અલકેશ રાવ/બનાસકાંઠા :સૂકો ભઠ્ઠ બનાસકાંઠા જિલ્લો લીલોછમ બને તે માટે છેલ્લા 5 વર્ષથી બનાસડેરીએ વૃક્ષારોપણનું મહાઅભિયાન હાથ ધર્યું છે. તે અંતર્ગત પર્વતો ઉપર વધુ વૃક્ષોનું વાવેતર થાય તે માટે બનાસડેરી દ્વારા ગામડાઓમાં 20 લાખ જેટલા સિડ્સબોલ બનાવવાનું શરૂ કરાયું છે. જે 5 જૂને અલગ-અલગ ટુકડીઓ દ્વારા પહાડો અને જંગલ વિસ્તારમાં તેનું પ્રત્યારોપણ કરાશે. જેથી આગામી સમયમાં વરસાદ સમયે સીડબોલમાંથી વૃક્ષ અંકુરણ થઈ શકે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખેતી અને પશુપાલન માટે મુખ્ય સ્ત્રોત પાણી છે. પાણી વિના ખેતી અને પશુપાલન થઈ શકે તેવી કોઈ શક્યતા નથી. એશિયાની સૌથી મોટી બનાસ ડેરીએ આગામી સમયમાં જિલ્લામાં પાણીની અછત ન સર્જાય અને જિલ્લો હરિયાળો બને તે માટે દર વર્ષે વૃક્ષારોપણ કરી લાખો વૃક્ષોનું વાવેતર કરે છે. બનાસકાંઠાના અરવલ્લીની ગિરિમાળામાં આવેલા પહાડો ઉપર વૃક્ષોની સંખ્યા ઘટી રહી છે. જેથી પહાડો ઉપર લીલોતરી ઘટી ગઈ છે. જેને લઈને પહાડો અને જંગલ વિસ્તારોમાં વધુ વૃક્ષોનું વાવેતર થઈ શકે તે માટે બનાસ ડેરી દ્વારા અનેક ગામોમાં ગામલોકોને સહયોગ દ્વારા ગાય અને ભેંસના છાણ અને કાંપવાળી માટીમાંથી 20 લાખ જેટલા સિડ્સબોલ બનાવવાનું શરૂ કરાયું છે, આ સિડ્સબોલમાં અલગ-અલગ પ્રકારના વૃક્ષોના બીજ મૂકીને તેને પેક કરવામાં આવી રહ્યા છે, જે તમામ સિડ્સબોલને 5 જૂને જેસોર પર્વત સહિત અનેક પહાડો અને જંગલ વિસ્તારમાં અલગ-અલગ ટુકડીઓ બનાવીને તેને ફેંકવામાં આવશે. સીડ બોલ પર આગામી સમયમાં વરસાદ પડતાં જ સિડ્સબોલની માટી ઢીલી થઈને તેમાં રહેલા બીજ અંકુરિત થશે અને નવા છોડ સજીવન થશે. જેથીને પહાડો હરિયાળા બનશે. પહાડો ઉપર લીલોતરી અને વધુ વૃક્ષો થતાં આ વિસ્તારમાં વધારે વરસાદ પડશે અને પાણીનું સંકટ ઓછું થશે.



આ વિશે બનાસ ડેરીા ચેરમેન શંકર ચૌધરીએ જણાવ્યુ કે, પહાડો ઉપર મોટાપાયે વૃક્ષારોપણ થાય તે માટે બનાસ ડેરી દ્વારા 20 લાખ સિડ્સબોલ બનાવવામાં આવી રહ્યા છે, જે પહાડો ઉપર ફેંકાશે જે વરસાદ આવતા જ અંકુરિત થશે.



છેલ્લા કેટલાય સમયથી જંગલ વિસ્તારમાં પણ જંગલી પ્રાણીઓનો ખોરાક મળી રહે તે પ્રકારના વૃક્ષોની સંખ્યા ઘટી છે. જેને લઈને ખોરાકની શોધમાં જંગલી પ્રાણીઓમાં માનવ વસાહતમાં આવતા અનેક લોકો ઉપર જંગલી પ્રાણીઓના હુમલાની પણ ઘટનાઓ બની રહી છે. જેને લઈને આવું ન થાય તેમજ જંગલ અને પહાડો હરિયાણા બને તે માટે બનાસ ડેરી સાથે મળી બનાસકાંઠાના અનેક ગામડાઓના લોકો સીડબોલ બનાવી વધુમાં વધુ વૃક્ષારોપણ થાય તે માટેના પ્રયત્નો કરી રહ્યા છે.



સ્થાનિક લોકોનુ કહેવું છે કે વૃક્ષારોપણથી વરસાદની અનિયમિતતા ઓછી થશે અને જિલ્લો હરિયાળો બનશે. બનાસડેરી દ્વારા વૃક્ષારોપણ અભિયાન હાથ ધરાયુ છે જેને લઈને અમે સિડ્સબોલ બનાવી રહ્યા છીએ. સ્થાનિક મહિલા સૂર્યાબેન ત્રિવેદી જણાવે છે કે, અમે 40 જેટલી બહેનો સિડ્સબોલ બનાવી રહ્યા છીએ. અન્ય લોકો પણ આવા બોલ બનાવે અને પહાડો અને બંઝર જમીનમાં ફેંકે. 


બનાસકાંઠા જિલ્લામાં સૌથી મોટો પ્રશ્ન વરસાદની અછત અને ઉંડા જતા ભૂગર્ભ જળ છે. જે વચ્ચે બનાસ ડેરીનું વૃક્ષારોપણ અભિયાન અને જળ સંચય અભિયાન આગામી સમયમાં પાણીની તંગી દૂર કરશે. તેમજ સૂકા ભઠ્ઠ વિસ્તારને લીલોછમ બનાવશે.