બરોડા ડેરી ડિરેક્ટરની ચૂંટણીમાં ભાજપે સત્તા મેળવી, 6 બેઠક પર જીત
બરોડા ડેરીના ડિરેક્ટરની 7 બેઠક માટે યોજાયેલી ચૂંટણીની આજે મતગણતરી હાથ ધરાઈ હતી. જેમાં 6 બેઠક પર ભાજપ પ્રેરિત પેનલના ઉમેદવારો જીત્યા છે. જ્યારે એક બેઠક પર અપક્ષ ઉમેદવારનો વિજય થયો છે. બરોડા ડેરીમાં સતત ત્રીજી વખત ભાજપ પ્રેરિત પેનલે સત્તા હાંસલ કરી છે.
રવિ અગ્રવાલ/વડોદરા :બરોડા ડેરીના ડિરેક્ટરની 7 બેઠક માટે યોજાયેલી ચૂંટણીની આજે મતગણતરી હાથ ધરાઈ હતી. જેમાં 6 બેઠક પર ભાજપ પ્રેરિત પેનલના ઉમેદવારો જીત્યા છે. જ્યારે એક બેઠક પર અપક્ષ ઉમેદવારનો વિજય થયો છે. બરોડા ડેરીમાં સતત ત્રીજી વખત ભાજપ પ્રેરિત પેનલે સત્તા હાંસલ કરી છે.
બરોડા ડેરીની ડિરેક્ટરની 13 બેઠકો છે, જેમાં ચૂંટણી પહેલા 6 બેઠકો બિનહરીફ થઈ હતી. જ્યારે 7 બેઠક પાદરા, વડોદરા, શિનોર, સાવલી, ડેસર, ડભોઇ અને સંખેડા બેઠક પર ચૂંટણી થઈ. 99.49 ટકા જેટલુ ચૂંટણીમાં મતદાન થયું. જેની આજે મતગણતરી હાથ ધરાઈ હતી. મતગણતરીની શરૂઆતથી જ ભાજપ પ્રેરિત પેનલના ઉમેદવારો વિજય થવા લાગ્યા. જેમાં પાદરા ઝોનમાં દિનેશ પટેલ, વડોદરા ઝોનમાં શૈલેષ પટેલ, શિનોર ઝોનમાં જ્યોતિન્દ્ર સિંહ પરમાર, સાવલી ઝોનમાં રામસિંહ વાઘેલા, ડેસર ઝોનમાં કુલદીપસિંહ રાઉલજી, ડભોઇ ઝોનમાં અપક્ષ ઉમેદવાર દીક્ષિત પટેલ, સંખેડા ઝોનમાં રમેશ બારીયાનો વિજય થયો છે. અગાઉ ભાજપ પ્રેરિત પેનલના 2 ઉમેદવારો અને કોંગ્રેસ પ્રેરિત પેનલના 4 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા. આમ બરોડા ડેરીમાં 13 બેઠકમાં 8 બેઠક ભાજપ, 4 બેઠક કોંગ્રેસ અને 1 બેઠક અપક્ષ ઉમેદવાર જીત્યા છે. વર્તમાન બોર્ડના 11 ઉમેદવારો ફરીથી ચૂંટણી જીતીને આવ્યા છે, જ્યારે 2 ઉમેદવારો નવા છે. મહત્વની વાત છે કે ચૂંટણી જીત્યા બાદ સાવલી ઝોનના વિજેતા ઉમેદવાર રામસિંહ વાઘેલા ડેરીના ઉપપ્રમુખ જીબી સોલંકીને ગળે ભેટીને રડવા લાગ્યા હતા. ભાવુક થયેલા જોઈને જીબી સોલંકીએ તેમને શાંત પાડ્યા હતા. બરોડા ડેરીની ચૂંટણીમાં અધિકારીઓ કર્મચારીઓ અને પોલીસ સતત ખડેપગે રહ્યા હતા. કોઈપણ પ્રકારના વિવાદ વિના બરોડા ડેરીની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈને પૂર્ણ થઈ હતી.
ક્યાં ઝોનમાં કોણે કેટલા મત મળ્યા
પાદરા ઝોન 1
- દિનેશ પટેલ- 68 મત મળ્યા ( ભાજપ )
- નરેન્દ્ર મુખી પટેલ - 19 મત ( કોંગ્રેસ )
વડોદરા ઝોન 3
- શૈલેષ પટેલ - 58 મત ( ભાજપ )
- જસવંત પઢિયાર - 18 મત ( કોંગ્રેસ )
શિનોર ઝોન 4
- જ્યોતીન્દ્ર સિંહ પરમાર - 51 મત ( ભાજપ )
- નરેન્દ્ર પટેલ - 19 મત ( કોંગ્રેસ )
- સંજય પટેલ - 14 મત ( અપક્ષ )
સાવલી ઝોન 5
- રામસિંહ વાઘેલા - 65 મત ( ભાજપ )
- નરેન્દ્ર સિંહ પરમાર - 20 મત ( અપક્ષ )
ડેસર ઝોન 6
- કુલદીપ સિંહ રાઉલજી - 75 ( ભાજપ )
- ખોડાભાઈ ગોહિલ - 11 ( અપક્ષ )
ડભોઇ ઝોન 8
- દીક્ષિત પટેલ - 64 મત ( અપક્ષ )
- દિલીપ પટેલ - 20 મત ( ભાજપ )
સંખેડા ઝોન 9
- રમેશ બારીયા - 59 ( ભાજપ )
- સુરતિયા નરેન્દ્રસિંહ - 14 ( અપક્ષ )
- અજીતસિંહ ઠાકોર - 11 ( અપક્ષ )
બિનહરીફ વિજેતા થયેલ ઉમેદવાર
- સતીશ નિશાળિયા પટેલ - કરજણ
- સતીશ મકવાણા ( રાજુ અલવા ) - વાઘોડિયા
- કૃપાલ સિંહ મહા રાઉલ - બોડેલી
- ગણપતસિંહ સોલંકી - નસવાડી
- રણજીત રાઠવા - પાવી જેતપુર
- સંગ્રામ રાઠવા - છોટાઉદેપુર
રેલી કાઢીને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડ્યા
બરોડા ડેરીમાં ભાજપ પ્રેરિત અને કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારો જીત્યા બાદ રેલી કાઢવામાંઆવી હતી. ખુલ્લી જીપમાં સવાર થઈને ડેરીના હાલના પ્રમુખ અને વિજેતા ઉમેદવાર દિનુ મામાએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો હતો. તેઓએ માસ્ક પહેર્યા વગર રેલી કાઢી હતી. રેલીમાં ઢોલ નગારા વગાડ્યા, ફટાકડા ફોડયા અને લોકોની ભારે ભીડ ભેગી કરીને કોરોના નિયમોના ધજાગરા ઉડાડ્યા હતા. મહત્વની વાત છે કે, પોલીસની હાજરીમાં જ તમામ નિયમો નેવે મૂકાયા અને પોલીસ મૂકદર્શક બનીને જોતી રહી હતી. નિયમોનું પાલન ન કરનારા દિનુ મામાએ શરમ કરવાના બદલે વિજય સરઘસને નિયમો લાગુ નથી પડતાં તેવો ઉડાઉ જવાબ આપ્યો હતો.