ડીસામાં 24 વર્ષથી વારસાઈ જંગ : પહેલા પિતા અને હવે પુત્રો સામસામે મેદાને ઉતર્યાં
Gujarat Elections 2022 : આ વખતે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારી અને ભાજપના પૂર્વ ધારાસભ્ય સ્વર્ગસ્થ ગોરધનજી માળીના પુત્રોને ભાજપ અને કોંગ્રેસે સામસામે ઉતારતા ડીસાની ચૂંટણી રસપ્રદ ચૂંટણી બની
Gujarat Elections 2022 અલકેશ રાવ/બનાસકાંઠા :બનાસકાંઠા જિલ્લાના ડીસામાં વિધાનસભાની ચૂંટણીને લઇ ભાજપે પ્રવીણ માળી અને કોંગ્રેસે સંજય રબારી (દેસાઈ)ને ટિકિટ આપી ઉમેદવાર બનાવ્યા છે. જોકે આ બેઠક પર વારસાઈ જંગ ચાલી આવ્યો છે. આ બંને ઉમેદવારોના પિતાઓ પણ એકબીજા સામે ચૂંટણી લડી ચૂક્યા છે. આ બંને ઉમેદવારોના પિતાઓ ભાજપ અને કોંગ્રેસમાં અગાઉ 2 વખત સામ સામે ચૂંટણી લડી એક-એક વાર ધારાસભ્ય બની ચૂક્યા છે. જોકે આ વખતે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારી અને ભાજપના પૂર્વ ધારાસભ્ય સ્વર્ગસ્થ ગોરધનજી માળીના પુત્રોને ભાજપ અને કોંગ્રેસે સામસામે ઉતારતા ડીસાની ચૂંટણી રસપ્રદ ચૂંટણી બની છે.
આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ બનાસકાંઠા જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છૅ. ભાજપે તમામ બેઠકો પરથી ઉમેદવારો જાહેર કરી દીધા છે. જોકે કોંગ્રેસ દ્વારા હજુ સુધી એક જ ડીસા બેઠક પરથી જ પોતાનો ઉમેદવાર જાહેર કર્યો છે. ભાજપે ડીસામાં ઉમેદવાર તરીકે પૂર્વ ધારાસભ્ય ગોરધનજી માળીના પુત્ર પ્રવીણ માળીને ટિકિટ આપી છે, તો સામે કોંગ્રેસે પણ પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારીના પુત્ર સંજય રબારીને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. મહત્ત્વની વાત એ છે કે પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારી અને પૂર્વ ધારાસભ્ય ગોરધનજી માળી અગાઉ 1998 અને તે બાદ વર્ષ 2002 માં સામસામે ચૂંટણી લડ્યા હતા, જેમાં વર્ષ 1998 માં ગોરધનજી માળીનો ગોવાભાઈ રબારી સામે ભાજપમાંથી વિજય થયો હતો. જો કે તે બાદ વર્ષ 2002 ની ચૂંટણીમાં ભાજપમાંથી ગોરધનજી માળી સામે કોંગ્રેસના ગોવાભાઈ રબારીનો વિજય થયો હતો.
જોકે આ વખતેના ડીસાના બંને ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારના પિતાઓ અગાઉ ભાજપ અને કોંગ્રેસમાંથી સામ સામે ચૂંટણી લડી એક-એક વાર ધારાસભ્ય રહી ચુક્યા છે, તો આ વખતે 2022 ની ચૂંટણીમાં બંને પૂર્વ ધારાસભ્યોના પુત્રો પ્રવીણ માળી અને સંજય રબારી સામસામે આવતા ડીસાની ચૂંટણી રસપ્રદ ચૂંટણી બની છે. જોકે કોંગ્રેસના ઉમેદવાર સંજય રબારી પોતાના પિતા અને પોતાના કામોને જોતા ડીસાની પ્રજા તેમને વિજયી બનાવશે તેવો દાવો કરી રહ્યા છે, તો પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારી પણ પોતાના પુત્રની જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે.
કોંગ્રેસના ઉમેદવાર સંજય રબારીએ કહ્યું કે, મારા પિતા ધારાસભ્ય હતા એટલે તેમણે આ વિસ્તાર માટે અનેક કામો કર્યા હતા મારી જીત ચોક્કસ થશે. તો પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારી કહે છે કે, મને આ વિસ્તારના લોકોનો ખૂબ જ સાથ મળ્યો છે અને હવે મારા પુત્રને પણ મળશે.
તો બીજી તરફ ભાજપના ઉમેદવાર અને ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રવીણ માળી કોંગ્રેસને દિશાહિન પાર્ટી હોવાનું કહી ડીસાની પ્રજા તેમને જીતાડશે તેવો દાવો કરી રહ્યા છે અને જીતની ડીસાનો વિકાસ આગળ વધારવાની વાત કરી રહ્યા છે.
જોકે અત્યારે તો બન્ને ઉમેદવારો પોતાની જીતના દાવાઓ કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસ ઉમેદવારને તેમના પિતા પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારીનો ભરપૂર સાથ મળી રહ્યો છે તો સામે પક્ષે ભાજપના પ્રવીણ માળી ભાજપ સરકારના વિકાસમાં કામો ઉપર પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે, ત્યારે 8 ડીસેમ્બરે ચૂંટણીનું પરીણામ આવતા ડીસાની પ્રજા બંન્ને પૂર્વ ધારાસભ્યોના પુત્રોમાંથી કોના પુત્રને ડીસાના ધારાસભ્ય બનાવે છે તે જોવાનું રહ્યું.