અહીં પુરુષો ઘાઘરો પહેરીને કરે છે ગરબા, જાણો 150 વર્ષ પહેલા કેવી રીતે પડી આ અનોખી પરંપરા
Navratri 2022 : બનાસકાંઠાના એક નાનકડા ગામમાં પુરુષો ઘાઘરા પહેરીને ગરબા કરે છે, જે પાછળ 150 વર્ષથી ચાલી આવતી એક પ્રથા છે. કહેવાય છે કે ગામમાં ફાટી નીકળેલા રોગચાળાને કારણે પુરુષો આ રીતે ગરબા કરે છે અને માતાજીની ભક્તિ કરે છે
અલકેશ રાવ/બનાસકાંઠા :નવરાત્રિના તહેવાર દરમ્યાન શહેર હોય કે ગામડું તમામ જગ્યાએ તમે ગરબાના આયોજન થતા તો જોયા હશે. પરંતુ આ ગરબાઓમાં કોઈ પુરૂષોને મહિલાના વેશ ગરબે ઘુમતા હોય તેવું નહીં જ જોયુ હોય. ત્યારે બનાસકાંઠા જિલ્લાનું એક ગામ એવું છે જ્યાં પુરુષો મહિલાઓનો પોષાક ધારણ કરી નોરતીયા બની ગરબે ઘૂમે છે. તો આ ગરબામાં કોઈ મહિલાઓ ગરબે ઘૂમી શક્તી નથી. મહિલાઓ ફક્ત બેસીને ગરબા નિહાળે છે. આવું તો કયું ગામ છે અને શું કારણોસર પુરુષો મહિલાઓનો વેશ ધારણ કરે છે તે જાણવા જેવું છે.
મહિલાઓ પુરુષોને બેસીને ગરબે ઘૂમતા જુએ છે
નવરાત્રિના તહેવારની ઉજવણી શહેરી વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તાર લોકો ધામધૂમપૂર્વક કરતા હોય છે. આ તહેવાર દરમ્યાન ઠેર ઠેર ડીજે તેમજ ઑરકેસ્ટ્રાના તાલે લોકો ગરબે ઘૂમતા હોય છે. પરંતુ બનાસકાંઠા જિલ્લાનું વડગામ તાલુકાના જલોત્રા ગામ કે જ્યાં ઠાકોર સમાજના યુવાનો દ્વારા થતી નવરાત્રિ આજે પણ 151 વર્ષો જૂની પરંપરા મુજબ થાય છે. જેમાં ન તો ડીજે હોય છે, ન તો ઓરકેસ્ટ્રા. ગામના જ યુવાનો ગરબા ગાય છે અને દેશી ઢોલના તાલે ગામના પુરુષો મહિલાઓનો વેશ ધારણ કરી ગરબા કરે છે. તો કેટલાક પુરુષો નોરતીયા બની હાથમાં મોર પીંછ રાખી ગરબે ઘૂમે છે. આ નવરાત્રિમાં કોઈ મહિલા ગરબે ઘૂમતી નથી. મહિલાઓ ફક્ત બેસીને પુરુષોને ગરબે રમતા જુએ છે.
રોગચાળાને કારણે પુરુષો આવી રીતે ગરબા કરે છે
એક ખેલૈયાએ અજય ઠાકોર જણાવે છે કે, અમારા ગામમાં વર્ષોથી આ પ્રકારે નવરાત્રી થાય છે. જેમાં અમે આવા વસ્ત્રો પહોરીને નાચીએ છીએ. તો સ્થાનિક અગ્રણી અરવિંદભાઈએ આ પ્રકારના ગરબા પાછળનું કારણ જણાવ્યું. તેમણે કહ્યું કે, 151 વર્ષ પહેલા અમારા ગામમાં રોગચાળો ફાટી નીકળ્યો હતો ત્યારથી અમારા ગામમાં અમે આ નવરાત્રી યોજીએ છીએ.
આ ગરબા પાછળની પ્રથા
કહેવાય છે કે, 150 વર્ષ પહેલાં જલોતરા ગામમાં ભારે રોગચાળો ફાટી નીકળ્યો હતો. અને તે સમયે ગામમાં મનુષ્ય સહિત ઢોર ઢાંખર પણ રોગચાળામાં સપડાયાં હતાં. ગામ પર મોટી આફત આવી ઊભી હતી તે સમયે ગામના લોકોએ અનેક બચાવ કામગીરી હાથ ધરી હતી. જોકે તે સમયે એક વિદ્વાન દ્વારા ગામના આ સમાજના લોકોને નવરાત્રિના તહેવારની ઉજવણી સંદર્ભે પુરુષો મહિલાઓનો વેશ ધારણ કરી ગરબે ઘુમે અને આ નવરાત્રિમાં મહિલાઓ ગરબે ઘુમે તેવું કહેવામાં આવ્યું. તે દિવસથી જ શરૂ થઇ આ અનોખી નવરાત્રીની પ્રથા. આ નવરાત્રિને 151 વર્ષ વીતી ગયાં છતાં પણ આ સમાજના લોકોએ આ પરંપરા હજુ પણ જાળવી રાખી છે. જો કે આ આધુનિક યુગમાં 151 વર્ષ જૂની આ અનોખી નવરાત્રી આકર્ષણનું કેન્દ્ર બની છે. આ નવરાત્રીને જોવા ફક્ત જલોત્રા ગામના જ નહિ પણ દૂર દૂરના વિસ્તારોના લોકો પણ અહીં આવે છે.