Ahmedabad ની ધનવંતરી હોસ્પિટલ બહાર બેડ ખાલીના માર્યા બોર્ડ, ICU માં એક પણ બેડ નથી ખાલી
દેશભરમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે પરંતુ હાલ રાજ્યમાં કોરોના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે DRDO ના સહયોગથી બનાવવામાં આવેલી કોવિડ ધનવંતરી હોસ્પિટલમાં બેડ ખાલી હોવાનું બોર્ડ મારવામાં આવ્યું છે
આશ્કા જાની/ અમદાવાદ: દેશભરમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે પરંતુ હાલ રાજ્યમાં કોરોના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે DRDO ના સહયોગથી બનાવવામાં આવેલી કોવિડ ધનવંતરી હોસ્પિટલમાં બેડ ખાલી હોવાનું બોર્ડ મારવામાં આવ્યું છે. ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ તમામ હોસ્પિટલોની બહાર બેડને લગતી માહિતી અંગે બોર્ડ લગાવી માહિતી આપવામાં આવી રહી છે.
રાજ્યમાં કોરોના વાયરસના રેકોર્ડબ્રેક નવા કેસ નોંધાયા બાદ હવે છેલ્લા કેટલાક દિવસોથી કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 11,084 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર 14,770 લોકો કોરોનાને મ્હાત આપીને સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 5,33,004 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જો કે, રાજ્યનો રિકવરી રેટ આજે 78.27 ટકાએ પહોંચ્યો છે.
આ પણ વાંચો:- કોરોના કાળમાં લોકોને માથે વધુ એક ભારણ, તેલના ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
જો કે, રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતાં DRDO ના સહયોગથી GMDC ગ્રાઉન્ડ ખાતે બનાવવામાં આવેલી કોડિવ ધનવંતરી હોસ્પિટલમાં બેડ ખાલી હોવાનું બોર્ડ મારવામાં આવ્યું છે. ધનવંતરી હોસ્પિટલમાં હાલ ઓક્સિજનવાળા 79 બેડ ખાલી છે. પંરતુ ICU વાળો એક પણ બેડ ખાલી નથી. હાઈકોર્ટના આદેશ બાદ તમામ હોસ્પિટલોની બહાર બેડને લગતી તમામ માહિતી અંગે બોર્ડ લગાવી માહિતી આપવામાં આવી રહી છે.
આ પણ વાંચો:- મ્યુકોરમાઈકોસિસના દર્દીઓની સારવાર ન કરાતી હોવાના મુદ્દે હાઇકોર્ટમાં અરજી
ઉલ્લેખનીય છે કે, કોવિડ-19 દર્દીઓ અને મહામારીથી સાજા થઈ ચૂકેલા લોકોમાં વધી રહેલા મ્યુકોરમાઈકોસિસ એટલે કે બ્લેક ફંગસના જોખમે ચિંતા વધારી દીધી છે. ત્યારે રાજ્યના સરકારી હોસ્પિટલોમાં મ્યુકોરમાઈકોસિસ (Mucormycosis) ના દર્દીઓની સારવાર ન કરાતી હોવાના મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે.
આ પણ વાંચો:- આજથી ડ્રાઇવ ઇન સિનેમામાં પણ ડ્રાઇવ થ્રૂ વેક્સીનેશન, 1 KM લાંબી લાઇનો લાગી
ગુજરાત હાઇકોર્ટમાં અરજદારે રજૂઆત કરી છે કે હાઇકોર્ટે લીધે સુઓમોટો અરજી આ મુદ્દે સાંભળવામાં આવે. રાજ્ય સરકાર દ્વારા સંચાલિત હોસ્પિટલોમાં દર્દીઓની યોગ્ય સારવાર કરવામાં આવતી નથી તેમજ દવાઓ અને નિષ્ણાંત તબીબોનો અભાવ છે. મ્યુકોરમાઈકોસિસ (Mucormycosis) ના દર્દીઓને સરકારી હોસ્પિટલો અધવચ્ચે ડિસ્ચાર્જ કરી દે છે. સરકારી હોસ્પિટલનું વલણ ગેરબંધારણીય છે. આ અંગે વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube