે સાથે તેમણે સરકારને આડે હાથ લીધી છે. તેમણે લખ્યું કે, મોટા દુઃખદ સમાચાર, રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે આવી જ એક અકસ્માતની વધુ એક ઘટના બની છે. મળતી માહિતી મુજબ અમદાવાદના બાવળા બગોદરા નજીક અકસ્માત સર્જાયો છે. બાવળા બગોદરા નજીક ટ્રક પાછળ મીની ટ્રક ઘુસી જતા અકસ્માતની ઘટના બની છે. આ ગંભીર અકસમાતમાં 10 વ્યક્તિના ઘટના સ્થળે મોત થયા છે. તેમજ અન્ય 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. સદગતને શ્રદ્ધાંજલિ અને આ મુશ્કેલ સમયમાં તેમના પરિવાર અને પ્રિયજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે તે માટે પ્રાર્થના. અમદાવાદથી રાજકોટ હાઇવે ઉપર બ્રિજ અને રસ્તાના રિપેરીંગના કામો લાંબા સમયથી ચાલી રહ્યા છે જેના કારણે પણ આ હાઇવે જોખમી બનેલ છે. સરકાર આ બાબત ગંભીરતાથી લેશે તેવી વિનંતી.



મૃતકના નામ
1. રઈબેન માઘાભાઈ ઝાલા (ઉં.40 સુંઘલા)
2. પ્રહલાદભાઈ મહેન્દ્રભાઈ ઝાલા (ઉં. 30 રહે. સુંઘલા)
3. વિશાલ હિંમતભાઈ ઝાલાૉ (ઉં. 12)
4. અભેસિંગભાઈ સોલંકી (ઉં. 55)
5. જાનકી જેસંગભાઈ સોલંકી(બાળક)
6. વૃશ્ટીકા હિંમતભાઈ ઝાલા,(બાળક રહે. સુંઘલા)
7. કાન્તાબેન જુવાનસિંહ ઝાલા (ઉં. આશરે 45)
8. ગીતાબેન હિંમતભાઈ ઝાલા (ઉં. આશરે 35)
9 શાન્તાબેન અભેસિંગભાઈ સોલંકી (ઉં. 50)
10. લીલાબેન બાલાજી પરમાર (ઉં. આશરે 55)


શું હતી સમગ્ર ઘટના
છોટા હાથીની અંદર આગળ 3 લોકો અને પાછળ 10 લોકો બેઠા હતા, જેમાંથી 10 મુસાફરોના મોત નિપજ્યા છે. તેમજ 3 ઘાયલોને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા છે. 10 લોકોના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજતા વાતાવરણમાં ગમગીની છવાઈ ગઈ છે. આ તમામ લોકો ચોટીલાથી દર્શન કરી પરત ફરી રહ્યા હતા. તમામ કપડવંજના સુણદા ગામના વતની હોવાનું સામે આવ્યું છે. અકસ્માતને પગલે બાવળા બગોદરા હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો છે.


અકસ્માતની વિગતો એવી છે કે, કપડવંજ અને બાલાસિનોરના 17 લોકો છોટા હાથીના લોડિંગ ટેમ્પોમાં બેસીને ચોટીલા દર્શન કરવા માટે ગયા હતા. ત્યાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે બાવળા-બગોદરાની વચ્ચે એક ટ્રક પંચર થયેલી ઊભી હતા. ત્યારે અચાનક ઊભેલી ટ્રકની પાછળ આ લોડિંગ ટેમ્પો ઘૂસી જતા ઘટનાસ્થળે 10 લોકોએ દમ તોડી દીધો હતો.