• બાળકોના ઘડતરની સાથે કોરોનાની મહામારીના કપરા સમયમાં લોકોમાં જાગૃતિ લાવવા ઉનાળાના ધોમધખતા તાપમાં રમીલાબેન ફરે છે 

  • હાલ શાળાઓમાં ઉનાળું વેકેશન છે, પરંતું ગામ અને દેશ માટે કોરોનાના કપરા સમયમાં કંઇક કરી છૂટવાની તમન્ના તેઓ ધરાવે છે


અલ્કેશ રાવ/બનાસકાંઠા :મહાન અર્થશાસ્ત્રી, રાજનીતિજ્ઞ ચાણક્યે સાચું જ કહ્યું છે કે, શિક્ષક ક્યારેય સાધારણ હોતો નથી, પ્રલય અને નિર્માણ તેમના ખોળામાં વિકસે છે. આ સૂત્રને જીવનમાં ચરિતાર્થ કર્યુ છે બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાની લાડુલા પ્રાથમિક શાળાના શિક્ષિકા અને આચાર્ય રમીલાબેન મકવાણાએ. જી, હા તેઓ બાળકોના ઘડતરની સાથે કોરોનાની આ વૈશ્વિક મહામારીના કપરા સમયમાં લોકોમાં જાગૃતિ લાવવા ઉનાળાના ધોમધખતા તાપમાં ભાભર તાલુકાના ગામડાઓ ખુંદીને લોકોમાં જાગૃતિ લાવી રહ્યાં
છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલ કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ છે ત્યારે લોકોમાં જાગૃતિ આવે અને લોકો કોરોના સંક્રમણનો ભોગ ન બને તે માટે આ વાયરસના સંક્રમણને રોકવા માટે લોકજાગૃતિ અતિ આવશ્ય છે. આપણી શિક્ષણ જગતની પરંપરા રહી છે કે શિક્ષક હંમેશા ગામ અને સમાજને માર્ગદર્શન આપતા રહ્યાં છે. મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના નગવાડા ગામના વતની રમીલેબેને બનાસકાંઠાને પોતાની કર્મભૂમિ બનાવી છે. શિક્ષણની સુવાસ ફેલાવી રહેલા આચાર્ય રમીલાબેને મુખ્યમંત્રી વિજય રૂપાણીના અભિયાનને સફળ બનાવવા મારું ગામ કોરોના મુક્ત ગામ બને, મારો તાલુકો કોરોના મુક્ત તાલુકો બને, તેવી જ રીતે જિલ્લો, રાજ્ય અને આ રાષ્ટ્ર્ કોરોનામુક્ત બને તે માટે તેમણે અભિયાન આદર્યું છે. 


આ પણ વાંચો : સુરતમાં મ્યુકોરમાઈકોસિસ જીવલેણ બન્યો, 20 દર્દીએ આંખોની રોશની ગુમાવી


આમ, તો હાલ પ્રાથમિક શાળાઓમાં ઉનાળું વેકેશન છે, પરંતું ગામ અને દેશ માટે કોરોનાના કપરા સમયમાં કંઇક કરી છૂટવાની તમન્ના તેઓ ધરાવે છે. આથી રમીલાબેન વેકેશનમાં માદરે વતન જઇ રજાઓ માણવાના જવાના બદલે પોતાની કર્મભૂમિના સ્થળે રહીને એક સમાજસેવી શિક્ષિકા તરીકે સમાજ સેવાની સાધના કરી રહ્યાં છે. પોતાના સ્વ-ખર્ચમાંથી ઇકો ગાડીમાં મોબાઈલ વાન તૈયાર કરાવ્યું છે, જેમાં કોરોના પ્રત્યે લોક જાગૃતિ દર્શાવતા સ્લોગન લખેલા બેનરો લગાવી તેમજ માઈક બાંધીને લોકોમાં જાગૃતિ લાવવા ભાભર તાલુકાના 53 જેટલાં ગામોનો પ્રવાસ કરે છે.



ગામના સરપંચ અને આગેવાનોને મળી કોરોનાની આ મહામારીથી બચવા શું કરવુ તે સમજાવે છે. સાથે જ કહે છે કે, અફવાઓથી દૂર રહો અને સરકાર દ્વારા વખતોવખત આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા તેમણે ગ્રામવાસીઓને પોતાના પ્રવાસ દરમ્યાન ભાવભરી અપીલ પણ કરી છે. લાડુલા પ્રાથમિક શાળાના આચાર્ય રમીલાબેન મકવાણા લવાજમ વગરના મુખપત્ર "બાલ તરંગ" ઈ મેગેઝીનનાં તંત્રી પણ છે. આ કામગીરી એક કોરોના યોદ્ધા તરીકે વીરાંગનાની જેમ રમીલાબેન મકવાણા કરી રહ્યાં છે. જેની ભાભર પંથકના લોકો નોંધ લઇ તેમને અભિનંદન પાઠવી તેમની આ કામગીરીને બિરદાવી રહ્યાં છે.