રવિ અગ્રવાલ/વડોદરા: વાઘોડિયા ગામમાં વિધાનસભા ચૂંટણી પહેલાં દશેરાના બહાને બાહુબલી નેતાઓએ શક્તિપ્રદર્શન કર્યું, જેમાં તલવારો સાથે બંને બાહુબલી નેતાઓના સમર્થકો રેલીમાં જોડાયા હતા. બંનેએ ચૂંટણીમાં પોત પોતાની જીતના દાવા કર્યા હતા. દશેરા નિમિત્તે વડોદરાના વાઘોડિયામાં બાહુબલી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અને બાહુબલી સામાજિક આગેવાન ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ મહારેલી કાઢી, સાથે જ બંનેએ મહાશસ્ત્ર પૂજનનું પણ આયોજન કર્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વની વાત છે કે બંને બાહુબલી નેતાઓએ વાઘોડિયા વિધાનસભા બેઠક જીતવા અત્યારથી જ શક્તિપ્રદર્શન કરવાની શરૂઆત કરી દેતાં મતદારો પણ મૂંઝવણમાં મુકાયા છે. ભાજપ અને મધુ શ્રીવાસ્તવ દ્વારા કાઢવામાં આવેલી રેલી અને શસ્ત્ર પૂજન કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ ખાસ જોડાયા હતા. મંત્રી દેવુસિંહ મધુ શ્રીવાસ્તવ સાથે ખુલ્લી જીપમાં બેસીને રેલી સ્વરૂપે વાઘોડિયા ગામમાં ફર્યા. દેવુસિંહ ચૌહાણે કહ્યું કે આજે વિજયનો દિવસ છે, આગામી સમયમાં ભાજપનો વિજય નિશ્ચિત છે. દશેરાના પર્વને રાજકીય હાથો ન બનાવવાની પણ ટકોર દેવુસિંહએ કરી હતી, તો મધુ શ્રીવાસ્તવએ કહ્યું કે ભાજપ હિન્દુઓનું રક્ષણ કરે છે, એટલે આજે શસ્ત્રપૂજન કાર્યક્રમ રાખ્યો, મને વાઘોડિયાથી ફરી ટિકિટ મળશે, 40 હજાર મતથી હું જીતીશ, જ્યારે ભાજપ 150 થી વધુ બેઠકો જીતશે.



સામાજિક આગેવાન અને ગત ચૂંટણીમાં મધુ શ્રીવાસ્તવ સામે હારનારા ધર્મેન્દ્રસિંહ વાઘેલા આ વખતે વધુ જોશથી મહેનત કરી રહ્યા છે. તેમને પણ મોટી સંખ્યામાં લોકો સાથે રેલી કાઢી, સાથે જ શસ્ત્ર પૂજન પણ કર્યું. મહત્વની વાત છે કે ધર્મેન્દ્રસિંહની રેલીમાં ભાજપ નેતા અને જિલ્લાના પૂર્વ ભાજપ પ્રમુખ દિલુભા ચુડાસમા જોડાતા આશ્ચર્ય ફેલાયું. ભાજપ નેતા હોવા છતાં દિલુભા ચુડાસમા ભાજપની રેલીમાં ન જોડાતા અનેક અટકળો વહેતી થઈ છે. ત્યારે ધર્મેન્દ્રસિંહએ હુંકાર કર્યો કે વાઘોડિયાનો બાહુબલી કોણ છે તેનો નિર્ણય જનતા કરશે. તેમજ વાઘોડિયાની જનતા તેમની સાથે હોવાનો દાવો પણ કર્યો હતો.


મહત્વની બાબત છે કે ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને મધુ શ્રીવાસ્તવ ગત 2017ની વિધાનસભા ચૂંટણીમાં સામસામે લડ્યા હતા, આ વખતે પણ બંને સામસામે લડે તેવી પ્રબળ શક્યતાઓ છે, ત્યારે અત્યારથી જ દશેરાના બહાને બંને બાહુબલી નેતાઓ પોતાની તાકાતનો પરચો બતાવી ક્ષત્રિય મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે..