બનાસકાંઠાઃ કાંકરેજના ફતેપુરામાં તળાવમાં ડૂબી જવાથી ત્રણ વિદ્યાર્થીઓના મોત
કાંકરેજ તાલુકાની ફતેપુરા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ત્રણ બાળકોના ડૂબી જવાથી મોત થયા છે.
અલ્કેશ રાવ, બનાસકાંઠાઃ બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ફતેપુરા ગામે તળાવમાં ડૂબી જવાથી ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા છે. શાળા છૂટ્યા બાદ તળાવ પાસે વિદ્યાર્થીઓ કુદરતી હાજતે ગયા હતા. આ દરમિયાન એક બાળકનો પગ લપસી જતા તે તળાવમાં પડ્યો હતો. આ દરમિયાન બે વિદ્યાર્થીઓ તેને બચાવવા જતાં તે પણ તળાવમાં ડૂબી ગયા હતા. ડૂબી જવાને કારણે ત્રણેય બાળકોના મોત થયા છે.
ત્રણેય વિદ્યાર્થીઓ તળાવમાં ડૂબી ગયા
પ્રાપ્ત વિગત અનુસાર ફતેપુરા ગામમાં ત્રણ વિદ્યાર્થીઓ શાળાએથી છૂટ્યા બાદ ડૂબી જવાને કારણે મોતને ભેટ્યા છે. ધોરણ 3માં અભ્યાસ કરતા શૈલેષજી ઠાકોર અને કિશન ઠાકોરનું મોત થયું છે. જ્યારે ધોરણ 8માં અભ્યાસ કરતા શૈલેષ પરમારનું પણ ડૂબી જવાથી મોત થયું છે. ત્રણેય વિદ્યાર્થીના મોતના સમાચાર મળતા ગામમાં ફરેરાટી ફેલાઈ હતી.
આ પણ વાંચોઃ જ્ઞાન સહાયક અને ખેલ સહાયકની કરાર આધારિત ભરતીની જાહેરાત, આટલો મળશે પગાર
મૃત્યુ પામેલા ત્રણેય વિદ્યાર્થીઓ તેરવાડા ગામના વતની છે. આ બાળકો ફતેપુરાની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા હતા. સ્થાનીક તરવૈયાઓએ ત્રણેય બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. ત્રણેય બાળકોના મૃતદેહ દિયોદરની રેફરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા છે. જ્યારે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube